fbpx

કોલેજ અને બેંક અધિકારીઓએ મળીને વિદ્યાર્થીઓના નામે રૂ. 99 લાખની શિષ્યવૃત્તિ ઉપાડી લીધી

Spread the love

કોલેજ અને બેંક અધિકારીઓએ મળીને વિદ્યાર્થીઓના નામે રૂ. 99 લાખની શિષ્યવૃત્તિ ઉપાડી લીધી

CBI તપાસમાં ભોપાલમાં કથિત શિષ્યવૃત્તિ છેતરપિંડીનો પર્દાફાશ થયો છે. આની અંદર MBA વિદ્યાર્થીઓ માટે રાખવામાં આવેલું સરકારી ભંડોળ કથિત રીતે વિદ્યાર્થીઓને જાણ કર્યા વગર બેંકમાં ખાતા ખોલીને ડાઇવર્ટ કરવામાં આવ્યું હતું.

એજન્સીએ UCO બેંકની હબીબગંજ શાખાના તત્કાલીન સિનિયર મેનેજર અને ભોપાલની એકેડેમી ઓફ મેનેજમેન્ટ કોલેજ સાથે સંકળાયેલા 5 વ્યક્તિઓ સામે કેસ દાખલ કર્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, જાન્યુઆરી 2020થી ઓક્ટોબર 2021 વચ્ચે સરકારી શિષ્યવૃત્તિ ભંડોળમાં આશરે રૂ. 99.48 લાખની ઉચાપત કરવામાં આવી હતી.

એકેડમી ઓફ મેનેજમેન્ટ ભોપાલના અવધપુરી વિસ્તારમાં એક ખાનગી, સ્વ-નાણાકીય બિઝનેસ સ્કૂલ છે. 2009માં સ્થાપિત, તે AICTE-મંજૂર અને બરકતુલ્લાહ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે. તે લાલા રામ રખા મલ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે અને બે વર્ષનો MBA પ્રોગ્રામ ઓફર કરે છે.

ભોપાલની UCO બેંકના ડેપ્યુટી જનરલ મેનેજર અને ઝોનલ હેડ લોકેશ કુમારની ફરિયાદ પછી આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. કુમારે હબીબગંજ શાખામાં 118 બેંક ખાતા ખોલવામાં અને તેમાં થયેલી લેવડ દેવડમાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદ પર કાર્યવાહી કરતા, CBIએ પ્રાથમિક તપાસ શરૂ કરી. FIR મુજબ, એવું જાણવા મળ્યું કે આ ખાતાઓ MBA વિદ્યાર્થીઓના નામે તેમની જાણકારી કે સંમતિ વિના ખોલવામાં આવ્યા હતા. ત્યારપછી સરકારી શિષ્યવૃત્તિ ભંડોળ આ ખાતાઓમાં જમા કરવામાં આવ્યું હતું અને લાભાર્થીઓ તેનો ઉપયોગ કરી શકે તે પહેલાં ઉપાડી લેવામાં આવ્યું હતું.

Madhya Pradesh-Scholarship

CBI FIRમાં જણાવાયું છે કે, ‘1 જાન્યુઆરી, 2020થી 31 ઓક્ટોબર, 2021ની વચ્ચે, UCO બેંકની હબીબગંજ શાખામાં વિવિધ વ્યક્તિઓના નામે 118 નકલી બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા, અને સરકાર દ્વારા આપવામાં આવેલી રૂ. 99.48 લાખની સરકારી શિષ્યવૃત્તિનું ભંડોળ આ ખાતાઓમાં જમા કરવામાં આવ્યું હતું, જેનો અજાણ્યા વ્યક્તિઓ દ્વારા દુરુપયોગ કરવામાં આવ્યો હતો.’

તપાસકર્તાઓનો આરોપ છે કે, આ છેતરપિંડી ખાતા ખોલવામાં આવ્યા ત્યારથી જ તેને નિયંત્રિત કરવા પર આધારિત હતી. FIR મુજબ, કોલેજના અધિકારીઓએ કથિત રીતે ખાતા ખોલવાની વ્યવસ્થા કરી, પોતાના અથવા તેમના સહયોગીઓના મોબાઇલ નંબરને ખાતાઓ સાથે લિંક કર્યા, તેમની સાથે જોડાયેલા ATM કાર્ડ મેળવ્યા અને શિષ્યવૃત્તિ ભંડોળ ઉપાડવા માટે તેનો ઉપયોગ કર્યો.

CBIએ આ કેસમાં 6 લોકોને આરોપી બનાવ્યા છે. તેમાં યુકો બેંકની હબીબગંજ શાખાની તત્કાલીન સિનિયર મેનેજર પ્રેમા વર્માનો સમાવેશ થાય છે. અન્ય લોકોમાં ભોપાલની એકેડેમી ઓફ મેનેજમેન્ટ કોલેજના ડિરેક્ટર વિનય મલ્હોત્રા, પ્રોફેસર આદિત્ય મલ્હોત્રા, સહાયક પ્રોફેસરો મનોજ જૈન અને વિનેશ મેશ્રામ અને તે સમયે કોલેજમાં કામ કરતા રામ સિંહ વર્માનો પણ સમાવેશ થાય છે. FIRમાં અન્ય અજાણ્યા લોકોના નામ પણ છે.

મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, ‘બેંક અધિકારીઓ આમાં સંડોવાયેલા હતા, અને મારું નામ હવે CBI તપાસમાં સામે આવ્યું છે.’ અન્ય આરોપીઓએ હજુ સુધી આરોપોનો જવાબ આપ્યો નથી. કોલેજના એક  પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, આ બેંકના પ્રતિનિધિઓ વચ્ચેનો મામલો હતો અને કોલેજ વહીવટીતંત્રને આમાં ફસાવવામાં આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે શિષ્યવૃત્તિ યોજનામાં કોઈ ગેરરીતિ થઈ નથી અને કોલેજ વહીવટીતંત્ર અધિકારીઓને સહકાર આપી રહ્યું હતું.

FIR મુજબ, ખાતું ખોલવાના ફોર્મ કથિત રીતે બનાવટી સહીઓ અને ખોટી વ્યક્તિગત માહિતી સાથે તૈયાર કરવામાં આવ્યા હતા, અને KYC ચકાસણીને બાયપાસ કરવામાં આવી હતી. અરજીઓને સમર્થન આપવા માટે સબમિટ કરાયેલા દસ્તાવેજો પાછળથી તપાસ દરમિયાન નકલી હોવાનું જાણવા મળ્યું.

Madhya Pradesh-Scholarship

CBIનો આરોપ છે કે, વિદ્યાર્થીઓને ડેબિટ કાર્ડ આપવાને બદલે, ખાતાધારકોની લેખિત પરવાનગી વિના, તે એક જ વ્યક્તિ, રામ સિંહને મોકલવામાં આવ્યા હતા. આરોપીઓએ તેમના મોબાઇલ નંબરોને ખાતાઓ સાથે લિંક કરીને OTP મેળવ્યા હતા, જેનાથી તેઓ શિષ્યવૃત્તિની રકમ જમા થયા પછી તરત જ ઉપાડી શકતા હતા.

CBIએ યુકો બેંકની હબીબગંજ શાખાની તત્કાલીન સિનિયર મેનેજર વર્મા પર પણ આરોપ લગાવ્યો છે કે તેઓ ખાતા ખોલવા, KYC ચકાસણી, સિસ્ટમ તપાસ અને ATM મોકલવા સંબંધિત બેંકિંગ નિયમોનું પાલન કરવા માટે જવાબદાર હોવા છતાં આવી કામગીરીમાં મદદ કરી રહ્યા હતા. CBIનો આરોપ છે કે તેમણે બેંકિંગ નિયમોનું સંપૂર્ણ ઉલ્લંઘન કરીને ખાતાઓ ખોલવાની પ્રક્રિયા કરી અને કોલેજના અધિકારીઓ સાથે મળીને કાવતરું રચ્યું.

FIR અનુસાર, પ્રારંભિક તપાસમાં એવા પુરાવા મળ્યા છે કે, શિષ્યવૃત્તિ ભંડોળ બનાવટી દસ્તાવેજો અને છેતરપીંડીયુક્ત બેંકિંગ પદ્ધતિઓ દ્વારા ઉચાપત કરવામાં આવ્યું હતું. એવો આરોપ છે કે બેંક અધિકારીઓએ જરૂરી પ્રક્રિયાઓને બાયપાસ કરીને દરેક તબક્કે આ પ્રયાસને સરળ બનાવ્યો હતો.

CBIએ ભારતીય દંડ સંહિતા તેમજ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનાહિત કાવતરું, છેતરપિંડી, બનાવટી અને નકલી દસ્તાવેજોના ઉપયોગનો આરોપ દાખલ કર્યા છે. આ તપાસ ભોપાલમાં CBIની ભ્રષ્ટાચાર વિરોધી શાખાના ઇન્સ્પેક્ટર નાઝીમ ખાનને સોંપવામાં આવી છે. તેમની પાસે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, તેઓ તપાસમાં ઊંડે સુધી જશે અને, શું અન્ય વ્યક્તિઓ પણ આ શિષ્યવૃત્તિ ભંડોળના કથિત ઉચાપતમાં સામેલ હતા કે, શું અન્ય ખાતાઓમાં પણ આ જ પ્રકારની ગેરરીતિઓ આચરવામાં આવી હતી. આવા સવાલોના જવાબ સામે લાવશે.

Leave a Reply

error: Content is protected !!