fbpx

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

Spread the love

‘ભારતનો કોહિનૂર પરત કરો’, અમેરિકામાંથી કિંગ ચાર્લ્સ સામે કોણે આવી માંગ કરી દીધી?

ન્યૂયોર્ક સિટીના મેયર ઝોહરાન મમદાનીએ બતાવી દીધું કે, ભલે તેમનો ઉછેર અમેરિકામાં થયો હોય, તેમણે પોતાના ભારતીય મૂળ કાપ્યા નથી; તેમનું હૃદય અત્યારે પણ ભારતીય છે. બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા હાલમાં અમેરિકાની મુલાકાતે છે, અને બુધવારે મમદાનીએ સ્પષ્ટ સંકેત આપ્યો કે જો તેમની રાજા ચાર્લ્સ વાત થશે તો તે ફક્ત ઔપચારિકતાનો વિષય નહીં હોય. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ રાજાને શું કહેશે? ત્યારે મમદાનીએ સામાન્ય શિષ્ટાચાર છોડીને બ્રિટનને તેના ભૂતકાળની યાદ અપાવી અને કોહિનૂર હીરાનો મુદ્દો ઉઠાવ્યો. મમદાનીએ ખચકાટ વિના કહ્યું કે, ‘જો હું રાજા સાથે વાત કરતો… તો હું કદાચ તેમને કોહિનૂર હીરા પરત કરવા કહીશ.’

નોંધનીય છે કે મમદાનીની માતા મીરા નાયર, ભારતમાં જન્મી હતી અને શિક્ષણ માટે અમેરિકા ગઈ હતી. ત્યારબાદ તે યુગાંડામાં મેયરના પિતા મહમૂદ મમદાની સાથે રહી હતી. સામાન્ય રીતે, મેયર અને બ્રિટિશ શાહી પરિવાર વચ્ચેની વાતચીત કડક પ્રોટોકોલ અને નરમ કૂટનીતિ હેઠળ થાય છે; જોકે, મમદાનીના નિવેદને આ ચર્ચામાં ઇતિહાસનો મુદ્દો જોડી દીધો છે.

mamdani

મમદાનીના આ નિવેદન પછી બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને તેમની પત્ની, રાણી કેમિલાએ બુધવારે ન્યૂયોર્કના વન વર્લ્ડ ટ્રેડ સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં 11 સપ્ટેમ્બર, 2001ના રોજ થયેલા આતંકવાદી હુમલાની 25મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી રહી છે. મમદાનીએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.

ભારતનો કોહિનૂર

કોહિનૂર માત્ર એક હીરા નથી; તે સાંસ્કૃતિક ગૌરવ અને વસાહતી પીડા બંનેનું પ્રતિક છે. ભારતની કોલ્લુર ખાણોમાંથી નીકળેલો આ હીરો (કાપતા પહેલા) આશરે 186 કેરેટ વજનનો હતો અને મુઘલો અને શીખો સહિત અનેક ભારતીય રાજવંશો પાસે રહ્યો. 1849માં બીજા એંગ્લો-શીખ યુદ્ધ પછી બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ દસ વર્ષના મહારાજા દુલીપ સિંહને લાહોરની સંધિ પર હસ્તાક્ષર કરવા દબાણ કર્યું, જેની શરતો હેઠળ આ હીરો રાણી વિક્ટોરિયાને સોંપવામાં આવ્યો હતો.

આજે, આ 105.6 કેરેટનો હીરો રાણી એલિઝાબેથ (રાણી માતા) ના તાજમાં છે અને લંડનના ટાવરમાં મજબૂત કાચ પાછળ સુરક્ષિત રીતે રાખવામાં આવ્યો છે. ભારત માટે, કોહિનૂરને ‘સૌથી મોટો પરત ન કરાયેલ ખજાનો’ માનવામાં આવે છે. મમદાનીની લાગણીઓ ભારતીય વસ્તીના વિશાળ વર્ગની લાગણીઓ સાથે મેળ ખાય છે, જે તેને કાયદેસર ભેટ તરીકે નહીં, પરંતુ લૂંટાયેલો ખજાનો માને છે.

kohinoor

ઘણા ભારતીયો માટે લંડનમાં આ હીરાની હાજરી આજે પણ વસાહતી યુગ દરમિયાન થયેલા ‘આર્થિક શોષણ’ની સ્પષ્ટ યાદ અપાવે છે. બ્રિટિશ સરકારે સતત કહેતી રહી છે કે, હીરા કાનૂની સંધિ દ્વારા મેળવવામાં આવ્યો હતો, જ્યારે ભારતીય ઇતિહાસકારોનું કહેવું છે કે એક બાળક પાસેથી દબાણ હેઠળ કરાવવામાં આવેલા કરારની કોઈ નૈતિક કે કાનૂની માન્યતા નથી. મમદાનીની આ માંગ એકલી નથી; ગ્રીસ (એલ્ગિન માર્બલ્સ અંગે) અને આફ્રિકા (બેનિન બ્રોન્ઝ અંગે)માં પણ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે, જેમાં પશ્ચિમી સંગ્રહાલયો અને રાજવી પરિવારોને તેમની ઐતિહાસિક વસ્તુઓ પરત કરવા હાકલ કરવામાં આવી રહી છે.

Leave a Reply

error: Content is protected !!