પ્રાંતિજના ગ્રીનપાર્ક-૧ અને ૨ના રહીશો પાલિકા પહોંચ્યા
⦁ અધૂરા ગટરલાઇન કામથી રસ્તાઓ બિસ્માર
⦁ RTIનો સહારો લેવો પડ્યો
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજના નેશનલ હાઇવે-૪૮ નજીક આવેલી ગ્રીનપાર્ક-૧ અને ગ્રીનપાર્ક-૨ સોસાયટીના રહીશોએ અધૂરા ગટરલાઇનના કામ અને બિસ્માર બનેલા રસ્તાઓના પ્રશ્ને પાલિકા કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી છેલ્લા એક વર્ષથી ગટરલાઇનનું કામ ચાલુ હોવા છતાં તે પૂર્ણ ન થતાં રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે
ચોમાસાના કારણે બંને સોસાયટીઓમાં ઠેરઠેર મોટા ખાડા અને ભૂવા પડી ગયા છે રસ્તાઓ અત્યંત જોખમી બનતા વાહનચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે અનેક વાહનો ખાડાઓમાં પડતાં સ્થાનિકોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હોવાનું રહીશોએ જણાવ્યું હતું રહીશોના જણાવ્યા મુજબ, ગટરલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રસ્તાનું પુનઃસ્થાપન યોગ્ય રીતે કરવામાં આવ્યું નથી પરિણામે સમગ્ર વિસ્તારની સ્થિતિ દિનપ્રતિદિન વધુ ખરાબ બની રહી છે ગ્રીનપાર્ક-૧ અને ૨માં જ્યાં જુઓ ત્યાં મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે, જેના કારણે દૈનિક અવરજવર મુશ્કેલ બની ગઈ છે આ મુદ્દે અગાઉ અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતાં રહીશોએ પાલિકાના ચીફ ઓફિસર હિરેનભાઈ સોલંકીને લેખિત રજૂઆત કરી હતી સાથે જ ગટરલાઇનના કામ અને રસ્તાના પુનઃસ્થાપન અંગેની વિગતવાર માહિતી માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ ઉપલબ્ધ કરાવવા માંગણી કરી હતી રહીશોએ આક્ષેપ કર્યો હતો કે વારંવાર રજૂઆત છતાં યોગ્ય અને સંતોષકારક જવાબ મળ્યો નથી, જેના કારણે હવે RTI મારફતે માહિતી મેળવવાનો સહારો લેવો પડ્યો છે રહીશોએ પાલિકા તંત્રને તાત્કાલિક ગટરલાઇનનું બાકી રહેલું કામ પૂર્ણ કરી રસ્તાઓનું ગુણવત્તાસભર પુનઃસ્થાપન કરવાની માંગ કરી છે અન્યથા આગામી સમયમાં વધુ ઉગ્ર કાર્યક્રમ હાથ ધરવાની ચીમકી પણ ઉચ્ચારી છે



