fbpx

પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ

Spread the love

પ્રાંતિજ નગરપાલિકામાં રાજકીય ઘમાસાણ

– ૧૫ કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાથી ભાજપમાં ખળભળાટ

– આજે ગાંધીનગરમાં મહત્વની બેઠક

– ૧૫ કોર્પોરેટરો ને ગાંધીનગર કમલમ મા તેડુ 

 

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકામાં ૧૫ ભાજપના કોર્પોરેટરોના સામૂહિક રાજીનામાના મામલે રાજકીય ગરમાવો વધી ગયો છે નારાજ કોર્પોરેટરો અને નગરપાલિકા પ્રમુખ વચ્ચે ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે ભાજપ સંગઠન દ્વારા પ્રાંતિજ નજીક ત્રણ અલગ-અલગ હોટલોમાં બેઠકો યોજાઈ હતી જોકે, ત્રણેય બેઠકો અનિર્ણિત રહેતા આજે ફરીથી મહત્વની બેઠક યોજાય તેવી સંભાવના છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, નારાજ કોર્પોરેટરો પોતાના નિર્ણય પર અડગ રહેતા ભાજપ સંગઠનની ચિંતા વધી છે સમગ્ર ઘટનાક્રમ પાછળ બળવા માટે ઉશ્કેરણી કરનાર તત્વો કોણ છે તે અંગે પણ ઉચ્ચ કક્ષાએથી તપાસ શરૂ કરવામાં આવી છે ભાજપ દ્વારા પ્રથમ બેઠકથી લઈને સમગ્ર ઘટનાની વિગતો એકત્ર કરવામાં આવી રહી છે

માહિતી મુજબ, રવિવારે રાત્રે પ્રાંતિજના લઘુમતી વિસ્તારમાં કેટલાક આગેવાનો અને ૧૫ કોર્પોરેટરોની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સામૂહિક રાજીનામાનો પ્લાન ઘડાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે બેઠક દરમિયાન વિરોધની રણનીતિ તૈયાર કરી કોર્પોરેટરો પાસેથી રાજીનામાના પત્ર પર સહીઓ લેવામાં આવી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે

ત્યારબાદ મોડી રાત્રે કોર્પોરેટરો હિંમતનગર પહોંચી જિલ્લા ભાજપ સંગઠનને સામૂહિક રાજીનામાનો પત્ર સોંપ્યો હોવાની ચર્ચા છે આ ઘટનાએ ભાજપમાં ભારે ખળભળાટ મચાવ્યો છે રાત્રિના સમયે થયેલી આ હલચલ પાછળ કોઈએ વિવાદને વધુ ભડકાવવાનો પ્રયાસ કર્યો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે

સૂત્રોના જણાવ્યા મુજબ, પ્રાંતિજ નગરપાલિકામાં સર્જાયેલા આ બળવાના મૂળ કારણો જાણવા માટે ભાજપે ગંભીરતાથી કાર્યવાહી હાથ ધરી છે ઉચ્ચ કક્ષાના નેતાઓએ સ્થાનિક આગેવાનો સાથે સંપર્ક સાધી સમગ્ર મામલાની વિગતો મેળવી છે

નગરપાલિકામાં હાલ બે જૂથો આમને-સામને આવી ગયા હોવાનું સામે આવ્યું છે એક તરફ પ્રમુખ સમર્થક જૂથમાં ચાર કોર્પોરેટરો સાથે જિલ્લા સંગઠનનો ટેકો હોવાનું કહેવાય છે જ્યારે બીજી તરફ ૧૫ નારાજ કોર્પોરેટરો એક જ માંગ પર અડગ છે કે પ્રમુખને બદલવામાં આવે અથવા તેમના રાજીનામા સ્વીકારવામાં આવે

નારાજ કોર્પોરેટરોએ નગરપાલિકામાં લાખો રૂપિયાના કામો મંજૂરી વગર કરાયા હોવાના આક્ષેપ કર્યા છે સાથે જ કેટલાક વિભાગોના અધિકારીઓ સાથે સાંઠગાંઠ કરીને મનમાની તથા ગેરકાયદેસર કામો કરવામાં આવ્યા હોવાના ગંભીર આરોપો પણ લગાવ્યા છે ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના જ કોર્પોરેટરો દ્વારા ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓના આક્ષેપો થતા સમગ્ર મામલો વધુ ગંભીર બન્યો છે

પ્રાંતિજ નજીક હાઇવે પર આવેલી હોટલમાં મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં કોઈ સમાધાન ન આવતા હવે મામલો ગાંધીનગર સુધી પહોંચ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર, નારાજ ૧૫ કોર્પોરેટરોને આજે બપોરે 3 વાગ્યે ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા છે હવે આ બેઠકમાં શું નિર્ણય થાય છે તેના પર સૌની નજર મંડાઈ છે

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!