fbpx

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

Spread the love

PM મોદી 15 મેથી UAE, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીના પ્રવાસે જશે

પશ્ચિમ એશિયા (West Asia) માં ચાલી રહેલી ભીષણ કટોકટી અને ઉર્જા પુરવઠામાં અવરોધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અઠવાડિયે 15 મેથી 5 દેશોના પ્રવાસે રવાના થશે. આ છ દિવસીય પ્રવાસ દરમિયાન PM મોદી સંયુક્ત આરબ અમીરાત (UAE), નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઈટાલીની મુલાકાત લેશે.

PM મોદીના પ્રવાસની શરૂઆત UAE થી થશે, જે છેલ્લી ઘડીએ લેવાયેલો નિર્ણય છે. ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પ્રભાવિત થવાને કારણે ભારતે તેની ઉર્જા આયાત સુરક્ષિત કરવાની જરૂર છે. તાજેતરમાં જ ઈરાને UAE પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા, જેમાં ફુજૈરાહમાં ત્રણ ભારતીયો ઈજાગ્રસ્ત થયા હતા. PM મોદીએ રવિવારે જ ભારતીયોને ઈંધણ બચાવવા, વિદેશ પ્રવાસ મર્યાદિત કરવા અને સોનાની ખરીદી ઘટાડવા વિનંતી કરી હતી. તેમણે કોવિડની જેમ ‘વર્ક ફ્રોમ હોમ’ શરૂ કરવા પણ સૂચન કર્યું છે.

modi

UAE બાદ PM મોદી નેધરલેન્ડ અને ત્યારબાદ સ્વીડન અને નોર્વે જશે. યુરોપિયન યુનિયન સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) ની વાટાઘાટો પૂર્ણ થયા બાદ PMની આ પ્રથમ યુરોપ મુલાકાત છે. અહીં સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે જાણીતી કંપની ASML પાસેથી લિથોગ્રાફ મશીનો ખરીદવા અને AI ક્ષેત્રે સહયોગ અંગે ચર્ચા થશે. PM મોદી નેધરલેન્ડના નવા વડાપ્રધાન રોબ જેટન સાથે મુલાકાત કરશે. આ દેશો ગ્રીન અને ઉભરતી ટેકનોલોજી માટે મહત્વના છે. નોર્વે સાથેનો મુક્ત વ્યાપાર કરાર ઓક્ટોબર 2025 થી અમલમાં છે. અહીં સ્વાસ્થ્ય અને ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પ્રવાસનું મુખ્ય આકર્ષણ 18 મેના રોજ ઓસ્લોમાં યોજાનારી ત્રીજી ભારત-નોર્ડિક સમિટ છે. જેમાં આઇસલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન અને ફિનલેન્ડના નેતાઓ PM મોદી સાથે મુલાકાત કરશે. અગાઉ 2025માં આ મુલાકાત ‘ઓપરેશન સિંદૂર’ ને કારણે રદ કરવામાં આવી હતી.

meloni

PM મોદી તેમના પ્રવાસના અંતિમ ચરણમાં 19-20 મેના રોજ ઈટાલી જશે. ભારત અને ઈટાલી સંરક્ષણ અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં સંબંધો ગાઢ બનાવી રહ્યા છે. ઈટાલી ઈચ્છે છે કે તેના બંદરો ‘ભારત – મધ્ય પૂર્વ – યુરોપ ઇકોનોમિક કોરિડોર’ (IMEC) નો ભાગ બને, જે યુરોપ માટે પ્રવેશદ્વાર સાબિત થઈ શકે.

આ પ્રવાસ ભારત માટે માત્ર રાજદ્વારી મુલાકાત નથી, પરંતુ બદલાતા વૈશ્વિક સમીકરણો વચ્ચે પોતાની ઉર્જા જરૂરિયાતો અને અદ્યતન ટેકનોલોજીના સ્ત્રોતોને સુરક્ષિત કરવાનો એક મોટો પ્રયાસ છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા વચ્ચે ભારત શાંતિ અને આર્થિક સ્થિરતા જાળવવા ‘ડિપ્લોમેટિક ટાઈટરોપ’ (મુશ્કેલ સંતુલન) પર ચાલી રહ્યું છે.

Leave a Reply

error: Content is protected !!