fbpx

‘અમે પણ ભારતની જમીન હડપ કરી લીધી…’ નેપાળના PM બાલેન શાહના નિવેદનથી હોબાળો

Spread the love

'અમે પણ ભારતની જમીન હડપ કરી લીધી...' નેપાળના PM બાલેન શાહના નિવેદનથી હોબાળો

નેપાળના PM બાલેન શાહના એક નિવેદનથી હોબાળો મચી ગયો છે. રવિવારે, નેપાળી સંસદમાં સાંસદોના પ્રશ્નોના જવાબમાં શાહે કહ્યું, ‘માત્ર ભારતે જ નેપાળની જમીન પર અતિક્રમણ નથી કર્યું, પરંતુ નેપાળે પણ ઘણી જગ્યાએ ભારતીય જમીન પર અતિક્રમણ કર્યું છે.’ તેમના આ નિવેદનની નેપાળમાં વ્યાપક ટીકા થઈ છે, જેના કારણે તેમની સરકારે પીછેહટ કરવી પડી છે.

આ સમગ્ર વિવાદ પર એક લેખ નેપાળી અખબાર, ધ કાઠમંડુ પોસ્ટમાં પ્રકાશિત થયો હતો, જેમાં કહેવામાં આવ્યું છે કે, ‘PM બાલેન શાહને શરૂઆતમાં ન બોલવા બદલ ટ્રોલ કરવામાં આવી રહ્યા હતા, પરંતુ જ્યારે તેઓ સંસદમાં બોલ્યા, ત્યારે તેમના નિવેદનથી વધુ મોટો વિવાદ ઉભો થઇ ગયો.’

હકીકતમાં, નેપાળી સંસદમાં લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાની વિવાદો અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો. જવાબમાં શાહે સંસદમાં કહ્યું, ‘તમને આ વિચિત્ર લાગશે, પરંતુ મને પણ PM બન્યા પછી જ ખ્યાલ આવ્યો કે, માત્ર ભારત જ નહીં, પરંતુ નેપાળે પણ ઘણી જગ્યાએ ભારતીય પ્રદેશ પર અતિક્રમણ કર્યું છે.’

Nepal PM Balendra Shah

PM શાહના આ નિવેદનથી સંસદમાં હોબાળો મચી ગયો. વિપક્ષી સાંસદોએ તેમના નિવેદનને સંસદીય રેકોર્ડમાંથી દૂર કરવાની માંગ કરી.

PM શાહના નિવેદનની નેપાળમાં વ્યાપક ટીકા થઈ છે. નેપાળી સરહદ નિષ્ણાતો અને ભૂતપૂર્વ રાજદ્વારીઓએ શાહના આ નિવેદન પર સવાલ ઉઠાવ્યા છે.

ભારત અને નેપાળ વચ્ચે લિપુલેખ, લિમ્પિયાધુરા અને કાલાપાણી પર લાંબા સમયથી સરહદ વિવાદ ચાલ્યો આવે છે. બંને દેશો આ વિસ્તારો પર પોતાનો દાવો કરે છે.

શાહે કહ્યું કે નેપાળ સરકારે આ મુદ્દે ભારત અને ચીનને રાજદ્વારી સંદેશા મોકલી દીધા છે.

તેમણે કહ્યું, ‘અમે ફક્ત ભારત અને ચીન સાથે જ નહીં, પરંતુ બ્રિટિશ સરકાર સાથે પણ વાત કરી છે. અમારું માનવું છે કે ઇંગ્લેન્ડે પણ આ મામલે રસ લેવો જોઈએ, કારણ કે આ વિવાદ તે સમયનો છે જ્યારે ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું. તેથી, આ બધા મુદ્દાઓને સંવાદ અને રાજદ્વારી વાટાઘાટો દ્વારા ઉકેલવા જોઈએ.’

PMના એક સહાયકે નેપાળી અખબાર, ધ કાઠમંડુ પોસ્ટને જણાવ્યું હતું કે, થોડા અઠવાડિયા પહેલા, PMના મુખ્ય સલાહકાર, કુમાર બ્યાંજંકરે નેપાળમાં બ્રિટિશ રાજદૂત, રોબ ફેન સાથે મુલાકાત કરી હતી.

Nepal PM Balendra Shah

આ બેઠકમાં કાલાપાણી સરહદ વિવાદના ઉકેલમાં બ્રિટનની સંભવિત ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવી હતી. નેપાળ માને છે કે આ વિવાદ 1816માં ઇસ્ટ ઇન્ડિયા કંપની અને નેપાળ વચ્ચે થયેલી સુગૌલી સંધિ પછી શરૂ થયો હતો.

નેપાળી સરહદ નિષ્ણાતો દાવો કરે છે કે, 372 ચોરસ કિલોમીટરનો લિપુલેખ-લિમ્પિયાધુરા-કાલાપાણી વિસ્તાર નેપાળનો ભાગ છે, જે 210 વર્ષ જૂની સુગૌલી સંધિ અને બ્રિટિશ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા 1819, 1827, 1834, 1835, 1837, 1846, 1850, 1856, 1860 અને 1879માં તૈયાર કરાયેલા નકશા પર આધારિત છે.

નેપાળી PM કાર્યાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર, બ્રિટનને સામેલ કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા કારણ કે તે સુગૌલી સંધિનો ઐતિહાસિક પક્ષ છે અને તેમની પાસે એવા દસ્તાવેજો અથવા નકશા હોઈ શકે છે જે વિવાદના ઉકેલમાં મદદરૂપ થઈ શકે.

જોકે, રાજદૂત રોબ ફેને સંકેત આપ્યો કે, આ મુદ્દો ભારત અને નેપાળ વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે, અને બ્રિટન તેમાં દખલ કરવા માંગતું નથી. નેપાળના PM કાર્યાલય અનુસાર, PM બન્યા પછી, શાહને નેપાળ-ભારત બોર્ડર વર્કિંગ ગ્રુપના કાર્ય વિશે માહિતી આપવામાં આવી હતી.

Nepal PM Balendra Shah

આ કાર્યકારી જૂથ સીમા સ્તંભોના નિર્માણ, સમારકામ અને પુનઃસ્થાપન, નો-મેન લેન્ડ સાફ કરવા અને અન્ય ટેક્નિકલી કામો માટે જવાબદાર છે. જોકે, સુસ્ટા અને કાલાપાની જેવા વિવાદિત વિસ્તારોને તેના કાર્યક્ષેત્રમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

ભૂતપૂર્વ સર્વે ડિરેક્ટર જનરલ તોયા બરાલે જણાવ્યું હતું કે, સરહદની બંને બાજુ જમીન કબજા, ખેતી અને ઉપયોગ સંબંધિત કેટલાક મુદ્દાઓ બાકી છે, અને BWG તેને ઉકેલવા માટે કામ કરી રહ્યું છે.

બરાલે તેમના PMના દાવાઓને ફગાવી દેતા કહ્યું હતું કે, ‘નેપાળે ભારતીય જમીન પર અતિક્રમણ કર્યું નથી.’ PMનું નિવેદન ટેક્નિકલી ખોટું છે.

તેમણે જણાવ્યું હતું કે, BWG હાલમાં બંને દેશોના નાગરિકો સરહદ પાર કેટલી જમીન પર ખેતી કરી રહ્યા છે તેનું મૂલ્યાંકન કરી રહ્યું છે.

Nepal PM Balendra Shah

PM શાહનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તેમના પક્ષના પ્રમુખ રવિ લામિછાને ભારતની મુલાકાત લેવાના છે. તેઓ નવી દિલ્હીમાં PM નરેન્દ્ર મોદી અને અન્ય વરિષ્ઠ ભારતીય નેતાઓને મળવાના છે.

નેપાળી કોંગ્રેસના સાંસદ બસના થાપાએ કહ્યું, ‘જો વડા પ્રધાન માને છે કે નેપાળે ખરેખર ભારતીય પ્રદેશ પર અતિક્રમણ કર્યું છે, તો તેમણે પુરાવા સાથે જાહેરમાં જણાવવું જોઈએ કે આ ક્યાં થયું છે.’

તેમણે ઉમેર્યું, ‘PM શાહે તાત્કાલિક તેમની ભૂલ સુધારવી જોઈએ. તેમનું નિવેદન અતિશયોક્તિપૂર્ણ અને હકીકતમાં ખોટું છે.’

આ દરમિયાન, વિવાદ વધ્યા પછી, નેપાળના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા બહાર પાડી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે, ‘PMની ટિપ્પણીઓ વાસ્તવમાં સરહદના ‘દસગજા” (નો-મેન’સ-લેન્ડ) વિસ્તારમાં અતિક્રમણ અને સરહદ પાર જમીનના ઉપયોગ સાથે સંબંધિત હતી, અને કોઈ સત્તાવાર પ્રાદેશિક દાવા સાથે સંબંધિત નહોતી.’

Nepal PM Balendra Shah

વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, કેટલીક નદી-આધારિત સીમાઓના સીમાંકનથી એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે, એક દેશના નાગરિકો બીજા દેશના પ્રદેશમાં આવતી જમીન પર ખેતી કરે છે અથવા રહે છે.

મંત્રાલયે એમ પણ જણાવ્યું હતું કે, ટેકનિકલ અભ્યાસોમાં જાણવા મળ્યું છે કે, નેપાળ દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક જમીન ખરેખર ભારતીય પ્રદેશમાં આવે છે, જ્યારે ભારત દ્વારા ઉપયોગમાં લેવાતી કેટલીક જમીન નેપાળી પ્રદેશમાં આવે છે.

મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, PMનું નિવેદન આ ટેકનિકલ વાસ્તવિકતા અને સરહદ પાર જમીનના ઉપયોગના સંદર્ભમાં હતું.

આમ છતાં, PMના નિવેદનથી નેપાળના રાજકીય અને બૌદ્ધિક વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. ઘણા નિષ્ણાતો માને છે કે, સરહદ પારની જમીનનો ઉપયોગ અને એક દેશ દ્વારા બીજા દેશની જમીન પર અતિક્રમણ એ બે અલગ અલગ બાબતો છે અને તેને એકબીજા સાથે સરખાવી શકાય નહીં.

જાણીતા નેપાળી પત્રકાર યુબરાજ ઘિમિરેએ PMના નિવેદનની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે, PM  બાલેન શાહે માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું, ‘PM બાલેન શાહે ખતરનાક સંકેત મોકલ્યો છે. અને હવે તેમની પાસે માફી માંગવા અને પછી સ્પષ્ટ સમજૂતી આપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી.’

વિપક્ષ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટી (માઓવાદી)એ PM શાહના નિવેદનની નિંદા કરી છે. પક્ષના પ્રવક્તા ખડગ પ્રસાદ વિશ્વકર્મા ‘પ્રકંડ’એ સોમવારે એક પ્રેસ નોટ બહાર પાડીને કહ્યું કે PM શાહનું નિવેદન રાષ્ટ્રીય સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાની વિરુદ્ધ છે.

માઓવાદી પાર્ટીએ દાવો કર્યો હતો કે ભારતનો કાલાપાની, લિપુલેખ, લિમ્પિયાધુરા અને સુસ્તા સહિત ડઝનબંધ નેપાળી પ્રદેશો પર કબજો છે. પાર્ટીએ આરોપ લગાવ્યો હતો કે, PMનું તાજેતરનું નિવેદન ભારતના વિસ્તરણવાદને પ્રોત્સાહન આપે છે.

જોકે, નેપાળમાં ઘણા લોકો તેમના PMના આ નિવેદનની પ્રશંસા પણ કરી રહ્યા છે અને તેને ઉત્તમ રાજદ્વારી ગણાવી રહ્યા છે.

નેહા ચપાગાઈ નામની યુઝરે PM બાલેન શાહના નિવેદનને સમર્થન આપતા લખ્યું, ‘એક પરિપક્વ નેતા યુદ્ધ કરતો નથી, પરંતુ વાતચીતને પ્રોત્સાહન આપે છે. અગાઉના PMના સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ અંગે PM બાલેનનું આ નિવેદન, ‘હું આનો ઉકેલ વાતચીત દ્વારા લાવીશ,’ એ ઉત્તમ રાજકીય સંસ્કૃતિનું ઉત્તમ ઉદાહરણ છે. હવે રાજદ્વારી પહેલને વેગ આપો.’

Leave a Reply

error: Content is protected !!