fbpx

લોકસભાની કાર્યવાહીના બે દિવસમાં ભાઈ-બહેનના નિવેદનોને કેમ કાઢી નાંખવામાં આવ્યા?

Spread the love

લોકસભાની કાર્યવાહીના બે દિવસમાં ભાઈ-બહેનના નિવેદનોને કેમ કાઢી નાંખવામાં આવ્યા?

પેપર લીક વિરોધી બિલ, ‘જાહેર પરીક્ષાઓ (અન્યાયી માધ્યમો નિવારણ) સુધારા બિલ, 2026’ પર આજે (29 જુલાઈ) બીજા દિવસે લોકસભામાં ચર્ચા થઈ રહી છે. ચર્ચા દરમિયાન બુધવારે, વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર ગંભીર આરોપો લગાવ્યા, જેના કારણે શાસક પક્ષે જોરદાર વિરોધ કર્યો અને માફીની માંગણી કરી. આનાથી ગૃહના બંને પક્ષોએ હોબાળો મચાવ્યો. પરિણામે, ગૃહ સ્થગિત કરવામાં આવ્યું. આ પહેલા ચર્ચા દરમિયાન, રાહુલ ગાંધીના ભાષણમાં કથિત રીતે બિનસંસદીય ભાષાના ઉપયોગને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેના કારણે ગૃહમાં મોટો હોબાળો થયો.

Rahul Gandhi

હકીકતમાં, પેપર લીક મુદ્દા પર ચર્ચા દરમિયાન, રાહુલ ગાંધીએ કહ્યું કે તેમણે હાલમાં જ 18 વર્ષના એક વિદ્યાર્થી સાથે વાત કરી હતી. તે વિદ્યાર્થીનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે તેમના મતે, દેશમાં 3 પ્રકારના લોકો છે, પ્રથમ, વિદ્યાર્થીઓ, બીજું, જે લોકો બિનસંસદીય ભાષાનો ઉપયોગ કરે છે, અને ત્રીજું, જે લોકો તેમનું પાલન કરે છે તે અંધભક્ત. ત્યારે તરત જ રાહુલ ગાંધી દ્વારા આવા અસંસદીય શબ્દો બોલવા બદલ સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ દરમિયાનગીરી કરી, અને કહ્યું કે વિપક્ષના નેતા અથવા ગૃહના કોઈપણ સભ્યએ ગૃહમાં આવા બિનસંસદીય શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈએ. તેમણે સ્પીકરને આ બાબતની નોંધ લેવાની અને કાર્યવાહીમાંથી આ શબ્દને દૂર કરવાની માંગ કરી.

આનાથી શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે ઉગ્ર બોલચાલ શરૂ થઈ. બંને પક્ષે હંગામો શરુ થઇ ગયો. બંને પક્ષના સભ્યો તેમની બેઠકો પરથી ઉભા થઈને બોલવા લાગ્યા, જેના કારણે ગૃહમાં ઘોંઘાટ અને અરાજકતાભરી પરિસ્થિતિ સર્જાઈ. રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ બિનસંસદીય શબ્દોનો ઉપયોગ ન કરવો જોઈતો હતો. તેમણે કહ્યું કે, રાહુલ ગાંધી બાળકનું નામ નથી કહેતા, પરંતુ તેમણે જે શબ્દનો ઉપયોગ કર્યો હતો તે દૂર કરવો જોઈએ. તેમણે દલીલ કરી કે આ એક અયોગ્ય શબ્દ છે અને નિયમો અનુસાર તેનો ઉપયોગ કરી શકાતો નથી. તેમણે એમ પણ કહ્યું કે, નિયમપુસ્તકમાં આ શબ્દનો ઉપયોગ બિનસંસદીય તરીકે પણ સૂચિબદ્ધ છે. તેમણે કહ્યું કે તેમણે ‘અસંસદીય’ શબ્દ બનાવ્યો નથી, પરંતુ તે નિયમપુસ્તકમાં છે. આમ છતાં, રાહુલ ગાંધી સતત આવા ખોટા શબ્દો વાપરવાનું ચાલુ રાખ્યું.

કિરેન રિજિજુએ કહ્યું, ‘હું તમને વારંવાર વિનંતી કરું છું કે તે શબ્દનો ઉપયોગ ન કરો. અમે તમારી વાત સાંભળવા માટે અહીં છીએ. અમારા પક્ષના લોકો બિનસંસદીય શબ્દોના ઉપયોગથી ઉશ્કેરાઈ ગયા છે, તેથી હું વિપક્ષના નેતાને વિનંતી કરું છું કે તેઓ બિનસંસદીય શબ્દોનો ઉપયોગ ન કરે.’ હોબાળો વધતાં, સ્પીકર ઓમ બિરલાએ રાહુલ ગાંધીને કહ્યું કે, તેઓ વિપક્ષના નેતા છે, અને તે પદ ગૌરવ ધરાવે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ આ પદના ગૌરવનું ધ્યાન રાખીને શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ અને બિનસંસદીય શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. તેમણે કહ્યું કે, તેઓ ગૃહની કાર્યવાહીમાંથી આવા અસંસદીય શબ્દ દૂર કરશે. બિરલાએ કહ્યું કે, વિપક્ષના નેતાએ ફક્ત બિલ પર જ બોલવું જોઈએ. ત્યાર પછી, લોકસભા સચિવાલયે જાહેરાત કરી કે, ગૃહની કાર્યવાહીમાંથી બિનસંસદીય શબ્દને દૂર કરવામાં આવ્યો છે.

Priyanka Gandhi

અહીં તમને જણાવી દઈએ કે, આના એક દિવસ પહેલા, મંગળવારે, રાહુલ ગાંધીની બહેન અને વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધીના ભાષણમાંથી પણ એક વાક્ય કાઢી નાખવામાં આવ્યું હતું. તેમણે નવા શિક્ષણ પ્રધાન પર બળાત્કારીઓની મુક્તિને સમર્થન આપવાનો આરોપ લગાવ્યો હતો. મંગળવારે પણ, પ્રિયંકાના આરોપ પર શાસક પક્ષે લોકસભામાં હોબાળો મચાવ્યો હતો. હોબાળા પછી, સ્પીકરે ગૃહની કાર્યવાહીમાંથી તેમનું નિવેદન કાઢી નાખ્યું. બે દિવસમાં આ બીજી વખત છે જ્યારે ભાઈ-બહેનની જોડી (રાહુલ અને પ્રિયંકા)ના નિવેદનો કાઢી નાખવામાં આવ્યા છે. એવી ચર્ચા છે કે રાહુલ ગાંધીનો અમિત શાહ પરનો આરોપ, કે તેમણે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન દરમિયાન ગોળીબાર કરવાનો આદેશ આપ્યો હતો, તે પણ કાઢી નાખવામાં આવી શકે છે.

Leave a Reply

error: Content is protected !!