fbpx

‘સરકારને મળવા જવાના એડવાન્સ 2 કરોડ માંગવાના છે, આમાંથી 1 કરોડ તમારા…’, હકાભા ગઢવીનો ખેડૂત નેતા નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ

Spread the love

‘સરકારને મળવા જવાના એડવાન્સ 2 કરોડ માંગવાના છે, આમાંથી 1 કરોડ તમારા...’, હકાભા ગઢવીનો ખેડૂત નેતા નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ

મોરબીના જેતપરમાં ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતના જાણીતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી ખેડૂત નેતા નિલેશ એરવાડિયા પર ગંભીર આરોપ લગાવ્યો છે. ત્યારબાદ  રાજ્યભરમાં ખળભળાટ મચી ગયો છે. તેમણે આજે પ્રેસ કોન્ફરન્સ કરીને જેતપરના ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા અને જેતપુર ખેડૂત આંદોલનને લઈને મોટો ખુલાસો કર્યો છે. 

ગુજરાત રાજકારણ

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, ‘હું સત્યની લડાઈ માટે નીકળ્યો હતો અને હજુ પણ સત્યની લડાઈ જ લડી રહ્યો છું, હું માત્રને માત્ર ખેડૂતો માટે આવ્યો હતો, મારો કોઈ આમાં સ્વાર્થ ન હતો. મેં મારી જે હકીકત હતી, તે પત્રકારોને જણાવી દીધી હતી. જેતપરમાં આંદોલન ચાલી રહ્યું છે, જેનો આજે 17 કે 18મો દિવસ છે. મારો પહેલો પ્રોગ્રામ 21 જૂને જેતપુરમાં યોજાયો હતો. મને નિલેશભાઈ એરવાડિયાએ બોલાવ્યો, મને કે હકાભા આપણે ડાયરો કરવાનો છે, કેટલા રૂપિયા લેશો. તો મેં કીધું મારે કંઈ લેવાનું થતું નથી અને મેં કંઈ લીધું પણ નથી. હું 21 જૂને ડાયરામાં ગયો. ડાયરામાં મને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. જેતપુરના લોકોએ, જેતપુરના ખેડૂતોએ, આંદોલન સમિતિએ, ઉપવાસમાં બેઠેલા યુવાનોએ મને પ્રોત્સાહન આપ્યું, મને આનંદ આવ્યો.’

હકાભા ગઢવીએ જણાવ્યું કે, ‘ડાયરો કર્યા બાદ મને લાગ્યું કે મારે હવે ખેડૂતોની લડાઈમાં સમર્થન આપવું જોઈએ. હું બીજા દિવસે પણ સમર્થન આપવા માટે ગયો. મારો આમાં કોઈ સ્વાર્થ નહોતો. પરંતુ હવે કેટલાક લોકોનું એવું કહેવું છે કે જેતપરમાં જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે, તેમાંથી હકાભા ખસી ગયા છે. આંદોલન વિખવાની વાતો કરે છે. એવું કંઈ છે નહીં. આ આંદોલન ન વિખાય એટલા માટે હું ખસી ગયો છું.’

હકાભા ગઢવીએ ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે, ‘નિલેશ એરવાડિયાએ આંદોલન કરતા ખેડૂતો સાથે વિશ્વાસઘાત કર્યો છે, હવે મારે બોલવું જ પડશે. પહેલા મને હતું કે હું બોલીશ તો આંદોલન તૂટી જશે, નિલેશભાઈને મેં કહ્યું સરકાર બોલાવે છે, તો આપણે મળવા જવું જોઈએ. જો આપણને ન્યાય ન મળે તો આપણે પાછા આંદોલન પર બેસી જઈશું. તો નિલેશભાઈએ મને કહ્યું કે, આમાં આપણને શું મળે? મારે 25 કરોડ રૂપિયા લેવાના છે, સરકારને મળવા જવાના એડવાન્સ 2 કરોડ માંગવાના છે. આમાંથી 1 કરોડ રૂપિયા તમારા.’

hakabha gadhavi

હકાભાએ કહ્યું કે, ‘આટલું સાંભળીને મારા પગ ધ્રુજી ગયા. મને તો થયું કે આ માણસ આવું કેમ બોલે છે, આ માણસ તો સારો છે, ખેડૂતો માટે લડે છે. પછી મને થયું કે આટલા બધા ખેડૂતો સાથે જે માણસ ગદ્દારી કરે છે, તેનાથી દૂર જ જતું રહેવાય. આજે હું ખેડૂતો માટે સત્ય બોલ્યો, તેનો મને આનંદ છે. હવે મને સરખી ઊંઘ આવશે.’

હકાભા ગઢવીના આક્ષેપ પર નિલેશ અરવાડિયાની પ્રતિક્રિયા આવી છે. તેમણે જણાવ્યું કે, ‘ખેડૂત આંદોલનને તોડવાના છેલ્લા 10 દિવસથી પ્રયાસ થઈ રહ્યા છે. એક-બે કરોડ નહીં, પણ 15-20 કરોડની પણ ઓફરો થાય છે અને મારી નાખવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. એટલે આંદોલનની અંદર આવું બધું ચાલું જ રહે, કારણ કે સરકાર સામે ખેડૂતો પડ્યા છે.’ ‘કેટલા આંદોલન સ્થળે આવીને પહેલા લાલચ આપે છે અને તેમની વાતમાં ન આવી એટલે ધમકી આપે છે. હકાભા ગઢવીના આક્ષેપ સાવ ખોટા છે. આંદોલનને ડેમેજ કરવા આખી ટૂકડી ઉતારવામાં આવી છે.’

આ મામલો કેટલાક લોકો નિલેશ એરવાડિયાના સપોર્ટમાં ઉતરતા જોવા મળી રહ્યા છે. Ér Víjáy ßáldhá નામના ફેસબુક યુઝરે લખ્યું કે, પાટીદાર આંદોલનમાં રાજદ્રોહ સહિતના કેશ હતા તો પણ ઝૂક્યા નહોતો અમારો સાવજ Nilesh Arvadiya ખેડૂતો સાથે વિશ્વાસઘાત નો કરે. અને જો કહ્યું હોય તો પુરવા આપવા જેમ કોલ રેકોર્ડિંગ અગાવ વાયરલ થયું હતું તેમ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કરનાર લોકગાયક હકાભા ગઢવી અને ખેડૂત આગેવાન નિલેશ એરવાડિયા વચ્ચે થયેલી એક કથિત ફોન વાતચીતની ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આ ઓડિયો ક્લિપની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી, જોકે તેમાં ખેડૂત આંદોલન, સરકાર સાથેની સંભવિત મંત્રણા અને હકાભા ગઢવીને આંદોલન છાવણીમાં આવવા અંગે થયેલી ચર્ચા સાંભળવા મળે છે.

nilesh

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, વાયરલ ઓડિયોમાં નિલેશ એરવાડિયા દાવો કરે છે કે ખેડૂત સમિતિની બેઠકમાં સરકાર સાથે ચર્ચા માટે ત્રણ શરતો નક્કી કરવામાં આવી હતી. પ્રથમ, મુખ્યમંત્રી તરફથી લેખિત આમંત્રણ આપવામાં આવે. બીજી, રાજ્યભરમાં ચાલી રહેલા વીજ લાઇનના કામને સરકાર લેખિત પરિપત્ર જાહેર કરીને અટકાવે. જ્યારે ત્રીજી શરત મુજબ સરકાર જે પ્રસ્તાવ આપવા માંગે છે તેનો કાચો ડ્રાફ્ટ લેખિતમાં આપવામાં આવે, જેથી કાનૂની નિષ્ણાતોની સલાહ લઈને તેના પર વિચારણા કરી શકાય.

ઓડિયો અનુસાર, નિલેશ એરવાડિયા હકાભા ગઢવીને જણાવે છે કે આ ત્રણેય મુદ્દાઓ સરકાર તરફથી લેખિતમાં મળે ત્યારબાદ જ સમિતિ સરકાર સાથે મંત્રણા કરવા તૈયાર થશે અને કોઈપણ વ્યક્તિ સરકાર પાસેથી આ લેખિત ખાતરી લઈને આવે તો તેને આગેવાની આપવાનો પણ વાંધો નહીં હોય.

જવાબમાં હકાભા ગઢવી સ્પષ્ટ કહેતા સંભળાય છે કે તેમને આગેવાન બનવાની કોઈ ઈચ્છા નથી, પરંતુ તેઓ માત્ર ખેડૂત આંદોલનમાં હાજરી આપી ખેડૂતોની સાથે ઊભા રહેવા માંગતા હતા. હકાભા પ્રશ્ન કરે છે કે મને અગાઉના દિવસે છાવણીમાં આવવાની ના કેમ પાડવામાં આવી.

તેના જવાબમાં નિલેશ એરવાડિયા સમજાવે છે કે સમિતિના નિર્ણયને કારણે તે સમયે તેમને આવવાની ના કહેવામાં આવી હતી અને આ નિર્ણય કોઈ વ્યક્તિગત કારણસર નહોતો. તેઓ કહે છે કે સમિતિએ નક્કી કર્યું હતું કે સરકાર તરફથી ત્રણેય મુદ્દાઓ પર લેખિત ખાતરી મળ્યા વગર કોઈપણ પ્રકારની ચર્ચા કે મધ્યસ્થી કરવામાં નહીં આવે.

વાતચીત દરમિયાન હકાભા ગઢવી પોતાની નારાજગી પણ વ્યક્ત કરતા સંભળાય છે. તેઓ કહે છે કે ખેડૂત આંદોલનને ખુલ્લેઆમ સમર્થન આપ્યા બાદ તેઓ સરકારના વિરોધી તરીકે ઓળખાઈ રહ્યા છે, પરંતુ હવે ખેડૂત આગેવાનો જ તેમને છાવણીમાં આવવાની ના પાડતા હોવાથી તેઓ મૂંઝવણમાં મુકાયા છે. તેઓ એવી પણ વાત કરે છે કે જો તેમની જરૂર ન હોય તો તેઓ જાહેરમાં કહી દેશે કે હવે તેઓ આંદોલનથી અલગ થઈ રહ્યા છે.

ઓડિયોમાં નિલેશ એરવાડિયા વારંવાર કહેતા સાંભળવા મળે છે કે હકાભા ગઢવી સામે તેમને કોઈ વ્યક્તિગત વાંધો નથી અને તેઓ જ્યારે ઇચ્છે ત્યારે છાવણીમાં આવી શકે છે. જોકે સરકાર સાથે કોઈ પણ પ્રકારની મધ્યસ્થી અથવા રજૂઆત સમિતિના નિર્ણય મુજબ જ થશે અને કોઈ વ્યક્તિગત સ્તરે નહીં થાય. પરંતુ જ્યારે હકાભા ઈ કહ્યું કે હકાભાથી વાંધો ના હોય તો હું આંદોલન છાવણીમાં 10 મિનિટ માટે આવી જઉં, તો સામેથી સ્પષ્ટ ના પાડી દીધી કે ના તમે અત્યારે આવશો નહીં.

Leave a Reply

error: Content is protected !!