fbpx

નર્મદા જિલ્લામાં ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ ધરણા પર બેસી ગયા, રાજીનામાની પણ ચીમકી આપી

Spread the love

નર્મદા જિલ્લામાં ભાજપના ધારાસભ્ય દર્શના દેશમુખ ધરણા પર બેસી ગયા, રાજીનામાની પણ ચીમકી આપી

નર્મદા જિલ્લાના રાજપીપળામાં વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભાજપના કાર્યક્રમમાં ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખના કથિત અપમાનને લઈને મોટો રાજકીય વિવાદ સર્જાયો છે. કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યના પ્રોટોકોલ પ્રમાણે સ્વાગત કરવામાં આવ્યું ન હોવાનો આક્ષેપ લગાવી ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ ધરણા પર બેસી ગયા હતા અને રાજીનામાની ચીમકી આપી હતી, જ્યારે તેમના સમર્થનમાં ઉતરેલા સાંસદ મનસુખ વસાવાએ આ ઘટનાને સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવી જિલ્લા ભાજપ પ્રમુખ સામે આકરા પ્રહારો કર્યા હતા.

ગુજરાત સમાચારના અહેવાલ મુજબ, નાંદોદ વિધાનસભા બેઠકના ભાજપના જ મહિલા ધારાસભ્ય ડો. દર્શનાબહેન દેશમુખ વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દરમિયાન પોતાનું અપમાન થયું હોવાનો દાવો કરીને કાર્યક્રમ અધવચ્ચે છોડી જતા રહ્યા હતા. પ્રોટોકોલ ન જળવાતા નારાજ થયેલા ધારાસભ્ય ગાંધી ચોક વડિયા ખાતે ધરણા પર બેસી ગયા છે અને સંગઠન સહિત ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

darshana deshmukh

રાજપીપળાના આંબેડકર હોલ ખાતે પ્રબુદ્ધ નાગરિકોના સન્માનનો એક વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ હાઈપ્રોફાઈલ કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને પૂર્વ વનમંત્રી ગણપત વસાવા જેવા પક્ષના વરિષ્ઠ નેતાઓ મંચ પર હાજર રહ્યા હતા. જો કે, આ સરકારી કે પક્ષના કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય હોવા છતા ડૉ. દર્શનાબહેન દેશમુખના પ્રોટોકોલ જાળવવામાં આવ્યો નહોતો અને તેમનું યોગ્ય સ્વાગત પણ કરવામાં ન આવતા વિવાદ સર્જાયો હતો.

ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખ કાર્યક્રમમાંથી બહાર નીકળીને સીધા ધરણા પર બેસી ગયા હતા. તેમણે મીડિયા સમક્ષ જિલ્લા ભાજપ સંગઠન પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ‘છેલ્લા બે વર્ષથી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા ધારાસભ્યનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના એક મોટા મંત્રીનું જિલ્લા ભાજપ પ્રમુખને પીઠબળ છે, જેના કારણે તેઓ આ પ્રકારે મનમાની ચલાવી રહ્યા છે. સંગઠન દ્વારા ચૂંટણીઓમાં મનફાવે તેવા લોકોને ટિકિટો આપી દેવામાં આવી અને આવી મનમાનીના કારણે જ ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે.’

દર્શનાબેન દેશમુખે વધુમાં જણાવ્યું હતું કે જનતાએ તેમને ચૂંટીને વિધાનસભામાં મોકલ્યા છે, છતાં વારંવાર તેમનું અપમાન કરવામાં આવે છે. તેમણે જિલ્લા ભાજપ પ્રમુખ પર સ્વાર્થની રાજનીતિ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો.

darshana deshmukh

અપમાન થયું હોવાનો દાવો કરીને કાર્યક્રમમાંથી ‘વોકઆઉટ’ કરનાર નાંદોદના ભાજપના મહિલા ધારાસભ્ય ડૉ. દર્શનાબહેન દેશમુખના સમર્થનમાં હવે ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવા પણ સમર્થનમાં આવ્યા છે.  તેમણે આ ઘટનાને માત્ર એક ધારાસભ્યનું નહીં, પરંતુ સમગ્ર આદિવાસી સમાજનું અપમાન ગણાવ્યું છે.

સાંસદે આકરા શબ્દોમાં જણાવ્યું હતું કે, જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ દ્વારા છેલ્લા બે વર્ષથી ધારાસભ્યનું સતત અપમાન કરવામાં આવી રહ્યું છે. તેમણે માંગ કરી છે કે આવા પક્ષપાતી વલણ ધરાવતા જિલ્લા પ્રમુખ પાસે તાત્કાલિક રાજીનામું લઈ લેવું જોઈએ. મનસુખ વસાવાના નિવેદન બાદ નર્મદાની ભાજપની આંતરિક જૂથબંધી અને અસંતોષ ફરી એકવાર જાહેર મંચ પર સામે આવ્યો છે. જેના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે.

Leave a Reply

error: Content is protected !!