
દિલ્હી પોલીસે ફરી એકવાર ‘ખાખી વર્દી’ને શરમમાં નાખી દીધી. પોલીસ વિભાગમાં તૈનાત એક કોન્સ્ટેબલ પર રૂ. 50 લાખની લૂંટનો આરોપ મૂકવામાં આવ્યો છે. અહેવાલો અનુસાર, આરોપી, સમય સિંહ મીણા, દિલ્હી પોલીસની 5મી બટાલિયનમાં તૈનાત હતો. તેની સામે અગાઉ પણ અનેક ગુનાહિત કેસ નોંધાયેલા છે, આમ છતાં વરિષ્ઠ અધિકારીઓની નિષ્ક્રિયતાએ ફરી એકવાર સમગ્ર વિભાગ પર પ્રશ્નો ઉભા કર્યા છે.
દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ સમય સિંહ મીણાની ગયા મહિને દિલ્હીના આઝાદ માર્કેટ અંડરપાસ પાસે રૂ. 50 લાખની લૂંટમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે. શુક્રવારે એક પોલીસ અધિકારીએ આ જાહેરાત કરી. તેના પર 31 માર્ચે લૂંટને અંજામ આપવા માટે તેના સાથીઓ સાથે કાવતરું ઘડવાનો આરોપ છે.
દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે 4 માણસો આઝાદ માર્કેટ અંડરપાસ પાસે એક ચાલતી રિક્ષાને રોકીને આશરે રૂ. 50 લાખ રોકડા લઈને ભાગી ગયા. કેસ નોંધવામાં આવ્યો હતો અને તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી.

દિલ્હી પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘આ કેસમાં સંડોવાયેલા ઘણા આરોપીઓની પહેલા જ ધરપકડ થઈ ચૂકી છે. તપાસ દરમિયાન કોન્સ્ટેબલની ભૂમિકા સામે આવી હતી.’ તેમણે બતાવ્યું કે ઘટના પછીથી સમય સિંહ મીણા ફરાર હતો અને CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તેને શોધી કાઢવામાં આવ્યો હતો.
અધિકારીએ જણાવ્યું હતું કે, આખરે તેને રાજસ્થાનના દૌસાથી પકડવામાં આવ્યો હતો. પોલીસને શંકા છે કે સમય સિંહ મીણાએ લૂંટનું કાવતરું ઘડવામાં અને તેના સાથીઓ સાથે સંકલન કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.
અધિકારીએ કહ્યું, ‘તેને એક રીઢો ગુનેગાર માનવામાં આવે છે, જે લૂંટના મોટા કેસોમાં સામેલ છે.’ પોલીસે કહ્યું કે તે આ જ પ્રકારના અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ, તે ચકાસવા માટે વધુ તપાસ ચાલી રહી છે. લૂંટની બાકીની રકમ શોધવા માટે પણ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મીડિયા અહેવાલો અનુસાર, આરોપી કોન્સ્ટેબલની અગાઉ રૂ. 25 લાખની લૂંટ મામલે ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે પહેલાથી જ 3 કેસ નોંધાયેલા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન, આરોપી ફરમાનએ જણાવ્યું હતું કે, તે સમય સિંહ મીણા નામના દિલ્હી પોલીસ કોન્સ્ટેબલને મળ્યો હતો. તેણે લૂંટને અંજામ આપવા માટે કેટલાક લોકોને લાવવાનું કહ્યું હતું. ત્યાર પછી સલમાને સમય સિંહ અને નિખિલ મીણા સાથે સાહિલ અને તેના મિત્રોની મુલાકાત કરાવી હતી. સમય સિંહની સૂચના પર, સાહિલ અને તેના મિત્રોને કીર્તિ નગર મોકલવામાં આવ્યા.
આ પછી, આરોપી પીડિતોનો પીછો કરતા કરતા આઝાદ માર્કેટ નજીક રેલ્વે અંડરપાસ પર પહોંચ્યા અને ગુનો કર્યો. ત્યાર પછી, આરોપીઓએ પૈસા એકબીજાને વહેંચી દીધા. આ પછી, બધા આરોપીઓ ફરાર થઈ ગયા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે બધા આરોપીઓની મનાલી, ગોવા, દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી અને મુખ્ય આરોપીની રાજસ્થાનના દૌસાથી ધરપકડ કરવામાં આવી હતી.