પ્રાંતિજમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂ. ૧૨ લાખથી વધુની લૂંટ : પોલીસની તપાસ તેજ
– પ્રાંતિજ પોલીસ ની ત્રણ ટીમો તથા જિલ્લા એલસીબી , એસઓજી તપાસ મા લાગી
– લૂંટારુઓ બહાર ના હોવાનુ અનુમાન
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં ધોળા દિવસે આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી રૂ.૧૨ લાખથી વધુની લૂંટની ઘટનાએ પોલીસ તંત્ર માટે પડકાર ઊભો કર્યો છે ઘટનાને પગલે પ્રાંતિજ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે



મળતી માહિતી મુજબ, પ્રાંતિજના ત્રણ રસ્તા વિસ્તારમાં શંકર એવન્યુ શોપિંગ સેન્ટરમાં આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ આંગડીયા પેઢીનો કર્મચારી ઇકો કારમાં રોકડ રકમ ભરેલી થેલી લઈને ગાંધીનગર જવા નીકળ્યો હતો દરમિયાન લૂંટારુઓએ પેઢીથી જ તેનો પીછો કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે પ્રાંતિજ હાઇવે પર શાક માર્કેટ નજીક એક બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ કર્મચારીની ઇકો કાર આગળ બાઇક ઉભી રાખી ઝઘડાનો માહોલ ઉભો કર્યો હતો તે દરમિયાન અન્ય એક શખ્સ બાઇક પર આવી કારમાંથી રૂ. ૧૨ લાખથી વધુની રોકડ ભરેલી થેલી લઈને ફરાર થઈ ગયો હતો કર્મચારીએ તેનો પીછો કરવાનો પ્રયાસ કરતાં તે નીચે પડી ગયો હતો અને તેના પગમાં સામાન્ય ઇજા પહોંચી હતી ત્યારબાદ અન્ય ત્રણેય આરોપીઓ પણ સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા ઘટનાની જાણ થતાં કર્મચારીએ તાત્કાલિક પ્રાંતિજ પોલીસને જાણ કરી હતી.પ્રાંતિજ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.આર. પઢેરિયાના માર્ગદર્શન હેઠળ તપાસ માટે પોલીસની ત્રણ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે ઉપરાંત જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમો પણ તપાસમાં જોડાઈ છે પોલીસ દ્વારા ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે ખાસ કરીને ભાંખરિયા બસ સ્ટેશન, ત્રણ રસ્તા, શાક માર્કેટ અને હાઇવે પર આવેલા કેમેરાના ફૂટેજ ચકાસવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં લૂંટારુઓએ અગાઉથી રેકી કરીને આયોજનબદ્ધ રીતે ગુનો આચર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે પોલીસને મળતી માહિતી મુજબ ચાર આરોપીઓ બે બાઇક પર આવ્યા હતા આરોપીઓ સ્થાનિક ના હોવાની પણ પ્રાથમિક આશંકા વ્યક્ત થઈ રહી છે હાલ પોલીસ વિવિધ દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે અને આરોપીઓને ઝડપી પાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે