
હવે ઓલા માટે સમય મુશ્કેલ છે. કંપની EV સ્કૂટરના વેચાણમાં TVS, Bajaj અને Ather કરતા ખૂબ પાછળ જઇ ચૂકી છે. અનેક વચનો છતા તેના સર્વિસ કેન્દ્રો સુરતથી લઈને જમશેદપુર સુધી સ્કૂટરના કબ્રસ્તાન બની ગયા છે. પરંતુ હવે, કંપનીના મૂલ્યાંકનમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે. તેનું બજાર મૂલ્ય 99 ટકા ઘટી ગયું છે. થોડા વર્ષો પહેલા $7.3 બિલિયનના મૂલ્યાંકન સાથે દેશના સૌથી મૂલ્યવાન સ્ટાર્ટઅપ્સમાંથી એક રહેલી કંપનીનું મૂલ્ય હવે $70 મિલિયન પર આવી ગયું છે.
અમેરિકા સ્થિત એસેટ મેનેજમેન્ટ ફર્મ વેનગાર્ડે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)માં દાખલ રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે તેણે રાઇડ-હેઇલિંગ કંપની ઓલા કન્ઝ્યુમરનું મૂલ્યાંકન ઘટાડીને આશરે $70.3 મિલિયન કર્યું છે. આ મૂલ્યાંકન ઓલામાં વેનગાર્ડના આશરે $728,000ના હિસ્સા પર આધારિત છે. વેનગાર્ડે 2015માં કંપનીમાં આશરે $51.7 મિલિયનનું રોકાણ કર્યું હતું, જ્યારે ઓલાનું મૂલ્ય લગભગ $5 બિલિયન હતું. તેના હિસ્સાના નવીનતમ મૂલ્યાંકનના આધારે ઓલાનું મૂલ્ય વેનગાર્ડે શરૂઆતમાં જે સ્તર પર રોકાણ કર્યું હતું તેનાથી લગભગ 99 ટકા ઘટી ગયું છે.

આ પહેલીવાર નથી જ્યારે વેનગાર્ડે એક સમયે ભારતના એલોન મસ્ક ગણાતા ભાવિશ અગ્રવાલની માલિકીની કંપનીનું મૂલ્યાંકન ઘટાડ્યું હોય. એન્ટ્રેકરના અહેવાલ મુજબ, મેનેજમેન્ટ ફર્મે અગાઉ 2024માં મૂલ્યાંકન ઘટાડીને $1.88 બિલિયન અને 2025 માં $1.25 બિલિયન સુધી ઘટાડ્યું હતું. જેમ અમે અગાઉ જણાવ્યું તેમ, 2021 માં, જ્યારે ઓલા બધા પોતાના ટોપ ગિયરમાં હતું, ત્યારે તેનું મૂલ્યાંકન લગભગ $7.3 બિલિયન એટલે કે ₹53,000 કરોડ હતું. આજની તારીખના હિસાબે જોઇએ તે આંકડો ₹670 કરોડ છે.
જોકે, અહીં એક વાત ધ્યાનમાં રાખવી જરૂરૂ છે. મ્યુચ્યુઅલ ફંડ્સ અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ દ્વારા પોતાની ખાનગી સંપત્તિઓને સોંપવામાં આવેલા મૂલ્યાંકન કંપનીના વાસ્તવિક બજાર મૂલ્યને સંપૂર્ણપણે દર્શાવતા નથી. આવા મૂલ્યાંકન આંતરિક પદ્ધતિઓ, લિક્વિડિટી ડિસ્કાઉન્ટ, બજારની સ્થિતિ અને અન્ય ધારણાઓ દ્વારા પ્રભાવિત હોઈ શકે છે. ઓલાએ ઇનટ્રેકર રિપોર્ટ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી.

મૂલ્યાંકનમાં આ ઘટાડો એવા સમયે થયો છે જ્યારે કંપની તેનો IPO લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. 2025 નાણાકીય વર્ષમાં કંપનીની ઓપરેટિંગ આવક 42 ટકા ઘટીને ₹1,171 કરોડ થઈ ગઈ છે, જે પાછલા નાણાકીય વર્ષમાં ₹2,012 કરોડ હતી. તેનું ચોખ્ખું નુકસાન પણ ₹329 કરોડથી વધીને ₹662 કરોડ થઇ ગયું છે. કંપનીને રસ્તા પર ઉબર અને રેપિડો જેવા હરીફો તરફથી કડક સ્પર્ધાનો સામનો કરી રહી છે. વિનફાસ્ટ જેવી ઇલેક્ટ્રિક વાહન કંપનીઓએ પણ ટેક્સી વ્યવસાયમાં પ્રવેશ કર્યો છે. ઓલા માટે આગળનો રસ્તો આછા રેન્જનો છે.