fbpx

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

Spread the love

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત મુદ્દાની અપીલ પર સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે આકરા પ્રહાર કર્યા છે. યાદવે આ અપીલને સરકારની ‘નિષ્ફળતાનો સ્વીકાર’ ગણાવતા કહ્યું કે, ચૂંટણી પૂરી થતા જ સરકારને સંકટની યાદ આવી ગઈ છે, જ્યારે હકીકતમાં ભાજપ પોતે જ દેશ માટે સૌથી મોટું સંકટ છે.

અખિલેશ યાદવે સરકારના આર્થિક મોરચે નિષ્ફળતાના મુદ્દા ઉઠાવતા ગંભીર સવાલો કર્યા હતા. તેમણે પૂછ્યું કે જો આટલી બધી પાબંદીઓ લગાવવી પડતી હોય, તો ‘5 ટ્રિલિયન ડોલરની જુમલાઈ ઈકોનોમી’ કેવી રીતે બનશે? સરકારના હાથમાંથી લગામ છૂટી ગઈ છે. ડોલર આસમાને પહોંચ્યો છે અને રૂપિયો પાતાળમાં જઈ રહ્યો છે. જનતાને સોનું ન ખરીદવાની અપીલ કરવાને બદલે ભાજપે પોતાના ભ્રષ્ટ નેતાઓને આ સલાહ આપવી જોઈએ. જનતા તો અત્યારે 1.5 લાખ રૂપિયે તોલાના ભાવે સોનું ખરીદવા સક્ષમ જ નથી. ભાજપના લોકો જ પોતાની કાળી કમાણીને સોનામાં ફેરવી રહ્યા છે.

akhilesh.jpg3

સપા પ્રમુખે ચૂંટણી દરમિયાન થયેલા ખર્ચ અંગે ભાજપને ઘેરતા પૂછ્યું કે શું ચૂંટણીમાં ભાજપના નેતાઓએ કરેલી હજારો ચાર્ટર પ્લેનની મુસાફરીઓ પાણીથી થતી હતી? શું તેઓ હોટલમાં નહોતા રોકાતા? જો આટલું જ સંકટ હતું તો ચૂંટણીમાં વીડિયો કોન્ફરન્સિંગથી પ્રચાર કેમ ન કર્યો? શું બધી પાબંદીઓ માત્ર જનતા માટે જ છે?

યાદવે આક્ષેપ કર્યો કે દેશની હાલની સ્થિતિ પાછળ ભાજપની નબળી વિદેશ નીતિ જવાબદાર છે. ભારતની પરંપરાગત ‘બિન-જોડાણવાદી’ (Non-aligned) નીતિ છોડીને ચોક્કસ જૂથોના દબાણમાં આવવાને કારણે દેશની જનતાએ મોંઘવારી, બેરોજગારી અને મંદીનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂત, મજૂર, યુવાનો અને ગૃહિણીઓ – દરેક વર્ગ અત્યારે આની લપેટમાં છે.

અખિલેશ યાદવે ભાજપ પર બહુપક્ષીય પ્રહારો કરતા જણાવ્યું કે ચૂંટણીમાં ગેરરીતિઓ કરીને રાજનીતિને પ્રદૂષિત કરી છે. નફરત ફેલાવીને સામાજિક સૌહાર્દ બગાડ્યો છે. પોતાના આચરણથી સંસ્કારોને કલંકિત કર્યા છે. સાધુ-સંતો પર આરોપો લગાવીને ધર્મને પણ બાકાત રાખ્યો નથી.

અખિલેશ યાદવે અંતમાં ચેતવણી આપતા કહ્યું કે, સરકારનું કામ સંસાધનોનો સદુપયોગ કરીને આપત્તિમાંથી બહાર લાવવાનું છે, ડર કે અફરાતફરી ફેલાવવાનું નહીં. આ અપીલ બાદ જનતામાં જે રોષ ફાટી નીકળ્યો છે, તેનું મેનેજમેન્ટ ભાજપ કોઈ ‘ચૂંટણી જુગાડ’થી કરી શકશે નહીં. હવે દેશ કહી રહ્યો છે – આજનું ભારત કહે છે, નથી જોઈતી ભાજપ!

Leave a Reply

error: Content is protected !!