fbpx

વડનગરના હાટકેશ્વર મંદિરમાં એવું શું થયું કે ટ્રસ્ટીઓને અડધી રાત્રે દૂર કરીને વહીવટદાર નિમવા પડ્યા?

Spread the love

વડનગરના હાટકેશ્વર મંદિરમાં એવું શું થયું કે ટ્રસ્ટીઓને અડધી રાત્રે દૂર કરીને વહીવટદાર નિમવા પડ્યા?

મહેસાણા જિલ્લાના વડનગરના પ્રસિદ્ધ હાટકેશ્વર મહાદેવ મંદિરના વહીવટ અને સત્તા મેળવવા અંગે લાંબા સમયથી ચાલી રહેલા વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. મહેસાણા જોઈન્ટ ચેરિટી કમિશનર દ્વારા મંદિરનો વહીવટ ચલાવતા હાલના ટ્રસ્ટીઓને ગેરકાયદેસર ઠેરવી તાત્કાલિક ધોરણે દૂર કરવાનો હુકમ કર્યો છે અને સંસ્થાનો વહીવટ સંભાળવા માટે વહીવટદારની નિમણૂક કરી છે. આ કાયદાકીય આદેશને કારણે ચેરિટી કમિશનરની કચેરીના અધિકારીઓ પોલીસ કાફલા સાથે અડધી રાત્રે 2:00 વાગ્યે મંદિરનો કબજો લેવા પહોંચતા ભારે ગરમાવો આવી ગયો છે. જોકે, હાલના કહેવાતા ટ્રસ્ટીઓ કચેરી તેમજ અન્ય રૂમોને તાળા મારીને જતા રહ્યા હતા. ચેરિટી કમિશનર કચેરીના સ્ટાફ દ્વારા કાયદાકીય રીતે મંદિરના વહીવટનો કબજો લેવામાં આવ્યો હતો.

 દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આ વિવાદને લઇને મંદિરના મુખ્ય પૂજારી અને મૂળ વાંધેદાર જયંતભાઈ કે. પંડ્યાએ જણાવ્યું હતું કે, ‘આ મંદિરમાં વર્ષોથી ગેરબંધારણીય રીતે ટ્રસ્ટીઓ બની બેઠેલા લોકો ગેરવહીવટ ચલાવી રહ્યા હતા. તેની સામે લાંબા સમયથી કાયદાકીય લડત ચાલી રહી હતી. ચેરિટી કમિશનરની કોર્ટમાં આ બાબતે નાગરો પૈકીના સુભાષભાઈ ભટ્ટ, નીલકંઠભાઈ ધોળકિયા, જયેશભાઈ મહેતા અને ચેતનાબેન બુચ દ્વારા પણ વહીવટમાં ગેરરીતિ અંગે અરજી દાખલ કરવામાં આવી હતી. આ અપીલને માન્ય રાખીને જોઈન્ટ ચેરિટી કમિશનરે ગેરકાયદેસર ટ્રસ્ટીઓને નાબૂદ કરવાનો અને વહીવટદાર નીમવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. અદાલતે સ્વીકાર્યું છે કે હાલના ટ્રસ્ટીઓ બંધારણ મુજબ આવ્યા નથી.’

hahtkeshwar mahadev

પાટણના નાયબ ચેરિટી કમિશનર અને મહેસાણાના ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર વી. એન. વસાવાએ આ સમગ્ર મામલે જણાવ્યું કે, આ ટ્રસ્ટમાં વર્ષ 1993 પછીથી સત્તાવાર રેકોર્ડ પર કોઈ કાયદેસરના ટ્રસ્ટી નહોતા અને બંને પક્ષો વચ્ચે ભારે તકરાર ચાલતી હતી. જોઈન્ટ ચેરિટી કમિશનરશ્રી સમક્ષ થયેલી 41-Aની અરજી અન્વયે ગત તારીખ 12 જૂન,2026ના રોજ વહીવટદારની નિમણૂક કરવામાં આવી છે. આ કેસમાં બેંક મેનેજરો સહિત કુલ 30 જેટલા પક્ષકારો સામેલ છે.

તેમણે આગળ જણાવ્યું કે, હુકમ બાદ રાત્રે કહેવાતા ટ્રસ્ટીઓનો ફોનથી સંપર્ક કરવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ કોઈએ ફોન ન ઉપાડ્યો, જેથી રાત્રે જ અધિકારીઓની ટીમે તેમના ઘરે જઈને ઓર્ડરની નકલ ચોંટાડીને બજવણી કરી દીધી છે. હવે આગામી 15 જૂનના રોજ તમામ ટ્રસ્ટીઓને ટ્રસ્ટની ઓફિસે હાજર રહેવા કડક સૂચના આપવામાં આવી છે, જેથી કાયદેસરની આગળની પ્રક્રિયા થઈ શકે. જ્યાં સુધી આગામી 6 મહિનામાં નિયમોનુસાર અને કાયદેસરની ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી નવા ટ્રસ્ટીઓ મંડળની રચના ન થાય, ત્યાં સુધી ઇન્ચાર્જ નાયબ ચેરિટી કમિશનર મહેસાણા, નિરીક્ષક વી. એન. વસાવા તેમજ હાર્દિક બેલીમચ્ચા દ્વારા કડક પોલીસ બંદોબસ્ત સાથે આ વહીવટ સંભાળવામાં આવશે. બીજી તરફ જૂના ટ્રસ્ટીઓ પણ કોર્ટના દ્વાર ખખડાવીને કાયદાકીય લડત આપવાના મૂડમાં હોવાથી આગામી દિવસોમાં આ વિવાદ વધુ વકરે તેવી સંભાવના છે.

BJP Two-Third-Majority

ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ જય પંડ્યાએ આ અંગે કાયદાકીય પક્ષ રાખતા જણાવ્યું હતું કે, હાટકેશ્વર મહાદેવ ટ્રસ્ટ સંસ્થાન (રજીસ્ટર નંબર એ/533-મહેસાણા)માં વર્ષ 1993થી ગેરકાયદેસર વહીવટ ચાલી રહ્યો હતો, જેનો હવે કાયદાકીય રીતે અંત આવ્યો છે. અગાઉના ટ્રસ્ટીઓએ ખોટી રીતે ફેરફાર અરજીઓ મંજૂર કરાવી સત્તા મેળવી લીધી હતી. ચેરિટી કમિશનરે ગત તારીખ 12 જૂન, 2026ના રોજ સાંજે 7:00 વાગ્યાના સુમારે તાત્કાલિક ધોરણે મહેસાણા ચેરિટી કમિશનર કચેરીના નિરીક્ષકને વહીવટદાર તરીકે નીમવાનો આદેશ કર્યો હતો. આ ઓર્ડરની બજવણી કરવા માટે તંત્ર રાત્રે 2:00 વાગ્યે પોલીસ પ્રોટેક્શન સાથે ગયું હતું, પરંતુ બની બેઠેલા ટ્રસ્ટીઓએ તાળા મારીને ચાવીઓ ન આપીને સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરી રહ્યા છે. હાલમાં મંદિરનો વહીવટ મહેસાણા ચેરિટી કમિશનરના નિરીક્ષક સંભાળશે.

ઉલ્લેખનીય છે કે, હાટકેશ્વર મંદિરનો ઈતિહાસ 2000 જૂનો છે. 17મી સદીમાં નાગર બ્રાહ્મણોએ તેનો જીર્ણોદ્ધાર કરાવ્યો. કહેવાય છે કે અહીં કાચબા રૂપે ભગવાન વિષ્ણુ અને નંદી બિરાજમાન છે. સાથે જ મંદિરના સભાગૃહમાં કૃષ્ણ રાસલીલાનું અનોખું દૃશ્ય જોવા મળે છે. દીવાલો પર મહાભારત અને સમુદ્રમંથનનાં શિલ્પો કોતરવામાં આવ્યા છે.

Leave a Reply

error: Content is protected !!