પ્રાંતિજ બસ ડેપોમાં સીસીટીવી કેમેરા લગાવવા નગરજનોની માંગ
– મુસાફરોની સુરક્ષા માટે તાત્કાલિક વ્યવસ્થા કરવાની અપીલ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા અત્યાધુનિક એસટી બસ ડેપોમાં તમામ આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ હોવા છતાં આજે પણ સીસીટીવી કેમેરાની સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેના કારણે નગરજનો અને મુસાફરોમાં સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે અને સમગ્ર બસ ડેપો, ડેપો સંકુલ તેમજ આસપાસના મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા લગાવવાની લોકમાગ ઉઠી છે
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બસ ડેપો વિસ્તારમાં અગાઉ બે જેટલી બાઈક ચોરીની ઘટનાઓ બની ચૂકી છે. જો ડેપોમાં ‘ત્રીજી આંખ’ સમાન સીસીટીવી કેમેરા કાર્યરત હોય તો ચોરી જેવી ઘટનાઓ પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેમજ કોઈપણ ગુનાખોરીની ઘટનામાં તપાસ સરળ બનશે પ્રાંતિજ બસ ડેપો પરથી દરરોજ અંદાજે 1,033થી વધુ બસોની અવરજવર થાય છે મોટી સંખ્યામાં મુસાફરો, ખાનગી વાહનો અને લોકોની સતત અવરજવર રહેતી હોવાથી સુરક્ષાના હેતુસર સીસીટીવી કેમેરા અનિવાર્ય બની ગયા છે કેમેરા લગાવવામાં આવે તો મુસાફરોની સુરક્ષા વધુ મજબૂત બનશે, ચોરી સહિતની અસામાજિક પ્રવૃત્તિઓ પર અસરકારક નજર રાખી શકાશે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના બને તો તપાસમાં પણ મહત્વપૂર્ણ પુરાવા મળી શકશેઉલ્લેખનીય છે કે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસટી દ્વારા પણ પ્રાંતિજ ડેપોને પૂરતું મહત્વ આપવામાં આવી રહ્યું છે વોલ્વો, લક્ઝરી સહિતની અનેક બસોનું નિયમિત સંચાલન પ્રાંતિજ ડેપો પરથી થઈ રહ્યું છે, જેના કારણે મુસાફરોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે નગરજનોનું કહેવું છે કે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા આ આધુનિક બસ ડેપોએ પ્રાંતિજ શહેરને મહત્વપૂર્ણ સુવિધા આપી છે સાથે જ પ્રાંતિજ ડેપોના મેનેજર એ. કે. પરમાર દ્વારા ડેપોમાં સારું વહીવટ અને સુવ્યવસ્થિત મેનેજમેન્ટ કરવામાં આવી રહ્યું છે જોકે, માત્ર સીસીટીવી કેમેરાની સુવિધાનો અભાવ સુરક્ષાની દૃષ્ટિએ એક મહત્વની કચાશ બની રહ્યો છે નગરજનો અને મુસાફરોની માંગ છે કે સંબંધિત તંત્ર દ્વારા વહેલી તકે સમગ્ર બસ ડેપો, ડેપો સંકુલ, પાર્કિંગ વિસ્તાર તેમજ મુખ્ય માર્ગો પર સીસીટીવી કેમેરા સ્થાપિત કરી સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં આવે, જેથી મુસાફરો નિર્ભયતાથી મુસાફરી કરી શકે અને ગુનાખોરી પર અસરકારક નિયંત્રણ લાવી શકાય








