
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા આરોગ્ય સેવાઓ ક્ષેત્રે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં દર્દીને હકીકતમાં કોવિડ-19 ન હોવા છતાં હોસ્પિટલ દ્વારા કોવિડ પેકેજ મુજબ ચાર્જ વસૂલવામાં આવ્યા હોવાનું ઠરી આવતાં હોસ્પિટલને વસૂલ કરેલી વધારાની રકમ વ્યાજ સાથે દર્દીને પરત ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે.
આ કેસમાં ફરિયાદીએ ધ ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિ., હેરિટેજ હેલ્થ TPA તેમજ DWTI-પ્રભુ જનરલ હોસ્પિટલ એન્ડ બેંકર્સ અને તેના સંચાલકો વિરુદ્ધ ગ્રાહક ફરિયાદ દાખલ કરી હતી. ફરિયાદી તરફે એડવોકેટ શ્રેયસ દેસાઈ, એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ તથા એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈ હાજર રહ્યા હતા. તેમણે કમિશન સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી હતી કે દર્દીને કોવિડ ન હોવા છતાં કોવિડ પેકેજ મુજબ બિલ વસૂલવામાં આવ્યું હોવાથી દર્દીને થયેલ નુકસાનની ભરપાઈ થવી જ જોઈએ અને કપાત કરાયેલ ક્લેઇમની રકમ વીમા કંપની પાસેથી અથવા વૈકલ્પિક રીતે ગેરરીતિપૂર્વક રકમ વસૂલનાર હોસ્પિટલ પાસેથી ફરિયાદીને અપાવવાનો હુકમ કરવામાં આવે.
ફરિયાદીની પાસે રૂ. 7 લાખની મેડીક્લેમ પોલિસી અમલમાં હતી. જુલાઈ-2020 દરમિયાન તબિયત બગડતાં તેમને શહેર સુરતમાં ઉમરા વિસ્તારમાં આવેલ DWTI-પ્રભુ જનરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના રેકોર્ડ અને ડિસ્ચાર્જ સમરી મુજબ દર્દીનું નિદાન “Viral Pneumonia Covid-Negative” હોવાનું નોંધાયેલ હતું. સારવારનો કુલ ખર્ચ રૂ. 3,71,321 થયો હતો. ત્યારબાદ ફરિયાદીએ વીમા કંપની સમક્ષ મેડીક્લેઇમનો દાવો રજૂ કર્યો હતો.

કમિશને હોસ્પિટલના બિલ, ડિસ્ચાર્જ સમરી તથા અન્ય મેડિકલ દસ્તાવેજોનું વિશ્લેષણ કરતાં નોંધ્યું કે દર્દી “Covid-Negative” હતો. તેમ છતાં હોસ્પિટલ દ્વારા કોવિડ-19 ની સારવાર માટે ફરિયાદી પાસે ₹3.71 લાખ ચાર્જ વસૂલવામાં આવ્યા હતા. હોસ્પિટલ તરફથી એ બાબતે કોઈ સંતોષકારક સ્પષ્ટતા આપવામાં આવી નહોતી કે જ્યારે દર્દીને કોવિડ ન હતો ત્યારે કોવિડ મુજબ બિલ કેમ બનાવવામાં આવ્યું.
કમિશને વધુમાં ઠરાવ્યું કે વીમા કંપનીની કોઈ સેવા ખામી જણાતી નથી . પરિણામે વીમા કંપની તથા TPA વિરુદ્ધની ફરિયાદ રદ કરવામાં આવી. બીજી તરફ હોસ્પિટલ અને તેના જવાબદાર વ્યક્તિઓ દ્વારા દર્દી પાસેથી ખોટી રીતે વસૂલ કરાયેલ રૂ. 1,64,276 પરત ચૂકવવાની જવાબદારી નિર્ધારિત કરવામાં આવી.
આથી સુરત જિલ્લા ગ્રાહક કમિશને હોસ્પિટલ તથા તેના જવાબદાર સંચાલકોને સંયુક્ત અને વિભક્ત રીતે ફરિયાદીને રૂ. 1,64,276 અરજીની તારીખ 31-07-2021થી 8 ટકા વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ કર્યો છે. ઉપરાંત માનસિક ત્રાસ, હેરાનગતિ અને અગવડ બદલ રૂ. 6,000 તથા ફરિયાદ ખર્ચ પેટે રૂ. 4,000 ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.
Geographic Reference
જિલ્લા ગ્રાહક કમિશનના પ્રમુખ પી.પી. મેખીયા અને સભ્ય ડો. તીર્થેશ મહેતાએ આપેલા આ ચુકાદાથી સ્પષ્ટ થાય છે કે આરોગ્ય સેવા પ્રદાતાઓ દર્દીને વાસ્તવિક સારવાર અને નિદાનને અનુરૂપ જ ચાર્જ વસૂલવા બંધાયેલા છે. દર્દીને જે રોગ ન હોય તે રોગના નામે પેકેજ ચાર્જ વસૂલવામાં આવે તો તે ગ્રાહક કાયદા હેઠળ સેવા ખામી અને અયોગ્ય વ્યવહાર ગણાઈ શકે છે તથા હોસ્પિટલને વસૂલ કરેલી રકમ પરત કરવાની ફરજ પડી શકે છે.