fbpx

ગુજરાત હાઈ કોર્ટે નવસારીની 17 વર્ષીય સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર કરી, સગા ભાઈના સંતાનને આપશે જન્મ

Spread the love

ગુજરાત હાઈ કોર્ટે નવસારીની 17 વર્ષીય સગીરાની ગર્ભપાતની અરજી નામંજૂર કરી, સગા ભાઈના સંતાનને આપશે જન્મ

ગુજરાત હાઇકોર્ટે નવસારીની એક 17 વર્ષીય સગીરાના લગભગ 8 મહિનાના ગર્ભના ગર્ભપાત માટેની અરજી નામંજૂર કરી છે. સગીરા સાથે તેના જ સગા મોટા ભાઈએ કુકર્મ આચર્યું હતું, જેના કારણે તે ગર્ભવતી બની હતી. આ તબક્કે ગર્ભપાત કરવાથી સગીરાના જીવને જોખમ હોવાના મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે કુદરતી પ્રસૂતિ સુધી ગર્ભાવસ્થા ચાલુ રાખવા આદેશ કર્યો છે. આ સાથે જ કોર્ટે બાળકના જન્મથી લઈને દત્તક આપવા સુધીની તમામ પ્રક્રિયા અને ખર્ચ અંગે રાજ્ય સરકારને નિર્દેશો આપ્યા છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, સગીરા તેની મોટી બહેન સાથે તેના બાળકને પોલિયોના ટીપાં પીવડાવવા આંગણવાડીમાં ગઈ હતી. ત્યાં હાજર સ્વાસ્થ્ય કાર્યકર બહેને સગીરાને જોઈને તે ગર્ભવતી હોવાની આશંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ પ્રેગ્નન્સી કીટથી ટેસ્ટ કરતા સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું. બાદમાં સગીરાની મોટી બહેન તેને ડોક્ટર પાસે લઈ ગઈ હતી અને સોનોગ્રાફી કરતા તેને 7 મહિનાથી વધુનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું, જે સંદર્ભે ડૉક્ટરે પોલીસને જાણ કરી હતી.

fort

પોલીસ સગીરાના ઘરે ગઈ હતી, પરંતુ ત્યાં કોઈ હાજર નહોતું. ત્યારબાદ પોલીસ ફરિયાદી મોટી બહેનના ઘરે પહોંચી હતી, પરંતુ સગીરાના માતા-પિતા હાજર ન હોવાથી અને સગીરાના બાળકના પિતા કોણ છે, તે જાણ નહીં હોવાથી પોતે આવીને ફરિયાદ નોંધાવી જશે તેમ પોલીસને જણાવ્યું હતું. ત્યારબાદ મોટી બહેન સગીરાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવવા ગઈ હતી, જ્યાં સગીરાની પૂછપરછ દરમિયાન તેણે પોતાના સગા મોટા ભાઈએ જ આ કુકર્મ કર્યું હોવાનું જણાવતા મોટી બહેને બીલીમોરા પોલીસ સ્ટેશને BNS અને POCSO એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધો છે.

આ કેસમાં એડવોકેટ દીપમાલા દેસાઈ દ્વારા સગીરાના ગર્ભપાત માટે હાઈકોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. કોર્ટના આદેશથી સુરત સિવિલ હોસ્પિટલની મેડિકલ ટીમે તપાસ કરી અહેવાલ આપ્યો હતો કે, ગર્ભ આશરે 34 અઠવાડિયાનો છે અને ભ્રૂણ સંપૂર્ણ જીવંત તેમજ 2 કિલોથી વધુ વજન ધરાવે છે. આ સમયે ગર્ભપાત કરવાથી પીડિતાના સ્વાસ્થ્ય અને ભવિષ્યની ગર્ભાવસ્થાની સુરક્ષા સામે ગંભીર તબીબી જોખમ ઊભું થઈ શકે તેમ હોવાથી ડૉક્ટરોએ ગર્ભપાત ન કરવાની અને કુદરતી પ્રસૂતિ સુધી ગર્ભાવસ્થા ચાલુ રાખવાની સલાહ આપી હતી, જેને કોર્ટે ગ્રાહ્ય રાખી છે.

finance bank

મેડિકલ રિપોર્ટ અનુસાર હાઈકોર્ટે સગીરાના ગર્ભપાતની મંજૂરી આપી નથી. કોર્ટે હુકમ પસાર કરતા નિર્દેશ આપ્યા છે કે, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ સિવિલ હોસ્પિટલ સુરત પીડિતાની પ્રસૂતિ થાય ત્યાં સુધી તેના સ્વાસ્થ્યની યોગ્ય દેખરેખ રાખે. આ સાથે જ નવજાત બાળકના સારા વિકાસ અને સ્વાસ્થ્ય માટે જરૂરી નવજાત શિશુ સંભાળ સહિતની ખાસ સારવાર પૂરી પાડે. તબીબી નિષ્ણાતો દ્વારા સગીર પીડિતા અને નવજાત બાળકનું સમયાંતરે હેલ્થ ચેક-અપ કરવામાં આવે.

સગીર પીડિતાની ઈચ્છા અને નવજાત બાળકની શારીરિક સ્થિતિની ખાતરી કર્યા પછી, બાળ કલ્યાણ સમિતિની દેખરેખ હેઠળ બાળકનો કબજો સુરતની માન્યતા પ્રાપ્ત દત્તક સંસ્થાને સોંપવામાં આવે. રાજ્ય સરકાર પીડિતાની પ્રસૂતિનો તમામ તબીબી ખર્ચ, પીડિતા અને નવજાત બાળકની સારવાર અને પોષણનો ખર્ચ તેમજ પ્રસૂતિ પછીના 6 મહિના સુધીનો તમામ ખર્ચ ભોગવશે.

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને પીડિત વળતર યોજના હેઠળ યોગ્ય પ્રક્રિયા પૂર્ણ કરી સગીર પીડિતાને બને તેટલી વહેલી તકે વચગાળાનું વળતર ચૂકવવા પગલાં લેવાનો આદેશ કરાયો છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીને આદેશ આપવામાં આવ્યો છે કે, તેઓ પીડિતાની પ્રસૂતિ થાય અને બાળકને સુરતની દત્તક સંસ્થાને સોંપવામાં ન આવે ત્યાં સુધી આ તમામ નિર્દેશોના પાલન પર સીધી દેખરેખ રાખે.

Leave a Reply

error: Content is protected !!