
ટેકનોલોજી ક્ષેત્રની દિગ્ગજ કંપની Apple આગામી સમયમાં તેના પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના અચાનક આવેલા ઘોડાપૂરને કારણે ડિવાઇસીસમાં વપરાતી મેમરી ચિપ્સના ભાવ આસમાને પહોંચ્યા છે, જેના લીધે કંપની માટે આ નિર્ણય લેવો અનિવાર્ય બન્યો છે.
એપલના આઉટગોઇંગ ચીફ એક્ઝિક્યુટિવ (CEO) ટિમ કૂકે ‘વોલ સ્ટ્રીટ જર્નલ’ (WSJ) ને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, મેમરી ચિપ્સની વર્તમાન પરિસ્થિતિ હવે ‘અસહ્ય’ બની ગઈ છે અને ભાવ વધારો હવે ‘અનિવાર્ય’ છે. જોકે, તેમણે આ ભાવ વધારો ક્યારથી લાગુ થશે અથવા કઈ પ્રોડક્ટ્સને સૌથી વધુ અસર કરશે તેની સ્પષ્ટતા કરી નથી. સપ્ટેમ્બરમાં લોન્ચ થનારા સંભવિત iPhone 18 પર આની શું અસર થશે તે પણ હજુ સ્પષ્ટ નથી.

કૂકે વધુમાં ઉમેર્યું, અમારી પર આવી રહેલા આ જંગી ખર્ચના બોજને ઓછો કરવા અને ગ્રાહકોને તેનાથી બચાવવા અમે પૂરતા પ્રયાસો કર્યા, પરંતુ હવે સ્થિતિ નિયંત્રણ બહાર છે. એક તરફ ગ્રાહકોને વધુ ડિવાઇસ જોઈએ છે અને બીજી તરફ સપ્લાય ઓછો છે, જેના લીધે મેમરી બનાવતી કંપનીઓ ભારે ભાવ વધારો ઝીંકી રહી છે. ગ્રાહક ઉત્પાદનો માટે મેમરીના ભાવ અને સપ્લાય ફરી સામાન્ય સ્તરે આવે તે અત્યંત જરૂરી છે.
નોંધનીય છે કે, એપલમાં 15 વર્ષ સુધી સીઇઓ પદ સંભાળ્યા બાદ ટિમ કૂક આગામી સપ્ટેમ્બરમાં નિવૃત્ત થઈ રહ્યા છે અને તેમની જગ્યા જોન ટર્નસ લેશે.
AI ની વધતી માંગ: સ્માર્ટફોન અને અન્ય ડિવાઇસ માટે મેમરી ચિપ્સ મુખ્ય ઘટક છે. AI ફીચર્સને સપોર્ટ કરવા માટે વધુ પાવરફુલ ચિપ્સની જરૂર પડે છે, જેથી તેની માંગ અને ભાવ બંને વધ્યા છે. ઓક્ટોબર 2025 થી અત્યાર સુધીમાં RAM ના ભાવ બમણાથી પણ વધુ થઈ ગયા છે.
ઈરાન યુદ્ધની અસર: ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે સેમિકન્ડક્ટર ચિપ્સ બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ એવા હીલિયમ ગેસના વૈશ્વિક સપ્લાયને મોટો ફટકો પડ્યો છે, જેને કારણે પણ ઉત્પાદન ખર્ચ વધ્યો છે.
રિસર્ચ ફર્મ ‘Omdia’ ના સ્માર્ટફોન માર્કેટ વિશ્લેષક ચ્યુ લે ઝુઆને જણાવ્યું કે, એપલના નવા ફોન (iPhone 18) ની કિંમત iPhone 17 કરતા $150 (આશરે રૂ. 12,500 થી 13,000) વધુ હોઈ શકે છે, કારણ કે કંપની તેમાં નવા AI ફીચર્સ આપવા માટે સ્પેસિફિકેશન્સ અપગ્રેડ કરશે.
ઓમડિયાના રિપોર્ટ અનુસાર, વર્ષ 2026માં વૈશ્વિક સ્તરે સ્માર્ટફોનની સરેરાશ વેચાણ કિંમતમાં 20% સુધીનો વધારો થઈ શકે છે, જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંકડો હશે, પ્રોફિટ માર્જિનને બચાવવા માટે મોટાભાગની બ્રાન્ડ્સે અત્યારથી જ ભાવ વધારી દીધા છે અથવા ઓફરો અને ડિસ્કાઉન્ટ ઘટાડી દીધા છે.
ચિપમેકિંગ ઉદ્યોગમાં ચાલી રહેલી આ કટોકટીની અસર અન્ય દિગ્ગજો પર પણ પડી રહી છે:
TSMC: એપલ, Nvidia અને AMD જેવી કંપનીઓ માટે સૌથી એડવાન્સ્ડ ચિપ્સ બનાવતી તાઈવાનની કંપની TSMC એ પણ વધતી મોંઘવારીને કારણે ભાવ વધારાના સંકેત આપ્યા છે.
સેમસંગે પણ વર્ષની શરૂઆતમાં ચેતવણી આપી હતી કે મેમરી ચિપ્સની અછતને કારણે ઇલેક્ટ્રોનિક ઉપકરણો મોંઘા થશે.

સોનીએ વૈશ્વિક આર્થિક દબાણને કારણે યુકે અને યુએસમાં તેના PlayStation 5 કન્સોલના ભાવમાં મોટો વધારો કર્યો છે. જ્યારે નિન્ટેન્ડોએ પણ બજારની સ્થિતિને ટાંકીને સપ્ટેમ્બરથી તેના Switch 2 ના ભાવ વધારવાની જાહેરાત કરી છે.
ગયા સપ્ટેમ્બરમાં લોન્ચ થયેલી iPhone 17 સિરીઝ ગ્રાહકોમાં ખૂબ લોકપ્રિય રહી છે. ચીનમાં મજબૂત માંગને કારણે 2026 ના પ્રથમ ત્રણ મહિનામાં એપલના ડિવાઇસના વેચાણમાં વાર્ષિક ધોરણે 17% નો વધારો નોંધાયો છે. જોકે, ખર્ચને સંતુલિત કરવા માટે કંપનીએ આ વર્ષની શરૂઆતમાં તેના મેક મિની કોમ્પ્યુટરનું એન્ટ્રી-લેવલ વેરિઅન્ટ બંધ કરીને તેની શરૂઆતની કિંમતમાં આશરે $200 નો વધારો કરી દીધો હતો.