fbpx

મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ

Spread the love

મધ્ય પ્રદેશમાં સરકારી ચોખા ભરેલો ટ્રક ઇથેનોલ પ્લાન્ટને બદલે ખાનગી મિલમાં પહોંચતા વહીવટીતંત્રમાં મચી ગયો ખળભળાટ

મધ્યપ્રદેશમાં, ઇથેનોલ પ્લાન્ટ માટે નિર્ધારિત સરકારી ચોખા ભરેલો ટ્રક અધવચ્ચેથી જ બીજી કોઈ જગ્યાએ મોકલી આપવામાં આવ્યો હતો. પોલીસે હવે આ મામલાની તપાસ શરૂ કરી છે. ઇથેનોલ મિશ્રણને પ્રોત્સાહન આપવા અને આયાતી અશ્મિભૂત ઇંધણ પર નિર્ભરતા ઘટાડવા માટે, કેન્દ્ર સરકારે ઇથેનોલ ઉત્પાદક કંપનીઓને વધારાના અનાજના સપ્લાયને મંજૂરી આપી છે.

રાજ્ય સરકારની તપાસ કસ્ટમ-મિલ્ડ ચોખા (CMR)ના કન્સાઇન્મેન્ટ સાથે સંબંધિત છે. તપાસ કરનારા અધિકારીઓએ જણાવ્યું હતું કે, ચોખા ક્યારેય છિંદવાડામાં એ ઇથેનોલ પ્લાન્ટ સુધી પહોંચ્યા જ નહીં જ્યાં તેને મોકલવાના હતા.

તેના બદલે, અધિકારીઓને વારાસિવનીમાં એક ખાનગી ચોખા મિલમાં ચોખા મળ્યા. જ્યાં આરોપીઓ 2025-26 કસ્ટમ મિલિંગ પ્રોગ્રામ હેઠળ ચોખાને રિસાયકલ કરવાનો અને તે જ યોજના હેઠળ ફરીથી સબમિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, એવો આરોપ છે કે AVJ એગ્રીકો પ્રાઇવેટ લિમિટેડના અધિકૃત પ્રતિનિધિ રાહુલ પ્રતાપનો ઇરાદો FCI પાસેથી મળેલા ચોખાને ખાનગી ચોખાની મિલ તરફ વાળવાનો અને છિંદવાડા ઇથેનોલ પ્લાન્ટમાં ઇથેનોલ ઉત્પન્ન કરવા માટે સસ્તા ચોખા ખરીદવાનો હતો, જેનાથી સરકારને સીધું નાણાકીય નુકસાન થાય.

રાહુલ પ્રતાપ ઉપરાંત, પોલીસે ટ્રક ડ્રાઇવર દુર્ગેશ શેન્દ્રે અને સંચેતી રાઇસ મિલ સામે પણ કેસ નોંધ્યો છે. એગ્રીકો પ્રાઇવેટ લિમિટેડ અને સંચેતી રાઇસ મિલ દ્વારા આ બાબતે ટિપ્પણી કરવા માટે કરવામાં આવેલા કોલ અને સંદેશાઓનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

Govt Rice Dispatched

ગયા મહિને દાખલ કરાયેલી FIRમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે, સરકારી ચોખા વહન કરતી ટ્રકને કસ્ટમ મિલિંગ દ્વારા રિસાયકલ કરવા માટે મિલ પરિસરમાં લાવવામાં આવી હતી અને CMR પ્રોગ્રામ હેઠળ ફરીથી સબમિટ કરવામાં આવી હતી.

ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) હેઠળ, ફક્ત ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે નોંધાયેલ અને ઇથેનોલ સપ્લાય કોન્ટ્રાક્ટ ધરાવતી ઇથેનોલ ડિસ્ટિલરીઓ જ FCI પાસેથી ચોખા ખરીદી શકે છે. ઇથેનોલ ઉત્પાદન માટે પૂરા પાડવામાં આવતા ચોખા માટે વર્તમાન અનામત કિંમત રૂ. 2,330 પ્રતિ ક્વિન્ટલ છે. આ કિંમત સરકાર દ્વારા ચોખા ખરીદવા, પીસવા, પરિવહન કરવા અને સંગ્રહ કરવાના અંદાજિત ખર્ચ કરતાં ઓછી છે, જે આશરે રૂ. 4,100 પ્રતિ ક્વિન્ટલ છે.

તપાસકર્તા અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે, શું કેટલાક ઇથેનોલ ઓપરેટરોએ સબસિડીવાળા સરકારી ચોખાને ઇથેનોલમાં રૂપાંતરિત કરવાને બદલે, ચોખાના મિલરોને ઊંચા ભાવે વેચ્યા હતા. તેઓ એ પણ તપાસ કરી રહ્યા છે કે, શું સસ્તા તૂટેલા ચોખા, જેનો ઉપયોગ સામાન્ય રીતે ઇથેનોલ બનાવવા માટે થાય છે અને ખુલ્લા બજારમાં પ્રતિ ક્વિન્ટલ આશરે રૂ. 2,100માં મળે છે, તેનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

બાલાઘાટના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘અમે આ બાબતની તપાસ કરવા માટે એક SIT ટીમની રચના કરી છે. આરોપોની તપાસ કરવામાં આવી રહી છે.’ તપાસમાં મિલિંગ માટે પૂરા પાડવામાં આવતા ડાંગરના રેકોર્ડ, સ્ટોક વેરિફિકેશન, ચોખાની મિલોમાં વીજ વપરાશ, મજૂરની હાજરી અને અન્ય કામગીરીના પરિમાણોની તપાસ કરવામાં આવી રહી છે.

તપાસકર્તાઓને શંકા છે કે, સરકારી ચોખા ખરીદનારા ચોખાના મિલરો તેને નવી બેગમાં ફરીથી પેક કરી રહ્યા હતા અને તેમના મિલિંગ કરાર હેઠળ ઉત્પાદિત નવા કસ્ટમ મિલ્ડ ચોખા (CMR) તરીકે સરકારી વેરહાઉસમાં પાછા જમા કરી રહ્યા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, અધિકારીઓને માહિતી મળી કે ઇથેનોલ પ્લાન્ટ માટે બનાવાયેલ સરકારી ચોખા કથિત રીતે ડાયવર્ટ કરવામાં આવ્યા છે, ત્યારે તપાસ શરૂ થઈ. ફરિયાદના આધારે કાર્યવાહી કરતા, તહસીલદાર, નાયબ તહસીલદાર અને જુનિયર સપ્લાય ઓફિસરે વારાસિવનમાં સંચેતી ચોખા મિલનું ઓચિંતું નિરીક્ષણ કર્યું.

MP Ethanol Plant

મિલ પરિસરની અંદર, અધિકારીઓને 490 થેલીઓમાં 242.55 ક્વિન્ટલ સરકારી ચોખા ભરેલો એક ટ્રક મળ્યો. તપાસ અધિકારીઓએ જોયું કે મિલની સામે પૂરતી ખુલ્લી જગ્યા અને શેડ હોવા છતાં, વાહન પરિસરની અંદર ઊંડે સુધી પાર્ક કરેલું હતું. આનાથી માલની હિલચાલ અંગે શંકા ઉભી થઈ.

નિરીક્ષણ દરમિયાન, ટ્રક ડ્રાઇવરે અધિકારીઓને જણાવ્યું કે, ચોખા બાલાઘાટના નવેગાંવમાં FCI ડેપોમાંથી લોડ કરવામાં આવ્યા હતા અને તેને છિંદવાડાના બારેગાંવમાં ઇથેનોલ પ્લાન્ટમાં લઈ જવામાં આવનાર હતા. તેમના નિવેદન મુજબ, ડેપો છોડતી વખતે તેમને વાહન કે ચોખાના માલ સંબંધિત કોઈ દસ્તાવેજો આપવામાં આવ્યા ન હતા. તેમનું ઘર નજીકમાં હોવાથી, તેમણે તપાસ અધિકારીને કહ્યું કે તેમણે રાત રહેવાનું અને બીજા દિવસે સવારે પોતાની યાત્રા ચાલુ રાખવાનું નક્કી કર્યું છે.

જોકે, ચોખા મિલના માલિકે જણાવ્યું હતું કે, ટ્રક માલિક તેમને ઓળખતો હતો અને વરસાદને કારણે તેણે ટ્રકને ટીન શેડ નીચે રાખી શકાય તે માટે મિલની અંદર પાર્ક કર્યો હતો.

FIRમાં જણાવાયું છે કે, ‘ડ્રાઇવર અને ચોખા મિલના માલિકોના નિવેદનોમાં વિરોધાભાસ છે. ડ્રાઇવરે કહ્યું કે તે ઘરે ગયો હતો, જ્યારે માલિકે કહ્યું કે વરસાદને કારણે ટ્રક પાર્ક કરવામાં આવી હતી.’ તેમાં એમ પણ જણાવાયું છે કે, ટ્રક પહેલાથી જ તાડપત્રીથી ઢંકાયેલી હતી અને તે જ ઇથેનોલ પ્લાન્ટ માટે નિર્ધારિત ત્રણ કન્સાઇન્મેન્ટમાંથી એક હતી.

ત્યારપછી અધિકારીઓએ ટ્રક અને તેની સામગ્રી જપ્ત કરી અને વારાસિવની પોલીસને સોંપી દીધી.

તપાસમાં નવેગાંવમાં FCI ડેપો મેનેજરનું નિવેદન પણ સામેલ હતું. તપાસકર્તાઓના જણાવ્યા મુજબ, ડેપો મેનેજરે જણાવ્યું હતું કે ચોખા સત્તાવાર રીતે સરકારની ઇથેનોલ યોજના હેઠળ મોકલવામાં આવ્યા હતા અને ઇથેનોલ કંપનીના અધિકૃત પ્રતિનિધિને સોંપવામાં આવ્યા હતા. FIRમાં ડેપો મેનેજરના નિવેદનનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે, ‘એકવાર FCI ડેપોમાંથી ચોખા નીકળી જાય, પછી તેને ઇથેનોલ પ્લાન્ટ સુધી પહોંચાડવાની જવાબદારી FCIની નથી.’

Leave a Reply

error: Content is protected !!