fbpx

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

Spread the love

એક ખબર આવી અને શેરબજારમાં આજે રોકાણકારો 10 લાખ કરોડ કમાયા

સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે શેરબજારમાં અદભુત તેજી જોવા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતી થઈ હોવાના અહેવાલો વહેતા થતાં જ બજારમાં આ રોકેટ ગતિ જોવા મળી હતી. આ સકારાત્મક સમાચારને પગલે સેન્સેક્સ 1695 પોઇન્ટ અથવા 2.30% ના જોરદાર ઉછાળા સાથે 75,527.95 ના સ્તરે બંધ રહ્યો હતો. આ જ રીતે નિફ્ટી પણ 461.30 પોઇન્ટ અથવા 1.99% વધીને 23,622.90 પર બંધ આવ્યો હતો. બેંક નિફ્ટીમાં આનાથી પણ મોટી રેલી જોવા મળી હતી, જે 1638 પોઇન્ટ અથવા 2.97% ના તોતિંગ વધારા સાથે 56,800 ની સપાટી વટાવીને બંધ રહ્યો હતો. બજારમાં સાર્વત્રિક તેજીને કારણે તમામ ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં રહ્યા હતા અને રોકાણકારોએ મબલક કમાણી કરી હતી. BSE ના ટોચના 30 શેરોની વાત કરીએ તો, પાવરગ્રીડ અને ટેક મહિન્દ્રાને બાદ કરતાં તમામ શેર જોરદાર તેજી સાથે બંધ થયા હતા. સૌથી વધુ 5.62% નો ઉછાળો બજાજ ફાઇનાન્સમાં જોવા મળ્યો હતો. ત્યારબાદ L&T, Indigo, Titan અને એટર્નલ જેવા શેરો પણ 5% સુધી વધ્યા હતા.

આજના ટ્રેડિંગ સેશનમાં મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ તોફાની તેજી જોવા મળી હતી, જેના કારણે નાના છૂટક રોકાણકારોથી લઈને મોટા ગજાના રોકાણકારો સુધી તમામની જોરદાર કમાણી થઈ છે. બજારમાં આવેલા આ ઉછાળાને લીધે BSE નું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન 452.66 લાખ કરોડ રૂપિયાથી આશરે 10 લાખ કરોડ રૂપિયા વધીને 462 લાખ કરોડ રૂપિયાની પાર પહોંચી ગયું છે.

ઈરાનની સરકારી સમાચાર એજન્સી ‘મેહર’ ના અહેવાલ મુજબ, ઈરાન અને અમેરિકા વચ્ચે પ્રસ્તાવિત એમઓયુમાં ઈરાન પરના પ્રતિબંધો હટાવવા, હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી નૌકાદળની નાકાબંધીનો અંત લાવવો અને ઈરાનની આસપાસ તૈનાત અમેરિકી સૈન્ય દળોને પાછા બોલાવવાનો સમાવેશ થાય છે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ જણાવ્યું છે કે ઈરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવાનો કરાર લગભગ પૂર્ણ થઈ ગયો છે અને ચાલુ સપ્તાહમાં જ તેના પર હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પની આ જાહેરાત ઈરાન દ્વારા ઓઈલ ઈન્ડસ્ટ્રી પર નિયંત્રણ મેળવવાની ધમકી આપવાના ગણતરીના કલાકોમાં જ આવી છે. આ સમાચાર આવતાની સાથે જ અમેરિકી શેરબજારોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો હતો અને ત્યાંના બજારો મજબૂતી સાથે બંધ થયા હતા. અમેરિકી બજારની આ સકારાત્મક અસરે ભારતીય બજારને પણ વેગ આપ્યો હતો.

02

બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત 5% ઘટીને બે મહિનાના નીચલા સ્તરે એટલે કે બેરલ દીઠ 86.4 અમેરિકી ડોલર પર આવી ગઈ છે. કાચા તેલના ભાવમાં આ મોટા ઘટાડાને કારણે ક્રૂડ ઓઈલ પર નિર્ભર કંપનીઓના શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી. વૈશ્વિક સ્તરે એશિયાના અન્ય બજારોમાં પણ ભારે રેલી રહી હતી. દક્ષિણ કોરિયાનો ‘કોસ્પી’ ઇન્ડેક્સ 8% થી વધુ અને જાપાનનો ‘નિક્કી 225’ ઇન્ડેક્સ 3% થી વધુ ઉછળ્યો હતો. આ સિવાય ચીનનો ‘શાંઘાઈ SSE કમ્પોઝિટ’ અને હોંગકોંગનો ‘હેંગસેંગ’ ઇન્ડેક્સ પણ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈને બંધ રહ્યા હતા. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 65 પૈસા મજબૂત થઈને 95.20 ના સ્તરે પહોંચી ગયો છે. અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત કરારના સંકેતો મળ્યા બાદ વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમતો તૂટી હતી. ફોરેક્સ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, ડોલર નબળો પડવાને કારણે અને સ્થાનિક શેરબજારના હકારાત્મક વલણને લીધે રૂપિયાને ટેકો મળ્યો હતો અને તેમાં મજબૂતી આવી હતી.

Leave a Reply

error: Content is protected !!