fbpx

18 વર્ષથી જાપાનમાં રેસ્ટોરાં ચલાવતા, અચાનક ‘પોતાના દેશમાં પાછા જાઓ’નો મળ્યો આદેશ, ભારતીય ઉદ્યોગપતિ રડી પડ્યા

Spread the love

18 વર્ષથી જાપાનમાં રેસ્ટોરાં ચલાવતા, અચાનક 'પોતાના દેશમાં પાછા જાઓ'નો મળ્યો આદેશ, ભારતીય ઉદ્યોગપતિ રડી પડ્યા

છેલ્લા 18 વર્ષથી જાપાનમાં ભારતીય રેસ્ટોરાં ચલાવતા એક ભારતીય ઉદ્યોગપતિની કહાનીએ લોકોને ખૂબ જ ભાવુક કરી દીધા છે. જાપાની અધિકારીઓએ જાપાનના સૈતામા પ્રીફેક્ચરના રહેવાસી મનીષ કુમારના બિઝનેસ મેનેજર વિઝા રિન્યૂ કરવાનો ઇનકાર કરી દીધો હતો, જેના કારણે તેમની પાસે રેસ્ટોરાં બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો.

ટોક્યોમાં આયોજિત વિરોધ પ્રદર્શન દરમિયાન મનીષ કુમાર મીડિયા સાથે વાત કરતા રડી પડ્યા; તેમણે જણાવ્યું હતું કે તેમના બાળકો જાપાનમાં જન્મ્યા અને ઉછર્યા છે અને તેઓ ફક્ત જાપાની ભાષા સમજે છે, છતા તેમના પરિવારને હવે ભારત પાછા ફરવાનું કહેવામાં આવી રહ્યું છે. આ ઘટના બાદ જાપાનની નવી ઇમિગ્રેશન નીતિની ચર્ચા વધુ તેજ બની છે.

businessman2

વિરોધ પ્રદર્શન દરમિયાન મનીષ કુમારે કહ્યું કે, જાપાનની ઇમિગ્રેશન સર્વિસીસ એજન્સી (ISA) દ્વારા તેમને બે અઠવાડિયા અગાઉ દેશ છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ભાવુક થઇ બોલતા તેમણે કહ્યું કે, ‘મારા બાળકો જાપાનમાં જન્મ્યા; અહીં જ મોટા થયા છે. તેમના મિત્રો જાપાની છે, અને તેઓ ફક્ત જાપાની ભાષા સમજે છે. હવે, અમને ભારત પાછા જવાનું કહેવામાં આવી રહ્યું છે. હું મારા પરિવારનું શું કરું?

મનીષ કુમારનું કહેવું છે કે, તેમણે વર્ષોની મહેનત પછી પોતાનો વ્યવસાય ઉભો કર્યો હતો, પરંતુ હવે, એક જ નિર્ણયથી બધું જોખમમાં મુકાઈ ગયું છે. તેમની કહેની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઝડપથી વાયરલ થઈ રહી છે. અહેવાલો અનુસાર, જાપાને ઓક્ટોબર 2025માં બિઝનેસ મેનેજર વિઝા સંબંધિત નિયમોને ખૂબ કડક બનાવ્યા હતા. સરકારનો દાવો છે કે કેટલાક વ્યક્તિઓ આ વિઝાનો ઉપયોગ લાંબા સમય સુધી જાપાનમાં રહેવા માટે સરળ માર્ગ તરીકે કરી રહ્યા હતા, જ્યારે તેમનો વ્યવસાય વાસ્તવિક નહોતો.

જોકે, ટીકાકારો કહે છે કે નવા નિયમોને કારણે અસલી અને નાના બિઝનેસમેન પ્રભાવિત થઇ રહ્યા છે. સત્તાવાર આંકડા અનુસાર, નવા નિયમો લાગૂ થયા પછી બિઝનેસ મેનેજર વિઝા માટેની અરજીઓમાં 96 ટકાનો ભારે ઘટાડો નોંધવામાં આવ્યો છે. અગાઉ અધિકારીઓને દર મહિને આશરે 1,700 અરજીઓ મળતી હતી, પરંતુ હવે તે આંકડો ઘટીને માત્ર 70 થઈ ગયો છે.  મનીષ કુમારનો કિસ્સો હવે જાપાનમાં રહેતા અન્ય વિદેશી વ્યવસાય માલિકો માટે પણ ચિંતાનો વિષય બની ગયો છે. ઘણા નાના વ્યવસાય માલિકો કહે છે કે તેઓ વર્ષોથી જાપાનના અર્થતંત્રમાં યોગદાન આપી રહ્યા છે, છતા હવે તેઓ માને છે કે નવી નીતિઓને કારણે તેમનું ભવિષ્ય અસુરક્ષિત છે.

businessman

નિષ્ણાતોનું માનવું છે કે એક તરફ જાપાન વિદેશી રોકાણ અને વ્યવસાયને પ્રોત્સાહન આપવા માંગે છે, તો બીજી તરફ કડક ઇમિગ્રેશન નિયમો વિદેશી ઉદ્યોગસાહસિકોમાં ભયનું વાતાવરણ પેદા કરી રહ્યા છે. હાલમાં, મનીષ કુમાર અને તેનો પરિવાર તેમના ભવિષ્ય અંગે ઊંડા સંકટમાં છે.

Leave a Reply

error: Content is protected !!