
સુરતમાં વરસાદે વિરામ લીધો છે, પણ તાજેતના દિવસોમાં વરસેલા 18 ઇંચ જેટલા વરસાદના કારણે ઠેરઠેર પાણીનો ભરાવો થતા ભારે તારાજી સર્જાઈ છે. ખાસ કરીને વેપાર-ધંધા અને વાહનમાલિકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. 3 દિવસથી સુરતીઓ પાણી વચ્ચે જીવવા મજબૂર બન્યા છે.
વરસાદી પાણી ડ્રેનેજ-કાંસની સફાઈનો અભાવને કારણે બાનમાં લીધું હતું દર વર્ષે ચોમાસા પહેલાં કરોડોના ખર્ચે લાઈનો અને ખાડીઓની સફાઈનો દાવો તો થાય છે પણ જો સફાઈ યોગ્ય રીતે થઈ હોત તો 15 ઇંચ વરસાદનું પાણી આટલા લાંબા સમય સુધી ભરાઈ ન રહત. કચરાથી જામ રહેતાં પાણી ઘેરાયાં. નિચાણવાળા વિસ્તારોમાં ડ્રેનેજની કેપેસિટી જ નથી.
આ ઉપરાંત વરસાદ બંધ થયાના 48 કલાકે પણ હજારો લોકો સુધી તંત્ર પહોંચી શક્યું નથી, જેથી ઠોસ ઈમરજન્સી પ્લાન જ ન હતો. પાલિકા અને સામાજિક સંસ્થાઓ વચ્ચે સંકલનના અભાવે રેસ્ક્યુ મોડું શરૂ થયું. સુરત સ્માર્ટ સિટી બની રહ્યું છે, પરંતુ કૉન્ક્રીટના રોડ વધતા જમીનમાં પાણી ઉતરવાની જગ્યા ઘટી છે. ખાડી કિનારાનાં દબાણોને હટાવવામાં ઢીલી નીતિ જવાબદાર છે. જેથી ખાડીઓ ઓવરફ્લો થતાં જ પાણી ઘરોમાં ઘૂસ્યાં.
હજારો લોકો ફસાયા છતા સમયસર બોટ, JCB કે પંપો પૂરતી સંખ્યામાં નહીં મળ્યાં. કંટ્રોલ રૂમમાં સ્ટાફની અછત કે હેલ્પલાઈન વ્યસ્ત રહેતાં લોકો ફસાયેલા રહ્યા. સાથે જ હવામાન વિભાગની આગાહી છતા જ્યાં દર વર્ષે પાણી ભરાય છે ત્યાં અગાઉથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કે ફૂડ પેકેટ્સની વ્યવસ્થા પાલિકાએ ન કરી. આના પરથી કહી શકાય કે પાલિકા હંમેશાં આ પ્રકારની ભયાવહ ઘટના બને પછી જ જાગે છે. આગોતરી તૈયારી કરતું નથી. આધુનિક અને અબજોના બજેટવાળી પાલિકા બીજા દિવસે પણ પાણી ઉતારી ન શકે અને લોકો ભૂખ્યા-તરસ્યા ફસાયેલા રહે તે ગંભીર બેદરકારીની ચાડી ખાય છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ અને ખાડી પૂરના કારણે સર્જાયેલી કટોકટીભરી સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે. દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી આ મેરેથોન બેઠકમાં ખાડી પ્રોજેક્ટના રીડેવલપમેન્ટ, ઊંડાણ અને ગેરકાયદે દબાણો હટાવવા માટે સરકારે ₹500 કરોડના વિશેષ પેકેજની જાહેરાત કરી છે. આ ઉપરાંત ખાડીના ગેરકાયદે દબાણો તોડી પાડવાના પણ આદેશો કર્યા છે. આ બેઠક દરમિયાન અસરગ્રસ્ત વિસ્તારોના ધારાસભ્યોએ તંત્રની પોલ ખોલતા જ મુખ્યમંત્રી અધિકારીઓ પર લાલઘૂમ થઈ ગયા હતા. ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય તે માટે મુખ્યમંત્રીએ કડક શબ્દોમાં આદેશ આપ્યા છે કે, જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ક્ષતિ કે લેપ્સ સામે આવશે તો જવાબદાર અધિકારીઓ સામે કડકમાં કડક શિક્ષાત્મક અને જરૂર પડ્યે ફોજદારી પગલાં લેવામાં કોઈ સંકોચ રાખવામાં આવશે નહીં.
સુરત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક એટલી કડક અને શિસ્તબદ્ધ હતી કે, મીટિંગ હોલમાં પ્રવેશતા પહેલા જ તમામ અધિકારીઓ, મનપા કમિશનર અને નેતાઓના મોબાઈલ ફોન બહાર જમા કરાવી દેવામાં આવ્યા હતા. અંદાજે બે કલાક સુધી ચાલેલી આ મેરેથોન મીંટિંગમાં ધારાસભ્યો અને સંસદ સભ્યોએ પૂર પ્રભાવિત વિસ્તારોની તદ્દન વાસ્તવિક અને ગંભીર પરિસ્થિતિ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી હતી.
પ્રજાની હાલાકી સાંભળીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને ખાડી વિસ્તારમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે એક્શન પ્લાન બનાવવાની તાકીદ કરી હતી. સુરત શહેરને ખાડી પૂરની આ કાયમી સમસ્યામાંથી મુક્તિ અપાવવા માટે રાજ્ય સરકારે ₹500 કરોડની માતબર રકમ ફાળવી છે. આ ભંડોળનો ઉપયોગ ખાડી પ્રોજેક્ટના રિડેવલપમેન્ટ, ખાડીને ઊંડી કરવા તેમજ તેની આસપાસ થયેલા તમામ ગેરકાયદે બાંધકામોને તાત્કાલિક ધોરણે તોડી પાડવા માટે કરવામાં આવશે. મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાને સ્પષ્ટ આદેશ આપ્યા છે કે, ખાડી કિનારાના તમામ દબાણો કોઈપણ રાજકીય વગ વગર તાત્કાલિક દૂર કરવામાં આવે જેથી પાણીનો પ્રવાહ અવરોધાય નહીં.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે મુખ્યમંત્રીએ રિવ્યૂ બેઠક લીધી હતી અને પ્રશાસનને જે નહેરના કારણે અને ખાડીના કારણે જે પાણી ભરાવવાનું જે કારણ ભૂતકાળમાં પણ સામે આવ્યું હતું એ ફરી કેમ આવ્યું? અને આવો ભવિષ્યની અંદર પ્રશ્ન ન ઊભો થાય તે માટે મુખ્યમંત્રીએ મહાનગરપાલિકાને કહ્યું છે કે, તાત્કાલિક એનું પ્લાન કરીને અમલમાં મૂકીને આ કામગીરી પૂર્ણ કરવી જોઈએ અને ભવિષ્યની અંદર આની ઉપર કોઈ પ્રશ્ન આવ્યો તો અધિકારીઓ પર કડક પગલાં ભરવામાં આવશે. સાથે સાથે કોઈ પણ જગ્યા પર મહાનગરપાલિકા હોય કે બીજું પ્રશાસન હોય, કોઈ પણ લેપ્સ થયું હોય તો એની સંપૂર્ણ પણે તપાસ થઈને એ લોકો પર પગલાં ભરવામાં આવે. કોઈ પણ રોડ, બીજા કોઈ પણ કામગીરી જેની અંદર નવા કામગીરી થઈ હોય અને જે તૂટ્યા હોય અને એ કામગીરીની અંદર જો કોઈ પણ વિકનેસ હોય તો એની ઉપર પણ પગલાં પણ ભરવામાં આવે અને જરૂર લાગે તો ફોજદારી પગલાં પણ ભરવામાં આવે તેની પણ સૂચના સૌ અધિકારીઓને આપવામાં આવી છે.
બેઠક પૂર્ણ થયા બાદ મીડિયા સાથે વાતચીત કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ આજે ખૂબ જ ગંભીરતાપૂર્વક સમીક્ષા બેઠક લીધી છે. પ્રશાસનને સવાલ પૂછવામાં આવ્યો છે કે, ભૂતકાળમાં જે નહેર અને ખાડીના કારણે પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી, તે જ ભૂલ ફરી કેમ થઈ? આ બાબતની સંપૂર્ણ તપાસ અત્યારે ચાલુ છે. જો ભવિષ્યમાં પણ આ પ્રકારની લાપરવાહી જોવા મળશે, તો અધિકારીઓએ ગંભીર પરિણામો ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તમામ પ્રભાવિત વિસ્તારોમાં આજે સાંજ સુધીમાં સફાઈનો પ્રથમ રાઉન્ડ પૂરો કરવાની પણ સૂચના અપાઈ છે.
પૂરના પાણી ઓસર્યા બાદ લોકોની મુશ્કેલીઓ વહેલી તકે ઓછી થાય તે માટે સરકાર કટિબદ્ધ છે. સામાન્ય રીતે માત્ર જિલ્લા પ્રશાસન કામગીરી કરે તો કેશડોલ અને ઘરવખરીની સહાય પહોંચાડવામાં 4-5 દિવસનો સમય લાગી જતો હોય છે. પરંતુ આ સ્થિતિને નિવારવા માટે મુખ્યમંત્રીએ મનપા, પોલીસ અને જિલ્લા પ્રશાસન સહિતના તમામ સરકારી વિભાગોને સાથે મળીને કામ કરવા જણાવ્યું છે. તમામ વિભાગોને 24 કલાકમાં એટલે કે 10 જુલાઈ સાંજ સુધીમાં તમામ અસરગ્રસ્તો સુધી કેશડોલ અને ઘરવખરીની સહાય પહોંચાડી દેવાની કડક સમયમર્યાદા આપવામાં આવી છે.
તાજેતરના વરસાદના કારણે સુરત શહેરમાં જે નવા બનેલા રસ્તાઓ તૂટી ગયા છે અથવા રોડ બેસી ગયા છે, તેની તપાસ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. જો કોઈ પણ નવનિર્મિત રોડની કામગીરીમાં નબળી ગુણવત્તા અથવા ભ્રષ્ટાચાર સામે આવશે, તો માત્ર કોન્ટ્રાક્ટર જ નહીં, પરંતુ તેની સાથે સંડોવાયેલા મનપાના જવાબદાર અધિકારીઓ સામે પણ ફોજદારી ગુનો દાખલ કરવામાં આવશે. જનતાના નાણાંનો વેડફાટ કરનારા અને હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરનારા તમામ ઈજારદારોને બ્લેકલિસ્ટ કરવા સુધીની કાર્યવાહી કરવાની પણ સૂચના અપાઈ છે.

શહેરના વેપારીઓ અને સામાન્ય નાગરિકોના ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાઈ જવાથી કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ નુકસાનીના વળતર માટે અધિકારીઓની વિશેષ ટીમોને તાત્કાલિક સર્વેની કામમાં લગાવી દેવામાં આવી છે. સર્વેની કામગીરી પૂર્ણ થતાની સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્ય કક્ષાએ એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવશે. આ બેઠકમાં સર્વેના રિપોર્ટના આધારે રાજ્ય સરકાર તરફથી અસરગ્રસ્ત વેપારીઓ અને નાગરિકો માટે આર્થિક સહાય કે રાહત પેકેજની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
આ ઉપરાંત પૂરથી ભારે પ્રભાવિત થયેલા નવસારી અને વલસાડ જિલ્લાની પરિસ્થિતિની સીધી સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી આજે નવસારી ખાતે આવી પહોંચ્યા હતા. અહીં પૂરની આપત્તિ અને તેનાથી થયેલા નુકસાન અંગે તેમજ ચાલી રહેલી બચાવ અને રાહત કામગીરીની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક હાઈલેવલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.
આ મહત્ત્વપૂર્ણ સમીક્ષા બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રીઓ નરેશભાઈ પટેલ અને કનુભાઈ દેસાઈ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત, કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી. આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ તેમજ બંને જિલ્લાના તમામ ધારાસભ્યો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ પણ બેઠકમાં હાજર રહ્યા છે. બેઠક દરમિયાન કલેક્ટર અને આપત્તિ પ્રબંધનની ટીમો પાસેથી બંને જિલ્લામાં પૂરના ઓસરેલા પાણી, સ્થળાંતરિત કરાયેલા લોકોની વ્યવસ્થા અને માળખાકીય નુકસાની અંગેનો સવિસ્તાર ચિતાર મુખ્યમંત્રીએ મેળવ્યો છે.