
લગભગ બે મહિના પહેલા, US ઇન્વેસ્ટમેન્ટ બેંક JP મોર્ગને એક વિશ્લેષણ બહાર પાડ્યું હતું, જેમાં પૂછવામાં આવ્યું હતું કે, ‘દુનિયાને કામ ચલાવવા માટે જરૂરી એવો ક્રૂડ ઓઇલનો ન્યૂનતમ સ્ટોક ખતમ કરવામાં કેટલો સમય લાગશે?’ તેનો સાર એ હતો કે, બજારમાં અબજો બેરલ તેલ હોવા છતાં, જો ઉપલબ્ધ ભંડાર ખૂબ ઓછો થઈ જાય, તો આખી સિસ્ટમ પડી ભાંગે. માનવ શરીરમાં બ્લડ પ્રેશરની જેમ, વાસ્તવિક મુદ્દો તેલનો જથ્થો નથી, પરંતુ તેની અંદર ઉમેરાતો જતો જથ્થાનો સતત પ્રવાહનો છે.
લગભગ 4 અઠવાડિયા પછી, બેંકે બીજું વિશ્લેષણ બહાર પાડ્યું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, સપ્ટેમ્બર સુધીમાં હોર્મુઝ સ્ટ્રેટ કેમ ખુલશે… એક યા બીજી રીતે. બેંક અનુસાર, 2026ની શરૂઆતમાં વૈશ્વિક તેલ ભંડાર 8.4 અરબ બેરલ હતો, પરંતુ તેમાંથી માત્ર 0.8 અરબ બેરલ જ ઉપયોગી થાય તેવો હતો.
ટૂંકમાં કહીએ તો, જો હોર્મુઝ સ્ટ્રેટ બંધ રહે અને ક્રૂડ ઓઇલની માંગ મોંઘવારીના કારણે ઘટીને 55 લાખ બેરલ પ્રતિ દિવસ પર સ્થિર રહે, તો OECD દેશોમાં (ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ) વાણિજ્યિક તેલ ભંડાર જૂન સુધીમાં ગંભીર દબાણ હેઠળ આવી શકે છે.

આ પછી, વિશ્વ તેલ ભંડાર સપ્ટેમ્બર સુધીમાં ન્યૂનતમ સ્તરે પહોંચી શકે છે, જેના કારણે સામાન્ય કામગીરી મુશ્કેલ બની શકે છે. રસપ્રદ વાત એ છે કે, JPMorganના અગાઉના અહેવાલ પછી, તેલના ભાવ વધવાને બદલે ઘટ્યા છે, જેના કારણે માંગમાં ઘટાડો થવાની ગતિ ધીમી પડી છે.
આ સમયગાળા દરમિયાન સૌથી આશ્ચર્યજનક તારણ એ હતું કે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે, દરરોજ આશરે 1 કરોડ બેરલ તેલ જરૂરિયાતમંદ દેશો સુધી પહોંચી શક્યું નથી. સામાન્ય રીતે, આવી સ્થિતિમાં, ભાવમાં તીવ્ર વધારો થવો જોઈતો હતો, જેનાથી માંગ ઘટી જાય. પરંતુ તેનાથી ઉલ્ટું માર્ચના અંતમાં તીવ્ર વધારો થયા પછી અને પછી એક મહિના પછી ફરીથી વધારો થયા પછી, તેલના ભાવ ઘટવા લાગ્યા. આનાથી માંગ ઘટવાને બદલે વધી છે. આ જ કારણ છે કે JPMorganએ એક અહેવાલ નહાર પાડીને જણાવ્યું હતું કે, વૈશ્વિક તેલ બજારના ગણિતમાં કંઈક ખોટું થઇ રહ્યું છે.
થોડા અઠવાડિયા પછી, ગોલ્ડમેન સૈક્સે પણ અહેવાલ આપ્યો હતો કે, હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવા છતાં, મે મહિનામાં વૈશ્વિક તેલ ભંડારમાં પ્રતિ દિવસ 87 લાખ બેરલનો રેકોર્ડ ઘટાડો થયો હતો.
તેમ છતાં, મે મહિનામાં તેલના ભાવ ઘણા ઓછા રહ્યા. આનું એક મુખ્ય કારણ સરકારી અને બિન-સરકારી સ્ત્રોતો દ્વારા બજારને આપવામાં આવતા દૈનિક સંકેતો હતા, જે સતત સૂચવતા હતા કે, US અને ઈરાન વચ્ચેનો સોદો બસ થઇ જ જશે.

પરંતુ આવું થયું નહીં. તેલ બજાર આ સંકટને અવગણવા માંગશે, પરંતુ હવે મોટી તેલ કંપનીઓ ખુલ્લેઆમ ચેતવણી આપી રહી છે.
તાજેતરમાં, શેવરોનના CEO માઇક વર્થે જણાવ્યું હતું કે આગામી બે મહિનામાં ક્રૂડ ઓઇલના ભાવ વધવાની સંભાવના છે, કારણ કે ઈરાન યુદ્ધને કારણે પહેલાથી જ અત્યંત ઓછા ક્રૂડ ઓઇલ ભંડારમાં ઘટાડો થવાનું ચાલુ છે.
તેમણે ગુરુવારે એક કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘સુરક્ષિત મૂકી રાખેલો અનામત ભંડાર હવે ઘટી રહ્યો છે, અને આવા આંચકાને સહન કરવાની ક્ષમતા પણ ઘટી રહી છે. બજારમાં હવે આ અસંતુલનને સંભાળવાની ક્ષમતા પહેલા કરતા ઘણી ઓછી થઇ ગઈ છે.’
તેમણે વધુમાં કહ્યું, ‘આ દબાણ આગામી થોડા અઠવાડિયામાં તેલના ભાવમાં સીધું દેખાવા માંડશે. જૂન અને ખાસ કરીને જુલાઈમાં ભાવ વધશે.’
વર્થની ટિપ્પણી એવા સમયે આવી છે, જ્યારે છેલ્લા અઠવાડિયામાં તેલના ભાવમાં લગભગ 10 ટકાનો ઘટાડો થયો છે. આ આશાને કારણે હતું કે, અમેરિકા અને ઈરાન 3 મહિનાથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે કરાર પર પહોંચી શકે છે. આ સંઘર્ષે હોર્મુઝ સ્ટ્રેટને બંધ કર્યો છે, જે વિશ્વના લગભગ પાંચમા ભાગના ક્રૂડ ઓઇલના પરિવહન માટેનો માર્ગ છે.

તેમની ચેતવણીએ એવી ચિંતા પણ વધારી છે કે, જો યુદ્ધનો અંત લાવવા માટે કરાર થાય તો પણ તેલના ભાવ મહિનાઓ સુધી ઊંચા રહી શકે છે. કોઈ પણ સંજોગોમાં, આવા કરાર થાય એવું હાલમાં તો નથી દેખાઈ રહ્યું. આ સંઘર્ષને કારણે વૈશ્વિક બજારમાંથી દરરોજ 12 થી 13 મિલિયન બેરલ તેલનું નુકસાન થઈ ચૂક્યું છે.
US બહુરાષ્ટ્રીય તેલ અને ગેસ કંપની Exxonના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ નીલ ચેપમેનએ એવા નિવેદનો આપ્યા છે, જે ડોનાલ્ડ ટ્રમ્પ પણ સાંભળવા માંગશે નહીં.
તેમણે કહ્યું, ‘ક્રૂડ ઓઇલ, પેટ્રોલ, ડીઝલ અને જેટ ઇંધણ સહિત તમામ પેટ્રોલિયમ ઉત્પાદનોના વાણિજ્યિક ભંડારમાં સતત ઘટાડો થઇ રહ્યો છે. મોટાભાગના પશ્ચિમી દેશો દ્વારા અપનાવવામાં આવેલી પ્રથા, સુરક્ષિત રાખેલા ભંડારમાંથી તેલ કાઢીને આ ભંડારો ફરી ભરવામાં આવ્યા હતા. આ જ કારણ છે કે કટોકટીની અસર કંઈક અંશે ઓછી થઈ છે.’
તેમણે વધુમાં કહ્યું, ‘આપણે પહેલા ક્યારેય ન જોયેલા સ્ટોરેજ સ્તરની નજીક પહોંચી રહ્યા છીએ. ભંડાર અત્યંત નીચા સ્તરે આવી ગયા છે. આવી સ્થિતિ બે કે ત્રણ અઠવાડિયામાં આવશે કે કેમ તે ચર્ચા થઇ શકે છે, પરંતુ જ્યારે તે થશે, ત્યારે ભાવમાં તીવ્ર વધારો થશે. અમારું વિશ્લેષણ સૂચવે છે કે, વૈશ્વિક ક્રૂડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ 150 ડૉલરથી 160 ડૉલર સુધી પહોંચી શકે છે. જેવા આ ભંડાર એકદમ નીચા સ્તરે પહોંચશે, ભાવ તે સ્તર સુધી પહોંચી શકે છે.’

તેમણે વધુમાં કહ્યું, ‘આ પછી, માંગમાં ફરજિયાત ઘટાડો કરવાનું શરૂ થશે, જે પહેલા ક્યારેય થયું ન હતું. કિંમતો એટલી બધી વધી જશે કે લોકો તેલ ખરીદી શકશે નહીં. ત્યારે જ બજારમાં સંતુલન પાછું આવશે. અને આપણે હાલમાં તે બિંદુની ખૂબ નજીક છીએ. છેલ્લા 6 અઠવાડિયાથી તેલના ભાવ પ્રતિ બેરલ 90 ડૉલર અને 110 ડૉલરની વચ્ચે રહ્યા છે, પરંતુ એનું કારણ છે સુરક્ષિત રાખેલા ભંડારમાંથી તેનો ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ આવું કાયમ માટે ચાલુ રહી શકે એમ નથી. આગળ શું થશે તે જોવાનું બાકી છે. ચોક્કસ સમયની આગાહી કરવી મુશ્કેલ છે, પરંતુ અમારું આકલન કંઇક આવું જ ચિત્ર બતાવે છે.’
સરળ શબ્દોમાં કહીએ તો, ટ્રમ્પ વહીવટીતંત્ર બજારને શાંત કરવાના પ્રયાસના ભાગ રૂપે, સતત એવા સંદેશાઓ મોકલી રહ્યું છે કે, ટૂંક સમયમાં જ સોદો થઇ જશે, આના કારણે તેલના ભાવ એટલા વધી નથી રહ્યા, અને લોકોને વધુ તેલ ખરીદી રહ્યા છે. પરિણામ એ છે કે, વ્યાપારી અને વ્યૂહાત્મક બંને ભંડાર પહેલાથી પણ વધુ ઝડપથી ઘટી રહ્યા છે.
બીજી બાજુ, પુરવઠો સતત અટકેલો રહ્યો છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા સામાન્ય જહાજોની અવરજવર હજુ પણ અટકાવી રાખવામાં આવી છે.
જ્યાં સુધી ઈરાન યુદ્ધ ખરેખર સમાપ્ત ન થાય અને હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે સામાન્ય ન થાય ત્યાં સુધી, વૈશ્વિક તેલ ભંડાર દરરોજ આશરે 10-14 મિલિયન બેરલના દરે ઘટતો રહેશે.