
સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) દ્વારા ગ્રાહકોના હિતમાં વધુ એક મહત્ત્વપૂર્ણ અને માર્ગદર્શક ચુકાદો આપવામાં આવ્યો છે અને જણાવવામાં આવ્યું છે કે, કોરોના મહામારી દરમિયાન દેશવ્યાપી લોકડાઉનને કારણે રદ થયેલી વિદેશ પ્રવાસની એર ટિકિટોની ગ્રાહકોની રકમ ટ્રાવેલ એજન્સી દ્વારા રોકી રાખી શકાય નહીં. તે ગ્રાહક પ્રત્યે સેવામાં ખામી અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસ ગણાય.
ફરિયાદીઓએ એડવોકેટ શ્રેયસ દેસાઈ, એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ તથા એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈના મારફતે સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય) સમક્ષ કેન્યા પ્રવાસ માટે એક ટ્રાવેલ્સ મારફતે એર કેનેડાની એર ટિકિટો બુક કરાવી હતી. તેના માટે કુલ રૂ. 4,20,048/- જેટલી રકમ ચૂકવવામાં આવી હતી. પરંતુ માર્ચ-2020 દરમિયાન સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ફાટી નીકળતાં ભારત સરકારે દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું. વધુમાં, Ministry Of Home Affairs Guidelines મુજબ બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ આદેશ આપવામાં આવેલ હતા અને તમામ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવાઓ સ્થગિત કરવામાં આવી. પરિણામે ફરિયાદીઓનો પ્રવાસ રદ થઈ ગયો.

ફરિયાદીઓએ બુકિંગ માટે જમા કરાવેલ રકમ કુલ રકમ રૂ।. 4,20,048/- માંથી માત્ર રૂ।. 2,97,830/- રીફંડ આપેલ અને બાકીની રકમ રૂ।. 1,22,218/- કાપી લેવા માટે કોઈ ખુલાસો કરેલ નથી. જેથી ફરિયાદીઓએ જીલ્લા કમિશન સમક્ષ ફરિયાદ કરવી પડેલી.
ફરિયાદીઓ તરફ્ દલીલો કરતા એડવોકેટ શ્રેયસ દેસાઈ, એડવોકેટ પ્રાચી અર્પિત દેસાઈ તથા એડવોકેટ ઈશાન શ્રેયસ દેસાઈએ ગ્રાહક કમિશન સમક્ષ જણાવ્યું હતું કે, ફરિયાદીઓને ઉદ્ભવેલ વિશેષ સંજોગો/પરિસ્થિતિના અને લોકડાઉનની પરિસ્થિતિને કારણે પ્રવાસ થઈ શકેલ નહીં.
વધુમાં, Gouvernement of India Office of the Director General of Civil Aviation દ્વારા તા. 07/10/2020ના રોજનો એક Circular Refund on Cancellation of air tickets during Covid-19 બાબતે બહાર પાડવામાં આવેલ હતો. જેમાં તા. 25/03/2020 થી તા. 24/05/2020 દરમ્યાન Air ticketsનું બુકિંગ કરાવનાર પ્રવાસીને Full amountનું રીફંડ આપવાનો નિર્દેશ આપવામાં આવેલ છે.

સુરત જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન (મુખ્ય)ના પ્રમુખ પી. પી. મેખિયા અને સભ્ય તીર્થેશ મહેતાએ ચુકાદામાં મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે કે કોરોના જેવી અસાધારણ પરિસ્થિતિમાં ગ્રાહકો પહેલેથી જ આર્થિક તથા માનસિક મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હતા. આવી સ્થિતિમાં તેમની જ રકમ અટકાવી રાખવી ગ્રાહક હિત વિરુદ્ધની કાર્યવાહી ગણાય. ગ્રાહક સુરક્ષા અધિનિયમનો મુખ્ય હેતુ ગ્રાહકોના અધિકારોનું રક્ષણ કરવાનો હોવાથી આવા કેસોમાં વેપારી સંસ્થાઓ જવાબદારીમાંથી છટકી શકે નહીં.
જિલ્લા ગ્રાહક કમિશને ટ્રાવેલ્સ અને તેના સંચાલકને ફરિયાદીઓને રૂ.1,22,218/- ફરિયાદ દાખલ કર્યાની તારીખથી વસૂલાત સુધી 8% વાર્ષિક વ્યાજ સાથે ચૂકવવાનો હુકમ કર્યો છે. આ સમગ્ર રકમ 30 દિવસની અંદર ચૂકવવા માટે નિર્દેશ આપવામાં આવ્યો છે.