
એક સમય હતો જ્યારે દરેક વિસ્તારમાં દરેક બીજા છોકરા અને છોકરી પાસે B.Techની ડિગ્રી જોવા મળતી હતી. માતા-પિતાનું એક સપનું હતું કે તેમનું બાળક કોઈક રીતે એન્જિનિયરિંગ કોલેજમાંથી પાસ થઈને બહાર નીકળે તો તેની કારકિર્દી સેટ થઇ જશે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE)ના તાજેતરના ડેટા દર્શાવે છે કે દેશભરમાં એન્જિનિયરિંગ કોલેજોને ખુબ ઝડપથી તાળા લાગી રહ્યા છે.
મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, આ વર્ષે દેશભરમાં કુલ 58 એન્જિનિયરિંગ અને ટેકનિકલ કોલેજો બંધ થઈ ગઈ છે. ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર તેમાં સૌથી વધુ પ્રભાવિત થયા છે, જ્યાં સૌથી વધુ કોલેજો બંધ થઇ ગઈ છે. શું B.Techનો ક્રેઝ ખતમ થઈ ગયો છે, કે પછી આ કોલેજોમાં વિદ્યાર્થીઓને આપવા માટે તેવું કૌશલ્ય નથી, કે જેની બજારમાં માંગ છે, તો ચાલો આ આખી બાબતની કડવી સચ્ચાઈની ઊંડાણપૂર્વક જાણકારી મેળવીએ.

AICTE દ્વારા જાહેર કરાયેલી માહિતીનો ઉલ્લેખ કરીને, એક અંગ્રેજી અખબારમાં અહેવાલ છપાયો છે કે, શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન દેશભરની 58 એન્જિનિયરિંગ અને ટેકનિકલ સંસ્થાઓને ‘પ્રોગ્રેસિવ ક્લોઝર’, એટલે કે તબક્કાવાર બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. ‘પ્રોગ્રેસિવ ક્લોઝર’ થવાનો અર્થ એ છે કે, આ કોલેજો હવે પહેલા વર્ષમાં નવા વિદ્યાર્થીઓને પ્રવેશ આપી શકશે નહીં, જોકે ત્યાં પહેલાથી જ અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ તેમનો અભ્યાસ પૂર્ણ કરી શકશે. આ ઉપરાંત, વિવિધ કોલેજોમાં ઓફર કરવામાં આવતા 950થી વધુ ટેકનિકલ અભ્યાસક્રમો પણ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.
હવે પ્રશ્ન એ ઉભો થાય છે, આવું કેમ થયું? શું વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ ભણવાથી કંટાળી ગયા છે? પરંતુ અસલી વાર્તા કઈ અલગ જ છે. AICTE અધિકારીઓના મતે, આ કોલેજો બંધ થવા પાછળ ઘણા મુખ્ય કારણો છે. પ્રાથમિક કારણ વિદ્યાર્થીઓનો ઓછો પ્રવેશ છે, એટલે કે આ કોલેજોમાં બેઠકો સતત ખાલી રહી હતી. જ્યારે વર્ગખંડો ખાલી રહે છે ત્યારે કોલેજો તેમના ખર્ચ કેવી રીતે પૂરા કરશે?
બીજું મુખ્ય કારણ ફેકલ્ટીનો અભાવ છે. એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, આ કોલેજોમાં વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી શીખવવા માટે યોગ્ય પ્રોફેસરો અને ટ્રેનર્સનો અભાવ હતો. ઘણી કોલેજોમાં યોગ્ય કમ્પ્યુટર લેબ અથવા મૂળભૂત માળખાકીય સુવિધાઓનો અભાવ હતો. જ્યારે કોલેજો ફક્ત કાગળ પર, મોટી ઇમારતોમાં કાર્યરત હોય છે, પરંતુ પ્રેકટીકલ જ્ઞાનનો અભાવ હોય છે, ત્યારે બંધ થવું તેના નસીબમાં જ છે. અહીંથી પાસઆઉટ થયેલા વિદ્યાર્થીઓને બજારમાં પટાવાળાની નોકરી મેળવવા માટે પણ સંઘર્ષ કરવો પડતો હોય છે, કારણ કે તેમની પાસે ફક્ત ડિગ્રીઓ હતી, વ્યવહારુ કુશળતા નહોતી.
જો આપણે રાજ્ય પ્રમાણે બંધ થતી કોલેજોની યાદી જોઈએ તો, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર ટોચ પર છે. આ બે રાજ્યોએ 12 એન્જિનિયરિંગ કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે. ત્યાર પછી મધ્યપ્રદેશ 8, તેલંગાણા અને પંજાબ 4, આંધ્રપ્રદેશ અને રાજસ્થાન 3 અને ગુજરાત, કર્ણાટક અને તમિલનાડુ 2 કોલેજો બંધ કરવાનો આદેશ આપ્યો છે.
Maps

એક સમય હતો જ્યારે ઉત્તર પ્રદેશના નોઈડા અને ગાઝિયાબાદ અને મહારાષ્ટ્રના પુણે અને નાગપુર જેવા શહેરોમાં બિલાડીના ટોપની જેમ ખાનગી એન્જિનિયરિંગ કોલેજો ખોલવામાં આવી હતી. આ કોલેજોનું બિઝનેસ મોડેલ એક જ વસ્તુ પર આધારિત હતું, પ્રવેશના નામ પર માતાપિતાની મહેનતથી કમાયેલા પૈસામાંથી ખુબ મોટી ફી વસૂલવી. તેમના બ્રોશરોમાં ચમકતી પ્રયોગશાળાઓ અને વિદેશી કંપનીઓ સાથે 100 ટકા પ્લેસમેન્ટની બડાઈ મારવામાં આવતી હતી, પરંતુ વાસ્તવિકતા એ હતી કે આ ત્રીજા અને ચોથા દરજ્જાની આ કોલેજોમાંથી સ્નાતક થયેલા વિદ્યાર્થીઓને ઘણીવાર પ્લેસમેન્ટ માટે ‘અંગુઠો’ બતાવવામાં આવતો હતો.
જ્યારે દર વર્ષે હજારો બેરોજગાર ઇજનેરો ડિગ્રીઓ લઈને રસ્તાઓ પર ફરવા લાગ્યા, વિદ્યાર્થીઓ અને વાલીઓ ધીમે ધીમે આ ચમકતી દેખાતી, નકલી સંસ્થાઓમાંથી વિશ્વાસ ઉઠી ગયો હતો. વિદ્યાર્થીઓએ આ કોલેજોમાં જવાનું બંધ કરી દીધું, જેના કારણે તેમના રેવન્યુ મોડેલને નુકસાન થયું અને અંતે તેમને બંધ કરવાની ફરજ પડી. અહીં તમને બતાવી દઈએ કે, બંધ થનારી આ 58 સંસ્થાઓમાંથી ફક્ત 3 ને જ સરકારી ગ્રાન્ટ મળતી હતી, બાકીની 55 પુરી રીતે પ્રાઇવેટ ફાઇનાન્સથી ચાલતી હતી.
આ વર્ષે, 2026માં વૈશ્વિક ટેક ઉદ્યોગમાં મોટા પરિવર્તન આવી રહ્યા છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ના આગમન સાથે, સોફ્ટવેર ડેવલપમેન્ટ, કોડિંગ અને મૂળભૂત IT નોકરીઓનું સમગ્ર માળખું બદલાઈ ગયું છે. કોડિંગ જે એક સમયે નવો નવો બનેલો એન્જિનિયર કલાકોમાં કરતો હતો, તે હવે AI ટૂલ્સ દ્વારા સેકન્ડોમાં કરવામાં આવે છે. પરિણામે, ટેક કંપનીઓને હવે અનુભવી કોડર્સની જરૂર નથી, પરંતુ તેમને એવા એન્જિનિયરોની જરૂર છે, જે AI ટૂલ્સનું સંચાલન કરી શકે અને ક્રિટિકલ થિંકિંગ સાથે કામ કરી શકે.

આ ખાનગી કોલેજોના પતનનું સૌથી મોટું કારણ તેમનો જૂનો અને સમયની સાથે ન ચાલનારો અભ્યાસક્રમ હતો. જ્યારે દુનિયા જનરેટિવ AI, ક્લાઉડ કમ્પ્યુટિંગ અને ડેટા સાયન્સ વિશે વાત કરી રહી છે, ત્યારે આ કોલેજો વિદ્યાર્થીઓને દસ વર્ષ જૂની થિયરી અને મૂળભૂત C ભાષા યાદ રાખવા માટે મજબૂર કરી રહી હતી. જ્યારે આ વિદ્યાર્થીઓ ઉદ્યોગ સંસ્થામાં ઇન્ટરવ્યુ માટે જાય છે, ત્યારે તેઓ કંપનીઓની માંગણીઓ પૂરી કરી શકતા નથી.
JEE કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવતા પ્રશાંત શ્રીવાસ્તવ માને છે કે, B.Techનો ક્રેઝ હજુ સમાપ્ત થઇ ગયો નથી. મીડિયા સૂત્ર સાથે વાત કરતા, પ્રશાંત કહે છે, ‘એવું નથી કે એન્જિનિયરિંગમાં રસ ઓછો થયો છે. પરંતુ ‘ખરાબ B.Tech’નો ક્રેઝ ચોક્કસપણે ઓછો થઈ ગયો છે. IIT, NIT અને ઉચ્ચ-સ્તરીય કોલેજોમાં માંગ એ જ રહે છે, કારણ કે તેઓ સમય સાથે ખુદને બદલે છે.’
પ્રશાંત કહે છે કે ફક્ત કાગળની ડિગ્રી પર આધાર રાખવાને બદલે, યુવાનોએ AI-સંચાલિત એન્જિનિયરિંગ, ડેટા એનાલિટિક્સ, સાયબર સુરક્ષા, ફુલ-સ્ટેક ડેવલપમેન્ટ અને ક્લાઉડ આર્કિટેક્ચર જેવા આધુનિક કૌશલ્યો શીખવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જો તમારી પાસે કુશળતા હોય, તો બજારમાં નોકરીઓની કોઈ કમી નથી, પરંતુ જો તમારી પાસે ફક્ત ડિગ્રી, કે જે ‘કોલેજ’ નામની દુકાનમાંથી ખરીદેલો કાગળનો ટુકડો હોય, તો પછી કોલેજોને તાળા લાગી જ જાય ને.