fbpx

અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ 4 દિવસ બાદ સસ્પેન્ડ

Spread the love

અમદાવાદમાં પ્રજ્ઞાચક્ષુ વેપારીને ઢોર માર મારનાર મહિલા PSI સોનલ રાઠોડ 4 દિવસ બાદ સસ્પેન્ડ

અમદાવાદના ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક પ્રજ્ઞાચક્ષુ (અંધ) વેપારીને નિર્દયતાથી માર મારવાના મામલે ભારે હોબાળો મચ્યા બાદ, આખરે ચાર દિવસ પછી કાયદાનો કોરડો વીંઝાયો છે. ભીનું સંકેલવાના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં, ગ્રામ્ય એસપી  દ્વારા આરોપી મહિલા PSI સોનલ રાઠોડને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે. મીડિયા દ્વારા આ અમાનવીય ઘટનાનો પર્દાફાશ કરવામાં આવ્યા બાદ પોલીસ તંત્રને આ કડક કાર્યવાહી કરવાની ફરજ પડી છે.

શું હતો સમગ્ર વિવાદ? કેવી રીતે શરૂ થઈ ઘટના?

અમદાવાદમાં રહેતા અને પંચવટી વિસ્તારમાં PCO ચલાવતા ગોપાલભાઈ દરજી જોઈ શકતા નથી. તેઓ પોતાની કેબિન પર પેકેટ્સ વેચીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગોપાલભાઈના જણાવ્યા અનુસાર, ગુલબાઈ ટેકરા વિસ્તારના કેટલાક છોકરાઓ અવારનવાર તેમની કેબિન પર આવીને પેકેટો તોડી નાખતા હતા.

04

ગઈ 1 જૂનના રોજ બપોરના સમયે ફરીથી પેકેટ તૂટવાનો અવાજ આવતા, ગોપાલભાઈએ અંદાજ લગાવીને હાથ લાંબો કર્યો હતો. આ દરમિયાન એક સગીર બાળકનો હાથ તેમના પકડમાં આવી ગયો હતો અને ઝપાઝપીમાં બાળકને સામાન્ય ઈજા પહોંચી હતી.

બાળકના પિતાએ પોલીસ બોલાવી

આ ઘટનાની જાણ સગીરે તેના પિતાને કરતાં, તેઓ તુરંત કેબિન પર ધસી આવ્યા હતા અને પ્રજ્ઞાચક્ષુ વેપારીને ગાળો ભાંડવા લાગ્યા હતા. ત્યારબાદ બાળકના પિતાએ પોતાની પત્નીને તેમજ પોલીસ કંટ્રોલ રૂમને ફોન કરીને બોલાવી લીધી હતી. માહિતી મળતા જ ગુજરાત યુનિવર્સિટી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ગોપાલભાઈને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.

પીડિત ગોપાલભાઈ દરજીએ મીડિયા સમક્ષ પોતાની આપવીતી રજૂ કરતા જણાવ્યું હતું કે, મને પોલીસ સ્ટેશન લઈ જઈને બેસાડવામાં આવ્યો હતો. મેં મારી ભૂલ સ્વીકારીને બાળકના પિતા સામે માફી પણ માંગી હતી, છતાં તેઓ મને સતત ગાળો આપતા રહ્યા હતા.

03

તેમણે વધુમાં હચમચાવી દેનારો આક્ષેપ કરતા કહ્યું કે, હું જ્યારે પોલીસ સ્ટેશનમાં બેઠો હતો ત્યારે બહારથી મહિલા PSI સોનલ રાઠોડ આવ્યા હતા. તેમને ત્યાં હાજર કોઈએ રોક્યા નહીં. તેમણે પોલીસ સ્ટેશનમાં આવતાની સાથે જ મને લાફા અને લાતો મારવાનું શરૂ કરી દીધું. મારના કારણે હું નીચે પડી ગયો, તેમ છતાં તેમણે દયા ન ખાધી અને મને લાકડીથી બેરહેમપૂર્વક ફટકાર્યો હતો. મેં હાજર પોલીસકર્મીઓને મારી ફરિયાદ લખવા વિનંતી કરી, પરંતુ કોઈએ મારી ફરિયાદ નોંધી નહોતી.

મામલો દબાવવા PSI ખુદ પીડિતના ઘરે પહોંચ્યા, પણ મીડિયાને જોઈ ભાગ્યા

માનવતા નેવે મૂકીને પ્રજ્ઞાચક્ષુને ઢોર માર માર્યાના બીજા જ દિવસે મહિલા PSI સોનલ રાઠોડને પોતાની ભૂલ સમજાઈ હતી અથવા કાનૂની ગૂંચમાં ફસાવાનો ડર લાગ્યો હતો. આથી તે મામલો થાળે પાડવા અને સમાધાન કરવા માટે સીધા ગોપાલભાઈના ઘરે પહોંચી ગઈ.

PSI સોનલ રાઠોડે પીડિતના પરિવારજનો સામે બચાવ કરતા કહ્યું હતું કે, હું ઘર સુધી આવી છું એનું કારણ એ છે કે હું પોતે ગિલ્ટી (અપરાધભાવ) ફીલ કરું છું. મારો દીકરો પડી ગયો હતો અને મારો કાન સુજી ગયો હતો, હું તો બહારગામ હતી.

જો કે, આ જ સમયે દિવ્ય ભાસ્કરના રિપોર્ટર પણ પીડિત વેપારીના ઘરે પહોંચી જતાં મહિલા PSI ભારે ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ હતી અને કોઈ પણ સવાલનો જવાબ આપ્યા વિના ત્યાંથી તાબડતોબ રવાના થઈ ગઈ હતી.

1 જૂનના રોજ બનેલી આ ઘટના બાદ ગોપાલભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવવા માટે આકાશ-પાતાળ એક કર્યા હતા. ભારે દબાણ બાદ આખરે 3 જૂનના રોજ પોલીસ દ્વારા ગોપાલભાઈનું સત્તાવાર નિવેદન લેવામાં આવ્યું હતું. આજે ફરી એકવાર ગોપાલભાઈ ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન ખાતે આરોપી મહિલા PSI સોનલ રાઠોડ સામે કાયદેસરની ગુનાહિત ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે, જ્યાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

error: Content is protected !!