fbpx

રામ મંદિર દાન ચોરીના આરોપી લવકુશે 12 હજારના પગારમાં અયોધ્યાના પોશ વિસ્તારમાં ભવ્ય ઘર બનાવ્યું

Spread the love

રામ મંદિર દાન ચોરીના આરોપી લવકુશે 12 હજારના પગારમાં અયોધ્યાના પોશ વિસ્તારમાં ભવ્ય ઘર બનાવ્યું

રામ મંદિરના ચડાવા ચોરી કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓની મિલકતો અંગે હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. મીડિયા સૂત્રોએ કેસના આરોપી લવકુશ મિશ્રા દ્વારા ખરીદેલી આવી જ એક મિલકત શોધી કાઢી છે. આ ઘર અયોધ્યા-લખનૌ હાઇવે પર સ્થિત બનબીરપુર ગામમાં બનાવવામાં આવી રહ્યું છે, અને સ્થાનિક લોકોનો દાવો છે કે આ ઘર લવકુશ મિશ્રાનું જ છે.

મીડિયા સૂત્રોને મળેલી માહિતી અનુસાર, લવકુશ મિશ્રાએ રામ મંદિરમાં કામ કરતી વખતે તેની પત્ની સુપ્રિયા મિશ્રાના નામે આ જમીન ખરીદી હતી. દસ્તાવેજો અનુસાર, આ જમીન 16 ઓક્ટોબર, 2025ના રોજ સોહાવલ તાલુકાના મંગસી પરગણા વિસ્તારમાં કમલ સ્વરૂપ સિંહ પાસેથી રૂ 8 લાખ 80 હજારમાં ખરીદવામાં આવી હતી. આ મિલકતની વર્તમાન કિંમત આશરે રૂ. 25 લાખ હોવાનો અંદાજ છે. મીડિયા સૂત્ર પાસે આ જમીન સંબંધિત દસ્તાવેજો પણ છે.

Lavkush Mishra-House

દસ્તાવેજો અનુસાર, જમીન 6 માર્ચ, 2026ના રોજ અયોધ્યા જિલ્લાના રુદૌલી તાલુકાના મીનાપુર ભગોલીના રહેવાસી સુપ્રિયા મિશ્રાના નામે નોંધાયેલી હતી. પાડોશી રાજકુમાર પાંડેએ ફોટોગ્રાફ પરથી લવકુશ મિશ્રાને ઓળખી કાઢ્યો હતો અને જણાવ્યું હતું કે તે નિર્માણાધીન ઘરનો માલિક છે. તેણે જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીથી મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું, અને બે દિવસ પહેલા સુધી મજૂરો કામ કરી રહ્યા હતા. જોકે, રામ મંદિરના ચડાવા ચોરીનો કેસ સામે આવ્યા પછીથી પરિવાર જોવા મળ્યો નથી અને રવિવારથી અહીં કામ પણ બંધ થઈ ગયું છે.

આ દરમિયાન, ફૈઝાબાદ બાર એસોસિએશને અયોધ્યા રામ મંદિરના ચડાવા ચોરી કેસમાં એક મોટો નિર્ણય લીધો છે, જેમાં જાહેરાત કરવામાં આવી છે કે તેઓ આરોપીઓનો કેસ લડશે નહીં. સોમવારે બાર એસોસિએશનની જનરલ બોડી મીટિંગ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બાર એસોસિએશને ચેતવણી આપી હતી કે, આરોપીઓનો કેસ લડનારા કોઈપણ વકીલને રૂ. 5 લાખનો દંડ કરવામાં આવશે.

બેઠક દરમિયાન, વકીલોએ એવી પણ માંગ કરી હતી કે, કેસમાં સામેલ ચંપત રાય, અનિલ મિશ્રા અને ગોપાલ રાવ 3 દિવસમાં અયોધ્યા છોડી દે. વકીલોએ ચેતવણી આપી હતી કે, જો આવું નહીં થાય તો શહેરની નાકાબંદી કરી લેવામાં આવશે. ચંપત રાય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ હતા, અને અનિલ મિશ્રા ટ્રસ્ટના સભ્ય હતા. બંનેએ તાજેતરમાં જ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

Lavkush Mishra-House

ફૈઝાબાદ બાર એસોસિએશનના સેક્રેટરી શૈલેન્દ્ર જયસ્વાલે કહ્યું, ‘મંદિરના ચડાવાની ચોરીથી અમારી ભાવનાઓને ઠેસ પહોંચી છે. ફૈઝાબાદના તમામ વકીલો ધરપકડ કરાયેલા આરોપીઓનો બચાવ ન કરવા સંમત થયા છે.’ આ નિર્ણય પછી, ફૈઝાબાદ બાર એસોસિએશનના પ્રમુખ કાલિકા પ્રસાદ મિશ્રાનો એક વીડિયો પણ વાયરલ થયો. વીડિયોમાં, તેઓ કહેતા સાંભળવામાં આવે છે કે, ‘આ કેસમાં કોઈ વકીલ આરોપીનું પ્રતિનિધિત્વ કરશે નહીં. જો કોઈ આવું કરશે તો તેને 5 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે. અમે આ મામલામાં CBI તપાસની પણ માંગ કરીએ છીએ.’

આ ઘટનાક્રમ અયોધ્યા રામ મંદિર ચડાવા ચોરી કેસમાં વિશેષ તપાસ ટીમ દ્વારા ચાલી રહેલી તપાસ વચ્ચે આવ્યો છે. આ કેસમાં અત્યાર સુધીમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, અને સોમવારે કોર્ટે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. ચંપત રાયનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે. આ કેસમાં ધરપકડ કરાયેલા 8 આરોપીઓમાં રામાશંકર યાદવ ઉર્ફે તિનુ, અવિનાશ શુક્લા, અનુકલ્પ મિશ્રા, મનીષ કુમાર યાદવ, લવકુશ મિશ્રા, કરુણેશ પાંડે, રામા શંકર મિશ્રા અને સુભાષ ચંદ્ર શ્રીવાસ્તવનો સમાવેશ થાય છે.

Lavkush Mishra-House

આ મહિને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે રૂ. 7 થી રૂ. 7.5 કરોડની ચડાવાની રકમમાં ઉચાપત કરવામાં આવી છે ત્યારે રામ મંદિર માટે ચઢાવવામાં આવેલા ચડાવાની ગડબડીના આરોપો સામે આવ્યા હતા. ત્યારપછી ઘણા વિપક્ષી નેતાઓએ એનાથી પણ વધુ ગંભીર દાવા કર્યા હતા. અયોધ્યાની તેમની મુલાકાત દરમિયાન, દિલ્હીના ભૂતપૂર્વ CM અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે, ભગવાન રામને ચઢાવવામાં આવેલા હીરા અને ઝવેરાત પણ ચોરાઈ ગયા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે, ‘ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલા હીરા અને કિંમતી ઘરેણાઓ પણ ચોરાઈ ગયા હતા, રૂ. 200 કરોડની રોકડ ચોરી થઈ હતી અને 200 કિલો ચાંદી પણ ગુમ થઈ ગઈ હતી.’ આ જ રીતે અન્ય વિપક્ષી નેતાઓએ પણ 70 કિલો ચાંદી, 1,250 કિલો સોનું અને રૂ. 200 કરોડ રોકડની ચોરીનો આરોપ લગાવ્યો હતો અને સરકાર પાસેથી તેનો જવાબ માંગ્યો હતો.

જોકે, રામ મંદિર ટ્રસ્ટે એક પ્રેસ રિલીઝ બહાર પાડીને આ આરોપોને રદિયો આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભક્તો દ્વારા ચઢાવવામાં આવેલ સોનું, ચાંદી અને અન્ય દાગીના સંપૂર્ણપણે સલામત છે અને તેનો સંપૂર્ણ હિસાબ પણ છે. ટ્રસ્ટે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી ઘટનાઓથી તે ‘સ્તબ્ધ છે, આઘાત લાગ્યો છે અને ખૂબ જ દુઃખી’ છે. જ્યારે, સુપ્રીમ કોર્ટે સોમવારે આ આરોપોની તપાસની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો, અને કહ્યું હતું કે આ મામલાની સુનાવણી ઉનાળાના વેકેશન પછી કરવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!