
અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં મંદિરની દાવની ચોરીની ઘટના બાદ, હરિદ્વારના પ્રખ્યાત મનસા દેવી મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટે તેના પૂજારીઓને ઈમાનદારીના શપથ લેવડાવ્યા છે. અખિલ ભારતીય અખાડા પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મનસા દેવી મંદિર ટ્રસ્ટના પ્રમુખ તેમજ પંચાયતી શ્રી નિરંજની અખાડાના સચિવ મહંત ડૉ. રવિન્દ્ર પુરી મહારાજે મંદિરના તમામ પૂજારીઓ અને કર્મચારીઓને આ શપથ લેવડાવ્યા. સાથે જ તેમણે ચેતવણી પણ આપી હતી કે કોઈપણ પૂજારી કે કર્મચારી વ્યક્તિગત લાભ માટે મંદિરના દાનનો ઉપયોગ કરતા પકડાશે તો તેને માત્ર બરતરફ જ નહીં, પરંતુ કાનૂની કાર્યવાહી પણ કરવામાં આવશે.
આ માટે મહંત રવિન્દ્ર પુરીએ સાત સભ્યોની સમિતિની રચના કરી છે. આ સાથે જ, અખાડા પરિષદની તાજેતરમાં રચાયેલી બીજી કારોબારી સંસ્થા પર ટિપ્પણી કરતા તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ પોતે પણ પ્રમુખ તરીકે ચૂંટાયા છે અને તેમની પાસે બહુમતી છે; એટલે, કુંભ મેળો 2027 તેમના નેતૃત્વમાં યોજાશે.

મહંત રવિન્દ્ર પુરી મહારાજે જણાવ્યું હતું કે કોઈપણ અનિયમિતતા અટકાવવા અને મંદિરના દાન ચોરાઈ ન જાય તે માટે કડક નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, હવે કોઈપણ પૂજારી પોતાના કુર્તા કે પાયજામામાં ખિસ્સાનો ઉપયોગ નહીં કરી શકે. પૂજારીઓને હવે મંદિરની અંદર બેગ લઈ જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મંદિર પરિસરમાં થતી બધી પ્રવૃત્તિઓ પર CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. કેમેરાનું કનેક્શન મંદિરના મુખ્ય કાર્યાલય ઉપરાંત શ્રી નિરંજની પંચાયતી અખાડાના સચિવ મહંત રવિન્દ્ર પુરીના કાર્યાલય અને મોબાઇલ ફોન સાથે પણ જોડાયેલા રહેશે, જેનાથી મંદિરની બધી પ્રવૃત્તિઓ પર ચોવીસ કલાક દેખરેખ રાખી શકાશે.
મંદિરમાં ચઢાવવામાં આવેલા નારિયેળ, પ્રસાદ અથવા અન્ય સામગ્રી દુકાનદારોને ફરીથી ચઢાવી નહીં શકાય કે ન તો તેમને દુકાનદારોને વેંચી નહીં શકાશે, તેના માટે પણ કડક નિયમો બનાવવામાં આવ્યા છે, અને સમગ્ર પ્રક્રિયા પર CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે.

કોઈપણ પૂજારી મંદિરમાંથી ચોરી કરતા પકડાશે અથવા બજારમાં મંદિરની સામગ્રી, પ્રસાદ અથવા નારિયેળ વેચતા પકડાશે તો તેની સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને તેમને તાત્કાલિક મંદિરમાંથી કાઢી મૂકવામાં આવશે. મહંત રવિન્દ્ર પુરી મહારાજે જણાવ્યું હતું કે શ્રી મનસા દેવી મંદિર સાથે જોડાયેલી પવિત્રતા, ગરિમા અને આદર સાથે કોઈપણ રીતે સમાધાન થવા દેવામાં આવશે નહીં.