fbpx

દોઢ વર્ષના બાળકને શરદી થઈ, સરકારી ડોક્ટરે એવી દવા લખી આપી જેનાથી આંખોની રોશની ગુમાવી દીધી

Spread the love

દોઢ વર્ષના બાળકને શરદી થઈ, સરકારી ડોક્ટરે એવી દવા લખી આપી જેનાથી આંખોની રોશની ગુમાવી દીધી

મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં દોઢ વર્ષના એક છોકરાએ પોતાની આંખોની રોશની ગુમાવી દીધી. પિતાએ કહ્યું કે તે પોતાના નાના દીકરાને શરદી અને આંખોમાં લાલાશ થઇ જવાને કારણે તેની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. એવો આરોપ છે કે ડોક્ટરે એવી દવા લખી આપી જેનાથી તેની હાલત સુધરવાને બદલે વધુ ખરાબ થઈ ગઈ. બાળકે પોતાની આંખની રોશની પણ ગુમાવી દીધી.

મીડિયા સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, 1 વર્ષ અને 7 મહિનાનું બાળક વિનય વિશ્વકર્માને શરદી થઇ હતી અને આંખોમાં લાલાશ આવી ગઈ હતી. તેથી, તેના પિતા, ઇન્દ્રરાજ વિશ્વકર્મા, તેને 29 મેના રોજ બંડા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. અહેવાલ મુજબ, તેની તપાસ કર્યા પછી, બાળરોગ ચિકિત્સક ડૉ. હિમાંશુ વર્માએ આંખના ટીપાં, પેરાસિટામોલ સીરપ, એક ઇન્જેક્શન અને બીજી કેટલીક દવાઓ આપી.

Child Lost-Eyesight

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, ઇન્દ્રરાજનો આરોપ છે કે ફરજ પરના સ્ટાફે તેમના પુત્રની આંખોમાં નોઝલ ડ્રોપ (ખાંસી દૂર કરવાની દવા) ના કેટલાક ટીપા નાખ્યા. બાળક તેના પરિવાર સાથે 3-4 કલાક સુધી હોસ્પિટલમાં રહ્યો. પછી તેની હાલત બગડવા લાગી.

ત્યારપછી બાળકને સાગર જિલ્લા હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો. ત્યાં પણ કોઈ રાહત મળી નહીં. ત્યારપછી બાળકને ભોપાલ એઈમ્સમાં રિફર કરવામાં આવ્યું. એઈમ્સના ડોક્ટરોએ કહ્યું કે, ચેપ ફેલાઈ ચુક્યો છે અને બાળકની દૃષ્ટિ સંપૂર્ણપણે જતી રહી છે. દોઢ વર્ષનો બાળક હવે પુરી રીતે આંધળો થઇ ગયો છે.

Child Lost-Eyesight

બાળકના પિતા કહે છે કે તેને દવા લખનાર ડૉક્ટરનું નામ યાદ નથી, પરંતુ તે તેને તેના ચહેરા પરથી ઓળખી લેશે. પીડિતના પિતાએ સમગ્ર મામલા અંગે ફરિયાદ નોંધાવી છે અને આરોપી ડૉક્ટર અને જવાબદાર સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમનો આરોપ છે કે, FIR નોંધાવ્યા પછી પણ કોઈ તેની વાત સાંભળવા તૈયાર નથી. એક નાના બાળકે તેની આંખ ગુમાવી દીધી, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.

Child Lost-Eyesight

ડૉ. હિમાંશુ વર્મા કહે છે કે, કેમિસ્ટે બાળકને જે દવા લખી આપી હતી તે આપી ન હતી. તેમણે કહ્યું, ‘જો બાળકના પિતા દવા ખરીદ્યા પછી મારી પાસે આવ્યા હોત, તો મેં તેમને કહ્યું હોત કે તે ખોટી દવા છે, પરંતુ બાળકના પિતા મારી પાસે આવ્યા જ ન હતા.’

બ્લોક મેડિકલ ઓફિસર (BMO) યોગેન્દ્ર ખટીકે જણાવ્યું હતું કે, આ મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. તપાસમાંથી જે પણ તારણો બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

error: Content is protected !!