
હરિયાણા કેડરના એક IPS અધિકારી પર 3 કરોડ રૂપિયાની લાંચ માંગવાનો આરોપ છે. આરોપ છે કે, આરોપીઓને CBI તપાસમાં રાહત અપાવવાના નામે કરોડો રૂપિયાની લાંચની ડીલ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં થયેલી એક બેઠક દરમિયાન અધિકારીએ કહ્યું હતું કે, તેમના CBI અધિકારીઓ સાથે સારા સંબંધો છે. તેઓ આ કેસમાં પોતાની ઓળખનો ફાયદો પહોંચાડી છે; તેના બદલામાં, તેણે કરોડોની લાંચ માંગી હતી. આ કેસમાં IPS અધિકારીને 12 જૂને હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
આરોપ છે કે, તેમણે પુડુચેરીમાં 5000 કરોડ રૂપિયાના નકલી દવા કૌભાંડના મુખ્ય આરોપી એન. રાજા પાસેથી 3 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. ધ ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના સંદર્ભે લખ્યું છે કે આરોપી IPS અધિકારી હાલમાં નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA)માં રીજનલ ડિરેક્ટર તરીકે પોસ્ટેડ છે. અધિકારીની ઓળખ કર્યા પછી, CBIએ પૂછપરછ દરમિયાન કોઈ અવરોધ ન આવે તેની ખાતરી કરવા માટે તેમના વિભાગને જાણ કરી હતી.

આ કેસમાં લાંચ સંબંધિત આ પહેલી ધરપકડ નથી. CBIએ અગાઉ આ જ કેસમાં ₹1 કરોડની લાંચ લેવાના આરોપમાં દિલ્હી પોલીસના એક ઇન્સ્પેક્ટર સહિત બે વ્યક્તિઓની ધરપકડ કરી હતી. 8 જૂનના રોજ CBIએ મુખ્ય આરોપી એન. રાજા, દિલ્હી પોલીસના ઇન્સ્પેક્ટર પ્રદીપ કુમાર સિંહ અને રાજકુમાર નામના વ્યક્તિ સામે FIR નોંધી હતી. FIR અનુસાર, દિલ્હી પોલીસ ક્રાઈમ બ્રાન્ચના ઇન્સ્પેક્ટર પ્રદીપ કુમાર સિંહ અને રાજકુમારે કથિત રીતે એન. રાજા પાસેથી ₹3 કરોડની લાંચ માંગી હતી, જેમાં ₹1.5 કરોડ એડવાન્સ તરીકે ચૂકવવાના હતા.
તપાસમાં બહાર આવ્યું છે કે રાજાએ હવાલા દ્વારા ₹1 કરોડ મોકલ્યા હતા અને બાકીની રકમની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું હતું. એવો આરોપ છે કે રાજાને ખાતરી આપવામાં આવી હતી કે CBI અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાના સરકારી અધિકારીઓના પ્રભાવનો ઉપયોગ કરીને રાહત મેળવી શકે છે. CBIના જણાવ્યા અનુસાર, 14 મેના રોજ દિલ્હીમાં યોજાયેલી બેઠક દરમિયાન આ બધુ નક્કી થયું હતું. ધરપકડ કરાયેલા ઇન્સ્પેક્ટરે હવાલા ઓપરેટર દ્વારા ₹1 કરોડ મેળવ્યા હતા અને પછી તે રકમ પ્રભાત નામના વ્યક્તિને આપી હતી. જે આરોપી IPS અધિકારીનો પરિચિત હતો. ઇન્સ્પેક્ટરે બાકીના ₹25 લાખ પોતાના ઘરે રાખ્યા હતા; આ રકમ પછીથી CBI તપાસ દરમિયાન ઇન્સ્પેક્ટર અને રાજકુમાર પાસેથી મળી આવી હતી. CBI હવે આરોપીઓને બચાવવા અને તપાસને પ્રભાવિત કરવાના હેતુથી લાંચ યોજનામાં સામેલ કોણ-કોણ સામેલ હતું તે જાણવાનો પ્રયાસ કરી રહી છે.

પુડુચેરીનો નકલી દવા કૌભાંડ શું છે?
ગયા વર્ષે પોલીસ અને CBI-CID દ્વારા દરોડા પાડવામાં આવ્યા બાદ, પુડુચેરીમાં નકલી અને ભેળસેળયુક્ત દવાઓ બનાવતા રેકેટનો પર્દાફાશ થયો હતો. આ દરમિયાન મોટી માત્રામાં નકલી દવાઓ અને કાચો માલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ દવાઓની અંદાજિત કિંમત લગભગ ₹5,000 કરોડ હતી. ત્યારબાદ મુખ્ય આરોપી એન. રાજાની ધરપકડ કરવામાં આવી હતી. જેમ જેમ તપાસ આગળ વધી તો આ કેસમાં રાજકારણીઓથી લઈને અધિકારીઓ સુધીના વિવિધ વ્યક્તિઓની સંડોવણીના સંકેતો બહાર આવ્યા. ત્યારબાદ આ કેસ વધુ તપાસ માટે CBIને સોંપવામાં આવ્યો. પછી CBIએ માર્ચમાં એન. રાજા સામે નવો કેસ નોંધ્યો. જેમ જેમ તપાસ આગળ વધી રહી છે, લાંચ અંગેની વિગતો સામે આવતી રહી, અને અધિકારીઓની સંડોવણી પણ બહાર આવી રહી છે.