
હવે વાલીઓ ખાનગી શાળાઓ તરફ વળી રહ્યા છે. પરંતુ હવે અમદાવાદની તસવીર સંપૂર્ણ બદલાઈ રહી છે. હવે હજારો વિદ્યાર્થીઓ અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ની સ્માર્ટ શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે. આ વર્ષે 3,500થી વધુ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને AMCની સ્કૂલમાં પ્રવેશ લીધો છે, જ્યારે છેલ્લા 10 વર્ષમાં આ આંકડો 56 હજારને પાર પહોંચી ગયો છે. સૌથી રસપ્રદ વાત એ છે કે હવે માત્ર મધ્યમવર્ગ જ નહીં, પરંતુ IT કંપનીમાં કામ કરતા માતા-પિતા પણ પોતાના બાળકો માટે સરકારી શાળાઓ પસંદ કરી રહ્યા છે.
દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, અમદાવાદમાં શિક્ષણ ક્ષેત્રે એક શાંત પરંતુ મહત્ત્વની ક્રાંતિ જોવા મળી રહી છે. વર્ષો સુધી ખાનગી શાળાઓને ગુણવત્તાયુક્ત શિક્ષણનું પ્રતિક માનવામાં આવતી હતી, પરંતુ હવે મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓએ પોતાની કામગીરીથી લોકોનો વિશ્વાસ જીત્યો છે. જેના કારણે વાલીઓ ખાનગી સ્કૂલ છોડી તેના બાળકોનું સરકારી શાળામાં એડમિશન કરાવી રહ્યા છે.
એક સમયે સરકારી શાળાઓમાં માત્ર આર્થિક રીતે નબળા વર્ગના બાળકો જ ભણતા હોવાની માન્યતા હતી, પરંતુ હવે ઉચ્ચ શિક્ષિત અને સારા વ્યવસાય સાથે જોડાયેલા પરિવારો પણ પોતાના બાળકોને કોર્પોરેશનની શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. AMCની શાળાઓમાં સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ, અંગ્રેજી માધ્યમની શાળાઓ, આધુનિક લેબ, રમતગમતની સુવિધાઓ, તાલીમબદ્ધ શિક્ષકો અને વિવિધ પ્રવૃત્તિઓને કારણે શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે.
બીજી તરફ ખાનગી શાળાઓની સતત ફી વધી રહી છે. વધતી જતી મોંઘવારીના કારણે મસમોટી ફી વાલીઓ ભરી શકતા નથી. તેમજ મોંઘી ફી લેવા છતા બાળકોને પૂરતું શિક્ષણ પણ આપવામાં આવતું નથી. તેમજ ફી ભર્યા બાદ પણ પુસ્તકો, યુનિફોર્મ અને અન્ય ખર્ચથી વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે. તેના કારણે હવે ઘણા વાલીઓ ગુણવત્તાયુક્ત અને મફત શિક્ષણ માટે AMCની શાળાઓ તરફ વળી રહ્યા છે. તો IT કંપનીઓમાં કામ કરતા અને સારી આવક ધરોવતા માતા-પિતા પણ માત્ર ઓછી ફી માટે નહીં, પરંતુ શિક્ષણની ગુણવત્તા અને બાળકોના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખીને સરકારી શાળાઓ પસંદ કરી રહ્યા છે.

તેમજ આ વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં કુલ 31 હજાર જેટલા વિદ્યાર્થીઓએ એડમિશન લીધું છે. આ આંકડો પણ ગયા વર્ષ કરતા ખૂબ જ વધારે છે. તેમજ થલતેજ, બોડકદેવ સહિતની શાળાઓમાં એડમિશન માટે વેઈટિંગ ચાલી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓમાં આધુનિક સુવિધાઓ સાથે બાળકોને શિક્ષણ આપવામાં આવતું હોવાથી સારી કંપનીમાં કામ કરતા વાલીઓ પણ તેમના બાળકોના એડમિશન ખાનગીના બદલે કોર્પોરેશનની સ્કૂલમાં કરાવી રહ્યા છે.
સ્કૂલ બોર્ડ દ્વારા 220 કેમ્પસમાં આવેલી તમામ શાળાઓને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી છે. તેમજ હજુ પણ અન્ય નવી સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી રહી છે. પતરાવાળી શાળાઓને અત્યારે નવી બનાવવાની કામગીરી ચાલી રહી છે. જેથી તેને બાદ કરતા તમામ કેમ્પસમાં સ્માર્ટ શાળાઓ બનાવવામાં આવી છે. દરેક વિસ્તારમાં સ્માર્ટ શાળાઓ બની હોવાથી તમામ વર્ગના વાલીઓ તેમના બાળકોનું એડમિશન સ્માર્ટ શાળાઓમાં કરાવી રહ્યા છે.
IT સેક્ટરમાં એન્જિનિયર તરીકે નોકરી કરતા આશિષ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હું IT ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખાનગી નોકરી કરું છું. મારો દીકરો પહેલા ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો અત્યારે તેનું સરકારી શાળામાં એડમિશન કરાવ્યું છે. પ્રાઇવેટ સ્કુલનું ભણતર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલના ભણતરમાં ઘણો તફાવત જોવા મળ્યો છે. AMCએ સ્માર્ટ શાળાઓ બનાવી ખૂબ સારી બનાવી છે. સરકારી શાળા હોવા છતાં બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે, તેમજ બાળકોને વિનામૂલ્યે પુસ્તક અને શિષ્યવૃતિ આપવામાં આવતી હોય છે. તેમજ ધોરણ 8 પછી વધુ અભ્યાસ માટે પણ બાળકોને પરીક્ષા આપી અલગથી શિષ્યવૃત્તિ મળતી હોય છે. સરકારી શાળા હોવા છતાં અહીંયા ગૂગલ ફ્યુચર ક્લાસથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવે છે. ક્રોમ બુક, કમ્પ્યુટર લેબ અને લાઇબ્રેરીમાં પણ વિદ્યાર્થીઓ ડિજિટલ બુક વાંચી શકે છે. જેથી આ બધી સુવિધાઓને કારણે બાળકો વધુ આધુનિક ટેકનોલોજી સાથે અભ્યાસ કરી શકે છે. જેથી પ્રાઇવેટ સ્કુલમાંથી એડમિશન રદ કરાવી સરકારી શાળામાં એડમિશન કરાવ્યું છે.
સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ જણાવ્યું હતું કે, જૂન 2026થી નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન અનેક વિદ્યાર્થીઓના પ્રવેશ શાળાઓમાં કરાવવામાં આવ્યા છે. તેમજ ડ્રોપ આઉટ થયેલા બાળકોને પણ ફરી પ્રવેશ અપાવવામાં આવ્યો છે. તેમજ ખાનગી શાળા છોડી 3500 કરતાં વધુ બાળકોએ કોર્પોરેશનની સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે. તેમજ છેલ્લા દસ વર્ષમાં 56 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળા તરફ વળી રહ્યા છે. શહેરની નામાંકિત પ્રાઇવેટ શાળાઓ છોડી વાલીઓ તેમના બાળકોને કોર્પોરેશનની શાળાઓમાં પ્રવેશ અપાવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની સ્કોલરશીપ યોજના, માળખાગત સુવિધાઓ, કોમ્પ્યુટર લેબ, સાયન્સ લેબ, રોબોટિક લેબ તેમજ પ્રયોગશાળાના સાધનો પણ વિકસાવવામાં આવ્યા છે. બાળકોને રમત ગમત માટે પણ સુવિધા ઉભી કરવામાં આવી છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી સહિતની યોજનાઓનો પણ વાલીઓ લાભ લઈ રહ્યા છે. તેમજ વાલીઓનો પણ સરકારી શાળા તરફ ઝૂકાવ વધી ગયો છે. નવી શિક્ષણ નીતિ મુજબ વિદ્યાર્થીઓને શાળાઓમાં અભ્યાસ કરાવવામાં આવે છે. બાળક ત્યાં શાળા અને શાળા ત્યા શિક્ષણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.
વાલી એકતાબેન રબારીએ જણાવ્યું હતું કે, પહેલા મારો દીકરો રાણીપમાં પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. ત્રણ વર્ષ સુધી રાણીપમાં આવેલી પ્રાઇવેટ સ્કૂલમાં તેને અભ્યાસ કર્યો છે. પરંતુ તેનું શિક્ષણ બરાબર લાગ્યું નહીં અને ખર્ચ પણ ખૂબ જ વધી જતો હતો. યુનિફોર્મ, પુસ્તક સહિતની વસ્તુઓ બહારથી લાવવી પડતી હતી અને જેના કારણે તેનો ખર્ચ ખૂબ જ વધી જતો હતો. અનુપમ પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શિક્ષકો અને શાળાની સુવિધાઓ ખૂબ જ સરસ લાગી રહી છે. શિષ્યવૃતિ પણ મળે છે જેનાથી મારા દીકરાનો યુનિફોર્મ આવી જાય છે. 15 હજાર રૂપિયા પ્રાઇવેટ સ્કુલની ફી હતી. જેની સાથે અન્ય ખર્ચ જોડીએ તો 20 હજાર રૂપિયા જેટલો ખર્ચ થઈ જતો હતો. તેની સામે અત્યારે સરકારી સ્કૂલમાં એડમિશન કરાવવાથી 20 હજાર રૂપિયા સીધા બચી જાય છે. કોમ્પ્યુટર ક્લાસ, લાઇબ્રેરી અને રમત ગમતના સાધનો પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. જેથી બધી સુવિધાઓ જોઈને પ્રાઇવેટ સ્કૂલમાંથી સરકારી શાળામાં એડમિશન કરાવ્યું છે.