
ભારતમાં બાળકો માટે પ્રારંભિક શિક્ષણ વધુને વધુ મોંઘુ થઈ રહ્યું છે. તાજેતરમાં, એક શાળાની KG (સિનિયર કિન્ડરગાર્ટન) ફી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેનાથી લોકોમાં આક્રોશ અને ચર્ચા બંને થઈ હતી.
સાક્ષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શાળાની ફી શેર કરી હતી. તેણે પોસ્ટનું કેપ્શન આપ્યું હતું, ‘ફક્ત ટ્વિંકલ ટ્વિંકલ…ને શીખવા માટે 2.5 લાખ રૂપિયા.’ તે પોસ્ટ થતાં તરત જ વાયરલ થઈ ગઈ હતી. ફી જોનારા દરેક આશ્ચર્યચકિત થઈ ગયા. ચાલો વધુ વિગતે જાણી લઈએ.

ખાનગી શાળાઓ બાળકોના માતાપિતાના ગજવાને કાપવાના સતત પ્રયાસ કરી રહી છે. જ્યારે KGના વિદ્યાર્થીની 2.24 લાખ રૂપિયાની ફી વાયરલ થઈ, ત્યારે સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સામાં ભડકી ઉઠ્યા અને શિક્ષણના સતત વધતા ખર્ચ અંગે ચર્ચા વધુ તીવ્ર બની.
સાક્ષીએ જે પોસ્ટ કરી છે તે ફી સ્પષ્ટપણે દર્શાવે છે કે, 15,000 રૂપિયા પ્રવેશ ફી છે અને 33,000 રૂપિયા પરત ન કરી શકાય તેવા કૉશનના પૈસા છે. આ ઉપરાંત, રૂ. 224,718 ટ્યુશન, લાઇબ્રેરી અને જીમ ફી છે. આમાં જૂતા, મોજાં અને કાફેટેરિયાનો ખર્ચ શામેલ નથી. આનો અર્થ એ છે કે કુલ ખર્ચ તેનાથી પણ વધુ હોઈ શકે છે.
આ પોસ્ટ X પર @Sakshi50038 હેન્ડલનો ઉપયોગ કરીને પોસ્ટ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે ઝડપથી વાયરલ થઈ ગઈ. આ લખાય છે ત્યાં સુધી, પોસ્ટને 500,000થી વધુ વ્યૂઝ મળ્યા છે. વાયરલ પોસ્ટ પછી, મોટી સંખ્યામાં વપરાશકર્તાઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે, જેમાં ઘણા ફીની રકમ જોઈને જ ચોંકી ગયા છે. એક વપરાશકર્તાએ લખ્યું, ‘આ તો હદની ઉપર વધી રહી છે. આ ખરાબ રીતે વધતી ફીની રકમને રોકવા માટે કોઈ નિયમો કેમ બનાવવામાં આવ્યા નથી?’ બીજા વપરાશકર્તાએ લખ્યું, ‘ભવિષ્ય ખૂબ મોંઘું થઇ રહ્યું છે.’

કેટલાક લોકોએ ધ્યાન દોર્યું કે, મોંઘી શાળાઓ વધુ સારી સુવિધાઓ પ્રદાન કરે છે. AC કલાસરૂમ, સ્વિમિંગ પુલ અને એક્ટિવિટી રૂમ જેવી સુવિધાઓ ફીમાં વધારો કરે છે. એક વપરાશકર્તાએ લખ્યું, ‘આજકાલ, શાળાઓ 5-સ્ટાર હોટલ જેવી લાગે છે, તેથી ફી પણ તેના અનુરૂપ જ છે.’ બીજા વપરાશકર્તાએ લખ્યું, ‘ભારતીય માતાપિતા મૂર્ખ છે… પૂછવામાં આવે છે છતાં પણ તેઓ આંખ બંધ કરીને પૈસા ચૂકવી દે છે. પ્રાથમિક શિક્ષણ તો મફત હોવું જોઈએ. માતાપિતા ફક્ત એવું ઇચ્છે છે કે તેમના બાળકોના સ્કૂલની જિંદગી રૉયલ અથવા આંતરરાષ્ટ્રીય શાળાથી શરૂ કરે અથવા પૂર્ણ કરે.’ બીજા એક યુઝરે લખ્યું, ‘હવે તો હદ થઇ ગઈ.’ કોમેન્ટ સેક્શનમાં કોઈએ જુનિયર KGની ફી વિશે પૂછ્યું, અને સાક્ષીએ જવાબ આપ્યો, ‘2 લાખ રૂપિયા.’