
તમિલનાડુની રાજધાની ચેન્નાઈમાં સત્તાની દમદાટી અને ગેરવર્તણૂકનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના શાખા મેનેજરને જાહેરમાં થપ્પડ મારવા બદલ પોલીસે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી M.K. અલાગિરીની પુત્રી કાયલવિઝી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ સમગ્ર ઘટના બેંક પરિસરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, અને ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.
વાઈરલ CCTV ફૂટેજમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે કાયલવિઝી એક વ્યક્તિ સાથે બેંક કેબિનમાં બેઠેલી છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની અડયાર શાખાના બેંક મેનેજર તેમની સામે જ બેઠેલા છે. શરૂઆતમાં, બંને વાતચીતમાં વ્યસ્ત રહે છે, જે ઝડપથી ઉગ્ર દલીલમાં બદલાઈ જાય છે. દલીલ દરમિયાન, કાયલવિઝી અચાનક પોતાની ખુરશી પરથી ઉભા થાય છે અને કઈપણ જોયા વગર બેંક મેનેજરને થપ્પડ મારી દે છે. આ અણધાર્યા હુમલાથી કેબિનમાં રહેલા લોકો સ્તબ્ધ થઈ ગયા.

પોલીસ અને બેંક અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, વિવાદનું કારણ એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ખરાબ લિફ્ટ હતી. કાયલવિઝી એ બિલ્ડિંગના માલિક છે જ્યાં આ SBI શાખા કાર્યરત છે. જ્યારે બેંક મેનેજરે તેમને કર્મચારીઓ અને ગ્રાહકોને અસુવિધા ન થાય તે માટે ખામીયુક્ત લિફ્ટ રિપેર કરવાની વિનંતી કરી, ત્યારે કાયલવિઝી ગુસ્સે થઈ ગયા. વાતચીત દરમિયાન જ, પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે તેમણે ખુબ જ ગુસ્સામાં ઉભા થઈને બેન્ક અધિકારી પર હુમલો કર્યો.
કાયલવિઝીએ પોતાનું બિલ્ડીંગ, જેમાં બેંકની શાખા પણ છે, તે વિવિધ વ્યક્તિઓને ભાડે આપ્યું છે. કાયલવિઝી તેમની બિલ્ડીંગનું નિરીક્ષણ કરવા ગયા હતા અને જાળવણી અંગે મેનેજર સાથે દલીલ કરી હતી. SBI અધિકારીએ આરોપ લગાવ્યો છે કે કયલવિઝીએ તેમને ધમકી પણ આપી હતી.

ઘટના પછી તરત જ, ચેન્નાઈ પોલીસે SBI ચીફ મેનેજરની ફરિયાદના આધારે કાર્યવાહી કરી. પોલીસે મહત્વપૂર્ણ પુરાવા તરીકે CCTV ફૂટેજ જપ્ત કર્યા છે અને ભારતીય દંડ સંહિતાની 4 ગંભીર કલમો હેઠળ કાયલવિઝી વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, બેંક અધિકારીની ફરિયાદ પછી કાયલવિઝી વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે અને પુરાવા તરીકે CCTV ફૂટેજનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે, તપાસ હજુ પણ ચાલુ છે અને પોલીસ તમામ તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરી રહી છે.