
ભારતની અંડર-19 ટીમ તાજેતરમાં જ શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી. વન-ડે સીરિઝમાં 1-2થી હાર અને ટેસ્ટ સીરિઝમાં 1-0થી જીત મેળવ્યા બાદ ભારતની અંડર-19 ટીમ હવે ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ સામે ટકરાશે. ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ ભારતના પ્રવાસે આવી રહી છે, જેના માટે કાંગારૂ ટીમની ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમમાં ગુજરાતી મૂળના ખેલાડી નીલ પટેલની પસંદગી કરવામાં આવી છે. ટોપ ઓર્ડરના બેટ્સમેન અને સ્પિનર નીલે ઘરેલૂ ક્રિકેટમાં ન્યૂ સાઉથ વેલ્સ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમ ભારતના આ પ્રવાસમાં ત્રણ મેચની વનડે સીરિઝ અને બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સીરિઝ પણ રમશે. તેની મેચો રાજકોટ અને અમદાવાદમાં યોજાશે. એટલે કે નીલ પટેલ તેના નેટિવ ફેન્સ સામે મેદાનમાં જોવા મળવાનો છે. આ દરમિયાન, 18 થી 23 સપ્ટેમ્બર સુધી વન-ડે સીરિઝ રમાશે. સાથે જ 27 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી ટેસ્ટ સીરિઝ રમાશે. આ સીરિઝ માટે ભારતની ટીમની જાહેરાત હજુ બાકી છે.

નીલ પટેલનો ઘરેલૂ રેકોર્ડ
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઈટ cricket.com.au અનુસાર, નીલ પટેલે અત્યાર સુધીમાં તમામ સ્તરે મળીને, ઘરેલૂ, ક્લબ, અંડર-19 અને અન્ય એજ ગ્રુપોમાં મળીને કુલ 278 ઇનિંગ્સમાં 8176 રન બનાવ્યા છે. જેમાં તેના નામે 11 સદી અને 45 અડધી સદી સામેલ છે. આ સિવાય તેણે 202 વિકેટ પણ પોતાના નામે કરી છે.
ઓસ્ટ્રેલિયાની અંડર-19 ટીમની ટીમ
કેસી બાર્ટન, હેડન બાર્બૂલોવિક, એલી બ્રેન, વિલ બાયરોમ, બ્લેક કેટેલ, જેક જોસનેક, સ્પેન્સર ગ્રીન, કોનોર ગ્રેગરી, ચાર્લી હેન્ડરસન, જેડ હોલ્લિક, મેથ્યૂ લફ, નીલ પટેલ, જેકબ પીટ્ઝ, પેટ્રિક સુલિવન, થિયો સિન્ગોસ, થોમસ વેસિયો.

ભારત અંડર-19 વર્સિસ ઓસ્ટ્રેલિયા અંડર-19 સીરિઝનું શેડ્યૂલ
વન-ડે સીરિઝ
પહેલી વન-ડે: 18 સપ્ટેમ્બર 2026, સવારે 9.30 am (IST)
બીજી વન-ડે: 21 સપ્ટેમ્બર, 2026, સવારે 9.30 (IST)
ત્રીજી વન-ડે: 23 સપ્ટેમ્બર 2026, સવારે 9.30 am (IST)
ટેસ્ટ સીરિઝ
પહેલી ટેસ્ટ: 27 સપ્ટેમ્બર 2026, સવારે 9.30 (IST)
બીજી ટેસ્ટ: 5 ઓક્ટોબર 2026 થી, સવારે 9.30 (IST).