fbpx

વધુ એક પેપર લીક થયું, 90% પ્રશ્નો સેમ ટુ સેમ મળ્યા, બે પરીક્ષા રદ, પ્રોફેસરની ધરપકડ

Spread the love

વધુ એક પેપર લીક થયું, 90% પ્રશ્નો સેમ ટુ સેમ મળ્યા, બે પરીક્ષા રદ, પ્રોફેસરની ધરપકડ

દેશભરમાં પેપર લીકના મુદ્દે વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, ત્યારે ઉત્તરાખંડમાં પેપર લીકની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. દેહરાદૂન સ્થિત ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટી (UTU) ની એન્જિનિયરિંગ શાખાના બે પેપર લીક થઈ ગયા છે. મામલો સામે આવ્યા બાદ યુનિવર્સિટી તંત્ર દ્વારા બંને પરીક્ષાઓ તત્કાલ અસરથી રદ કરી દેવામાં આવી છે.

આ સમગ્ર પ્રકરણમાં શિવાલિક કોલેજના પ્રોફેસર આશિષ કુમાર ગુપ્તા પર આક્ષેપ છે કે તેમણે આખરી પરીક્ષાને મળતા આવતા પ્રશ્નો એક કોલેજના વોટ્સએપ ગ્રુપમાં મોકલ્યા હતા. ઘટના પ્રકાશમાં આવતા જ પરીક્ષાઓ રદ કરીને તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરાઈ હતી. ત્યારબાદ પોલીસ દ્વારા પ્રોફેસરની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

02

દિલ્હીના જંતર-મંતર ખાતે પેપર લીકના વિરોધમાં ચાલી રહેલા ધરણાં-પ્રદર્શન વચ્ચે ઉત્તરાખંડમાં પેપર લીકના સમાચારથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે. વીર માધો સિંહ ભંડારી ઉત્તરાખંડ ટેકનિકલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તૃપ્તા ઠાકુરે આ અંગે જણાવ્યું હતું કે, જે કોલેજના આ શિક્ષક છે તેમની સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટીએ પોતાની તરફથી તે શિક્ષક પર આગામી 7 વર્ષ સુધી પરીક્ષા સંબંધિત તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ શિક્ષકે પોતાના 22 વિદ્યાર્થીઓના ફાયદા માટે સમગ્ર સિસ્ટમ સાથે સમજૂતી કરી હતી.

યુનિવર્સિટીના અધિકારીઓના જણાવ્યા મુજબ, લીક થયેલા પ્રશ્નપત્રો ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ચના બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ સાથે જોડાયેલા હતા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે આ મહિનાની શરૂઆતમાં યુનિવર્સિટીને એક ઈમેલ મળ્યો હતો, જેમાં ત્રીજા વર્ષના ‘મશીન લર્નિંગ ફોર ઈન્ટરનેટ ઓફ થિંગ્સ’ વિષયનું પેપર લીક થયું હોવાનો દાવો કરાયો હતો.

એક અહેવાલ મુજબ, પરીક્ષા નિયામક ડૉ. વી.કે. પટેલે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આસિસ્ટન્ટ પ્રોફેસર આશિષ કુમાર ગુપ્તા દ્વારા વોટ્સએપ પર શેર કરવામાં આવેલા પ્રશ્નો આખરી પરીક્ષાના પ્રશ્નપત્ર સાથે 90 થી 95 ટકા સુધી હૂબહૂ મળતા આવતા હતા. આ ખુલાસા બાદ યુનિવર્સિટીએ તાત્કાલિક ધોરણે આ પરીક્ષા રદ કરી દીધી હતી. સાવચેતીના પગલે યુનિવર્સિટીએ બીજા વર્ષના ‘ઈલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ થિયરી’ વિષયનું પેપર પણ રદ કર્યું છે. જોકે આ બીજા પેપર લીક થવાના કોઈ પુરાવા મળ્યા નથી, પરંતુ તે પેપર પણ આ જ પ્રોફેસરે સેટ કર્યું હોવાથી આ નિર્ણય લેવાયો હતો.

1522308477paper-leakd

વાઇસ ચાન્સેલરની મંજૂરી બાદ જારી કરાયેલા આદેશમાં જણાવાયું છે કે પરીક્ષા પદ્ધતિની વિશ્વસનીયતા, નિષ્પક્ષતા અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને બંને પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. હવે બીજા વર્ષના 355 અને ત્રીજા વર્ષના 22 મળીને કુલ 377 વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા ઓગસ્ટ 2026ના ત્રીજા સપ્તાહમાં યોજવામાં આવશે.

યુનિવર્સિટીની ફરિયાદના આધારે પ્રેમનગર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 10 વર્ષથી યુનિવર્સિટી સાથે જોડાયેલા આસિસ્ટન્ટ પ્રોફેસર આશિષ કુમાર ગુપ્તાની ધરપકડ કરી લેવાઈ છે. પોલીસે જણાવ્યું કે આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલા ઈલેક્ટ્રોનિક ગેજેટ્સની તપાસ ચાલી રહી છે અને આ મામલામાં અન્ય લોકોની સંડોવણી અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

બીજી તરફ, NSUI નેતા સિદ્ધાર્થ અગ્રવાલે આ ઘટનાને ઉચ્ચ શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી ગણાવીને રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ કરી છે. તેમજ દેહરાદૂનના બુદ્ધ ચોક ખાતે વિદ્યાર્થીઓ અને વિવિધ સંગઠનોએ પ્રદર્શન કરીને પેપર લીક અને વિદ્યાર્થીઓ સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવ્યો હતો.

ઉત્તરાખંડમાં છેલ્લા ઘણા વર્ષોથી પેપર લીકના કૌભાંડો સામે આવતા રહ્યા છે. 2017-18 બાદ 2021માં પટવારી-લેખપાલ ભરતી પરીક્ષા, 2022માં UKSSSC ગ્રેજ્યુએટ લેવલની પરીક્ષા અને 2025માં પણ ભરતી પરીક્ષાઓના પેપર લીક થવાની ઘટનાઓએ સમગ્ર રાજ્યમાં ભારે વિરોધ અને આક્રોશ જગાડ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!