
દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટ FZ1073માં બુધવારે થયેલા હુમલા દરમિયાન ઇજાગ્રસ્ત થયેલા પાયલટની ઓળખ સ્મિત મચ્છર તરીકે થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે સ્મિત મચ્છરે ઈજાઓ હોવા છતા વિમાનમાં સવાર 180 મુસાફરોનો જીવ બચાવ્યો અને ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કર્યું. આ ભારતીય હીરોની ચર્ચા હવે સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. ફ્લાયદુબઈ સાથે જોડાતા પહેલા, તેમણે લગભગ 11 વર્ષ સુધી ભારતીય એરલાઈન સ્પાઈસજેટ માટે કામ કર્યું હતું. ફ્લાયદુબઈની ફ્લાઈટમાં થયેલા ઘર્ષણ દરમિયાન, સ્મિતે તેના કો-પાયલટનો સામનો કર્યો હતો.
સ્મિતના દુનિયાના તમામ નેતાઓ વખાણ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્મિત વિશે કહ્યું હતું કે તેમણે દુબઈથી તેલ અવીવ જઈ રહેલા વિમાનમાં 174 લોકોના જીવ બચાવી લીધા હતા. એક હિન્દુસ્તાનીએ 9/11 (અમેરિકામાં 2001માં થયેલો આતંકી હુમલો) જેવી ઘટના બનતી અટકાવી દીધી છે.
કોણ છે ફ્લાયદુબઈના કેપ્ટન સ્મિત મચ્છર?
સ્મિત મચ્છર ની લિંક્ડઈન (LinkedIn) પ્રોફાઈલ મુજબ, સ્મિત મચ્છર જૂન 2022માં ફ્લાયદુબઈમાં જોડાયા હતા અને બોઈંગ 737માં કેપ્ટન તરીકે કામ કરી રહ્યા છે. આ પહેલા, સ્મિતે મુંબઈ સ્થિત સ્પાઈસજેટમાં લગભગ 11 વર્ષ કામ કર્યું હતું. સ્પાઈસજેટમાં, તેઓ સીનિયર કમાન્ડર રહ્યા હતા અને નવેમ્બર 2020થી ‘લાઈન ટ્રેનિંગ કેપ્ટન’ની ભૂમિકા પણ ભજવી હતી; આ ભૂમિકામાં તેઓ અન્ય પાયલટોને તાલીમ આપવા અને તેમની ટેસ્ટ લેવાનું કામ કરતા હતા.

સ્મિતની લિંક્ડઈન પ્રોફાઈલમાં બોઈંગ 737-800 અને 737 MAX 8/9 વિમાનો પર કુલ 9,750 ફ્લાઈટ કલાક ઉડાણનો અનુભવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સ્પાઈસજેટમાં તેમણે ‘પાયલટ-ઈન-કમાન્ડ’ તરીકે 6,400થી વધુ કલાક ઉડાણ ભરી હતી. બાદમાં તેઓ ‘ડાયરેક્ટ-એન્ટ્રી કેપ્ટન’ તરીકે ફ્લાયદુબઈમાં જોડાયા હતા.
ફ્લાયદુબઈની ફ્લાઈટમાં શું થયું?
તબુક એરપોર્ટના જણાવ્યા અનુસાર, તેમને સ્થાનિક સમય મુજબ સવારે 8:44 વાગ્યે ફ્લાઈટ તરફથી ઈમરજન્સી કોલ મળ્યો હતો. લગભગ એક કલાક પછી, વિમાને તબુકમાં ઈમરજન્સી લેન્ડિંગ કર્યું. ફ્લાઈટ-ટ્રેકિંગ ડેટા મુજબ, વિમાન માત્ર 37 સેકન્ડમાં લગભગ 14,300 ફૂટ નીચે ઉતર્યું હતું. ત્યારબાદ, વિમાન તરફથી ગેરકાયદેસર હસ્તક્ષેપ સૂચવતો ટ્રાન્સપોન્ડર કોડ મોકલ્યો હતો. ફ્લાયદુબઈએ હાલમાં આ ઘટનાને માત્ર ઉડાણ દરમિયાન બનેલી ઘટના ગણાવી છે. એરલાઇને જણાવ્યું હતું કે ફ્લાયદુબઈના ફરજ પરના ક્રૂએ પરિસ્થિતિને સંભાળી લીધી હતી અને વિમાનને સુરક્ષિત રીતે તબૂકમાં ઉતાર્યું હતું.

ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કાત્ઝે આ ઘટનાને જેહાદી આતંકવાદી હુમલાનો પ્રયાસ ગણાવ્યો હતો. તેમના જણાવ્યા અનુસાર, વિમાનમાં સવાર કેટલાક ઇઝરાયેલી મુસાફરોએ કોકપિટમાં પહોંચીને હુમલાખોરને કાબૂમાં લીધો હતો અને વિમાનનું નિયંત્રણ ત્યાં હાજર વધારાના ફ્લાઇટ ક્રૂને સોંપવામાં મદદ કરી હતી.