
સુપ્રીમ કોર્ટ હાલમાં એક અસાધારણ કાનૂની અને રાજકીય વિવાદના કેન્દ્રમાં આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા વ્યંગાત્મક આંદોલન ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) અને ન્યાયતંત્રની ટિપ્પણીઓનો ઉપયોગ કરીને કમાણી કરતા નકલી વકીલોના આરોપોને કારણે આ વિવાદ ઊભો થયો છે. આ મામલે થયેલી અરજી પર સુનાવણી દરમિયાન ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે આ કેસને તાકીદે લિસ્ટ કરવાની માંગને નકારી દીધી હતી અને વકીલને ટકોર કરતા કહ્યું હતું કે, આ બાબતને એટલી સેન્ટિમેન્ટલી (ભાવનાત્મક રીતે) ન લો.
આ સમગ્ર વિવાદની શરૂઆત CJI દ્વારા અદાલતની કાર્યવાહી દરમિયાન કરવામાં આવેલી એક મૌખિક ટિપ્પણીથી થઈ હતી, જેમાં નકલી કાનૂની ડિગ્રી ધરાવતા કેટલાક ઓનલાઈન પ્રભાવકો અને કાર્યકર્તા બનેલા બેરોજગાર યુવાનોને વંદા (Cockroaches) સાથે સરખાવવામાં આવ્યા હતા. આ ટિપ્પણી સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ હતી, જેના પગલે તપાસ, સોશિયલ મીડિયા કેમ્પેઈન અને અરજીઓનો દોર શરૂ થઈ ગયો હતો.

આજે સોમવારે 25 મેના રોજ એડવોકેટ એન.કે. ગોસ્વામીએ ‘કોકરોચ જનતા પાર્ટી’ સંબંધિત અરજી પર તાકીદે સુનાવણી કરવાની માંગ કરી હતી. તેના પર CJI સૂર્યકાંતે વકીલને જણાવ્યું કે, આને એટલું સેન્ટિમેન્ટલી ન લો. કોર્ટના આ વલણ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ આ બાબતને એટલી ગંભીર કે તાત્કાલિક સુનાવણી લાયક ગણતા નથી.
એડવોકેટ ગોસ્વામીએ દલીલ કરી હતી કે, CJIએ અગાઉ પોતાની વંદા વાળી ટિપ્પણી પર સ્પષ્ટતા કરી દીધી હોવા છતાં, આ મુદ્દાને લઈને સોશિયલ મીડિયા પર હજુ પણ એક વિકૃત અને દ્વેષપૂર્ણ નેરેટિવ (ખોટો પ્રચાર) ચલાવવામાં આવી રહ્યો છે. જોકે, મુખ્ય ન્યાયાધીશે ઉમેર્યું હતું કે આ અરજી સામાન્ય પ્રક્રિયા અંતર્ગત નિયત સમયે જ લિસ્ટ કરવામાં આવશે અને તેને કોઈ વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે નહીં.
જ્યારે આ જનહિત અરજી (PIL) તાકીદની સુનાવણી માટે રજૂ કરવામાં આવી, ત્યારે CJI સૂર્યકાંતે સ્પષ્ટ ચુકાદો આપ્યો કે આ મામલામાં કોઈ તાકીદ નથી અને તેની સુનાવણી સામાન્ય પ્રક્રિયા મુજબ જ થશે. વકીલને કહેવામાં આવેલી વાત—તમારે આને એટલું ભાવનાત્મક રીતે લેવાની જરૂર નથી—તેનો કાયદાકીય વર્તુળોમાં એવો અર્થ કાઢવામાં આવી રહ્યો છે કે અદાલત પોતાની સત્તાના દુરુપયોગને ગંભીરતાથી લે છે, પરંતુ તે સાથે જ વ્યંગ (Satire) અને રાજકીય અભિવ્યક્તિની સ્વતંત્રતાને ન્યાયિક ઉતાવળથી દૂર રાખવા માંગે છે. CJIની આ ટિપ્પણી દર્શાવે છે કે ન્યાયતંત્ર પોતાની ગરિમા અને બદનક્ષી સામે રક્ષણ ચોક્કસ કરશે, પરંતુ પોતાની જ ભાષા પર થતા દરેક કટાક્ષ કે મીમ્સ પર પોલીસિંગ કરવા માંગતું નથી.
અરજીમાં શું માંગ કરવામાં આવી છે?
એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં માંગ કરવામાં આવી છે કે ‘કોકરોચ જનતા પાર્ટી’ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટે કડક પગલાં લેવા જોઈએ, કારણ કે તેઓ બ્રાન્ડિંગ અને વ્યાપારી લાભ (Commercial Gain) માટે કોર્ટની મૌખિક ટિપ્પણીઓનો દુરુપયોગ કરી રહ્યા છે. અરજીમાં એવી માર્ગદર્શિકા બહાર પાડવાની માંગ કરાઈ છે કે અદાલતી ટિપ્પણીઓનું ટ્રેડમાર્કિંગ કે વ્યાપારીકરણ ન થઈ શકે અને ઓપન કોર્ટમાં બોલાયેલા શબ્દો પરથી પૈસા કમાવવા પર રોક લગાવવામાં આવે.

આ ઉપરાંત, અરજીમાં એક સ્વતંત્ર એજન્સી, બની શકે તો CBI દ્વારા તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. આરોપ છે કે કેટલાક નકલી વકીલો બોગસ અને છેતરપિંડીથી મેળવેલી લો ડિગ્રીના આધારે વકીલાત કરી રહ્યા છે અને આ લોકો કોકરોચ વાળી ટિપ્પણીથી મળેલી પબ્લિસિટીનો ખોટો ફાયદો ઉઠાવી રહ્યા છે.
આ જનહિત અરજીમાં એક મોટી બંધારણીય ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે સર્વોચ્ચ અદાલતની કાર્યવાહીનું ખતરનાક રીતે વ્યાપારીકરણ થઈ રહ્યું છે. અરજીમાં જણાવાયું છે કે જ્યારે સુપ્રીમ કોર્ટની મૌખિક ટિપ્પણીઓને સોશિયલ મીડિયા ટ્રેન્ડ, ટી-શર્ટ કે અન્ય પ્રોડક્ટ્સના બ્રાન્ડિંગ અને પૈસા કમાવવાના ઓનલાઈન કેમ્પેઈનમાં ફેરવી દેવામાં આવે, ત્યારે ન્યાયપીઠની ગંભીરતા જોખમાય છે. કોર્ટરૂમની ચર્ચા પ્રચાર, વેપાર કે ડિજિટલ મોબિલાઈઝેશનનું સાધન ન બનવી જોઈએ. જોકે, CJIના વલણ પરથી સ્પષ્ટ છે કે જ્યાં સુધી કોઈ ગુનાહિત કે છેતરપિંડીની પ્રવૃત્તિના પુરાવા ન મળે, ત્યાં સુધી કોર્ટ લોકોના અભિપ્રાય અને પેરોડી (મજાક) ના ક્ષેત્રમાં દખલ કરવાથી બચી રહી છે.
સુપ્રીમ કોર્ટમાં એક અલગ અરજી પણ દાખલ કરવામાં આવી છે, જેમાં નકલી વકીલો, બોગસ કાયદાની ડિગ્રીઓ અને ‘કોકરોચ જનતા પાર્ટી’ સાથે જોડાયેલા લોકોની પ્રવૃત્તિઓની સીબીઆઈ (CBI) તપાસની માંગ કરવામાં આવી છે. આ સોશિયલ મીડિયા મૂવમેન્ટ વાયરલ થયા બાદ દાખલ કરાયેલી અરજીમાં આરોપ છે કે નકલી શૈક્ષણિક લાયકાત અને બોગસ દસ્તાવેજોના આધારે એક આખું નેટવર્ક વકીલાત કરી રહ્યું છે. અરજીકર્તાની દલીલ છે કે CJP સાથે જોડાયેલા લોકોએ સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવા માટે આ વિવાદનો ઉપયોગ કર્યો છે અને તેઓ ગેરકાયદેસર વકીલાતમાં પણ સામેલ હોઈ શકે છે, તેથી કેન્દ્રીય એજન્સી દ્વારા તેની તપાસ થવી જરૂરી છે.
એડવોકેટ રાજા ચૌધરીની જનહિત અરજીમાં પ્રિન્ટ અને ડિજિટલ માધ્યમોમાં થઈ રહેલા દુરુપયોગ પર પ્રહાર કરવામાં આવ્યો છે. અરજીમાં જણાવાયું છે કે:
અરજદાર આદરપૂર્વક રજૂઆત કરે છે કે ‘કોકરોચ જનતા પાર્ટી’ સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, કથિત ટ્રેડમાર્ક-કોમર્શિયલ દાવાઓ, બ્રાન્ડિંગ કેમ્પેઈન અને પેઇડ ડિજિટલ પ્રસારણ, પ્રથમ દૃષ્ટિએ (Prima Facie) સાબિત કરે છે કે અદાલતી વિવાદો અને કોર્ટરૂમની મૌખિક ચર્ચાઓનું સંગઠિત રીતે વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું છે.

આરોપ છે કે કોર્ટરૂમની ટિપ્પણીઓને હેશટેગ, મર્ચેન્ડાઇઝ બ્રાન્ડિંગ, પેઇડ કેમ્પેઈન અને સ્પોન્સર્ડ પોસ્ટ્સમાં ફેરવીને બંધારણીય ચર્ચાને નફો કમાવવાનો ઉદ્યોગ બનાવી દેવાઈ છે.
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક સુનાવણી દરમિયાન CJI સૂર્યકાંતે કથિત રીતે બેરોજગાર યુવાનો અને ઓનલાઈન કાર્યકર્તાઓ (જેમાંથી કેટલાક નકલી ડિગ્રી ધરાવતા હતા અને પ્રોફેશનલ પ્લેટફોર્મનો દુરુપયોગ કરતા હતા) ને વંદા (Cockroaches) અને પરજીવી (Parasites) સાથે સરખાવ્યા હતા.
જોકે, બાદમાં CJIએ સ્પષ્ટતા કરી હતી કે તેમની આ ટિપ્પણી દેશના સાચા અને પ્રમાણિક યુવાનો કે કાર્યકર્તાઓ માટે નહોતી, પરંતુ માત્ર એવા લોકો માટે હતી જેઓ ખોટી લો ડિગ્રીનો ઉપયોગ કરીને વકીલાતના વ્યવસાયનો ગેરલાભ ઉઠાવે છે. તેમ છતાં, કોકરોચ શબ્દ સોશિયલ મીડિયા પર એટલો વાયરલ થયો કે ‘કોકરોચ જનતા પાર્ટી’ (CJP) નામે એક પેરોડી બ્રાન્ડ બની ગઈ. સોશિયલ મીડિયા પર તેના લાખો ફોલોઅર્સ થઈ ગયા અને આળસુ અને બેરોજગારોનો અવાજ જેવા સ્લોગન ચાલવા લાગ્યા. જોકે, બાદમાં તેના મુખ્ય સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને સંકળાયેલી વેબસાઈટોને સસ્પેન્ડ કે બંધ કરી દેવામાં આવી હતી.