
ગુજરાતમાં ભ્રષ્ટાચારી સરકારી બાબુઓ સામે એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ લાલ આંખ કરી છે. ગાંધીનગરમાં ઉર્જા વિભાગ હેઠળ કાર્યરત વિદ્યુત નિરીક્ષણ કચેરીના ક્લાસ-1 અધિકારી અશ્વિન બી. ચૌધરી (એ.બી.ચૌધરી)ને ₹5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા છે. ACBના આ સફળ છટકા બાદ જ્યારે અધિકારીના અલગ-અલગ લોકેશન પર દરોડા પાડવામાં આવ્યા, ત્યારે ત્યાંથી મળેલી બેનામી સંપત્તિ જોઈને ખુદ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ અટકાયત બાદ અધિકારીના ઘર અને ગાડીમાંથી મોટી માત્રામાં રોકડ તેમજ દાગીના મળી આવ્યા છે.
એક અરજદાર પાસેથી સોલાર પેનલની મંજૂરી (NOC) મેળવવાના મામલે ક્લાસ-1 અધિકારી એ.બી. ચૌધરીએ મોટી રકમની લાંચની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ મળતા જ ACBની ટીમે છટકું ગોઠવ્યું હતું, જેમાં અધિકારી 5 લાખની લાંચ લેતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. તપાસ દરમિયાન અધિકારીની કારમાંથી જ આ 5 લાખની રોકડ રકમ રિકવર કરવામાં આવી હતી.
ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ACBને આ અંગેની બાતમી મળી હતી કે, ઉદ્યોગ ભવનની કચેરીમાં કામ કરતા મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરી તેમણે સોલર પ્રોજેક્ટમાં સ્થળ તપાસ વિના જ NoC ઈશ્યૂ કરે છે અને લાંચ મેળવે છે. આ લાંચ તે રોજ પોતાની સરકારી કારમાં ઘરે લઈ જાય છે. જેથી તપાસ કરતા તેમની કારમાંથી 5 લાખથી વધુ રૂપિયા રોકડ મળી આવી હતી. તેમના ઘરે પણ અમે તપાસ કરી હતી. જેમાં ગાંધીનગર અને સુરત મકાનોમાં સર્ચ કર્યુ હતુ.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ લાંચના કેસમાં ધરપકડ કર્યા બાદ ACBની ટીમો દ્વારા અધિકારીના વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. ACBએ અધિકારીના અમદાવાદ અને સુરત સ્થિત રહેઠાણો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન તેમના ઘરમાંથી મોટી માત્રામાં બિનહિસાબી રોકડ રકમ અને કિંમતી સોના-ચાંદીના દાગીના મળી આવ્યા છે, જે અંગે ACBએ વધુ તપાસ તેજ કરી છે.

મુખ્ય વિદ્યુત નિરીક્ષક અશ્વિન બી. ચૌધરીને ત્યાં ACB દ્વારા પાડવામાં આવેલા દરોડામાં સુરતના VIP રોડ પર વેસુ વિસ્તારમાં આવેલી તેમની રહેણાંક મિલકત મુખ્ય કેન્દ્ર રહી છે, જ્યાંથી કરોડોની અપ્રમાણસર મિલકતનો ખુલાસો થયો છે. અશ્વિન ચૌધરીની માલિકીના ગાંધીનગર અને સુરત સ્થિત ‘B-405, શિલ્પ રેસિડેન્સી, CIP રોડ, વેસુ’ નામના મકાનો તેમજ ગાડીઓમાંથી સર્ચ દરમિયાન કુલ 1 કરોડ 76 લાખ રૂપિયાની રોકડા રકમ મળી આવી છે.
આ ઉપરાંત, સુરત અને ગાંધીનગરની આ મિલકતોમાંથી 88 લાખ 82 હજાર રૂપિયાની કિંમતના સોના-ચાંદીના દાગીના તેમજ 5 લાખ 51 હજાર રૂપિયાની રોકડ સાથેના ગિફ્ટ વાઉચર પણ જપ્ત કરવામાં આવ્યા છે. સુરતની આ પોશ ગણાતી શિલ્પ રેસિડેન્સીની તપાસ સહિત ACBએ અધિકારી પાસેથી કુલ 2 કરોડ 64 લાખ રૂપિયાની મતા કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે ACBના નાયબ નિયામક ભારતી પંડ્યાએ માહિતી આપતા જણાવ્યું કે, એ.બી.ચૌધરીના 8 મહિના નિવૃત્તિના બાકી હતા. ગાડીમાંથી 5 લાખ 51 હજાર રોકડા મળ્યા છે. તો ગાડીમાં ગિફ્ટ વાઉચર પણ મળ્યા. બે રહેણાંક મકાનો ગાંધીનગર અને સુરતમાં સર્ચ કર્યું હતું. બંને મકાન અને ગાડીમાંથી 1 કરોડ 76 લાખ રોકડા મળ્યા છે. સોના-ચાંદીના 88 લાખ 82 હજારની કિંમતનો મુદામાલ મળ્યો છે. આ સાથે કુલ 2 કરોડ 64 લાખની મત્તા અશ્વિન ચૌધરી પાસેથી મળી આવી છે. તેઓ ચાર વર્ષથી આ હોદ્દા પર કામ કરતા હતા.