
મોદી સરકાર વિદેશી ભંડોળ અને NGOની પ્રવૃત્તિઓ પર નિયંત્રણ કડક બનાવવા માટે સંસદના ચોમાસા સત્રમાં વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA) સુધારો બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે. સરકારનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા સાથે ચેડા થતો અટકાવવાનો અને વિદેશી ભંડોળના ઉપયોગમાં પારદર્શિતા લાવવાનો છે. FCRA બિલને લગતી રાજકીય ચર્ચા વચ્ચે, ખ્રિસ્તી સમુદાયનું એક પ્રતિનિધિમંડળ ગુરુવારે સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે.
એક મહિનામાં ભારતની સૌથી મોટી ખ્રિસ્તી સંસ્થા, કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયા (CBCI)ની અમિત શાહ સાથે આ બીજી બેઠક છે. CBCI પ્રમુખ કાર્ડિનલ પૌલા એન્થોનીના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળે 10 જુલાઈના રોજ FCRA સુધારા બિલ અંગે પોતાની ચિંતાઓ વ્યક્ત કરવા માટે અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયાના નેતૃત્વમાં 10 સભ્યોનું ખ્રિસ્તી પ્રતિનિધિમંડળ FCRA બિલ અંગે ચર્ચા કરવા માટે ગુરુવારે ફરી અમિત શાહ સાથે મુલાકાત કરશે. આનાથી એ પ્રશ્ન ઉભો થાય છે કે ખ્રિસ્તી સમુદાયને FCRA બિલ અંગે શું ચિંતા છે, જેના માટે તેઓ એક મહિનામાં બીજી વખત મળી રહ્યા છે.

ભારતમાં વિદેશી ભંડોળનું નિયમન કરવા માટે વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ, 2010 ઘડવામાં આવ્યો હતો. હાલમાં, વિદેશી ભંડોળ મેળવવા માંગતા NGO, સોસાયટીઓ, કંપનીઓ અથવા અન્ય સંસ્થાઓ માટે FCRA નોંધણી ફરજિયાત છે. આ નોંધણી દર પાંચ વર્ષે રીન્યુ કરાવવી આવશ્યક છે.
મોદી સરકાર હવે વિદેશી યોગદાન (નિયમન) સુધારો (FCRA) બિલ, 2026 રજૂ કરી રહી છે, જેનો હેતુ ભારતના હિતોની વિરુદ્ધ વિદેશી ભંડોળનો ઉપયોગ થતો અટકાવવાનો છે. સરકારે બિલમાં ઘણા ફેરફારો કર્યા છે અને જરૂરી જોગવાઈઓ ઉમેરી છે. તેનો હેતુ બિન-લાભકારી સંસ્થાઓ દ્વારા પ્રાપ્ત વિદેશી ભંડોળનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં થાય છે અને તેમની જવાબદારી નક્કી કરવાનો છે.
સરકાર નવા સુધારા બિલના ભાગ રૂપે એક નિયુક્ત સત્તા સ્થાપિત કરશે. જો કોઈ સંસ્થા વિદેશી ભંડોળ મેળવે છે અને તેની FCRA નોંધણી રદ કરવામાં આવે છે, રીન્યુ કરવામાં આવતી નથી, સરન્ડર કરી દેવામાં આવે છે અથવા એક્સપાયર થઇ જાય છે, તો આ સ્થિતિમાં વિદેશી ભંડોળ અને તે ભંડોળથી મેળવેલી બધી સંપત્તિ નિયુક્ત સત્તાને ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારે એવી સંસ્થાઓની સંપત્તિઓ ટ્રાન્સફર કરવાની જોગવાઈ પણ ઉમેરી છે જે પોતાનું રજીસ્ટ્રેશન રિન્યુ નહીં કરાવે.

નિયુક્ત સત્તાવાળા પાસે, જો જરૂરી હોય તો આ સંપત્તિઓ વેચવાની પણ સત્તા હશે. વેચાણમાંથી મળેલી રકમ ભારતના સંકલિત ભંડોળમાં ટ્રાન્સફર કરવામાં આવશે. જો કોઈ NGO બંધ થઈ જાય અથવા તેની પ્રવૃત્તિઓ નિષ્ક્રિય થઈ જાય, તો એવી સ્થિતિમાં વિદેશી ભંડોળથી મેળવેલી સંસ્થાની સંપત્તિઓ પણ સરકારના નિયુક્ત સત્તાવાળાને ટ્રાન્સફર કરવામાં આવશે.
કેથોલિક બિશપ્સ કોન્ફરન્સ ઓફ ઈન્ડિયાએ 10 જુલાઈના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી અને FCRA સુધારા બિલ અંગે એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું. ખ્રિસ્તી સમુદાયના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે, વિદેશી યોગદાન (નિયમન) અધિનિયમ (FCRA)માં પ્રસ્તાવિત સુધારા ગરીબોના હિતોની વિરુદ્ધ છે. FCRA સુધારાની જોગવાઈઓ સમાજના મોટા વર્ગના કલ્યાણ માટે કામ કરતી સંસ્થાઓ પર પ્રતિકૂળ અસર કરશે.
કેથોલિક બિશપ્સ કોન્ફરન્સે વિનંતી કરી હતી કે, એક નવું બિલ તૈયાર કરવામાં આવે અને ફક્ત ભવિષ્યના કેસોમાં જ લાગુ કરવામાં આવે. સંગઠને જણાવ્યું હતું કે, નવા કાયદા હેઠળ નિર્ણયો લેવા માટે નિયુક્ત અધિકારી ન્યાયિક અધિકારી હોવો જોઈએ જેથી તેની સ્વતંત્રતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત થાય. બધી અપીલો પૂર્ણ થયા પછી જ મિલકતનો નિકાલ, ટ્રાન્સફર અથવા સંપાદન થવું જોઈએ. મોટી અને નાની ભૂલો વચ્ચે ભેદ પાડવો જોઈએ, અને નાની ભૂલો માટે કડક પગલાં લેવા જોઈએ નહીં.

ખ્રિસ્તી સમુદાયે માંગ કરી હતી કે બિલમાંથી ‘ધર્મ પરિવર્તન માટે પ્રેરિત કરવા’ આ શબ્દ દૂર કરવામાં આવે, કારણ કે તેનો દુરુપયોગ થઈ શકે છે. સંગઠને જણાવ્યું હતું કે, આવી બધી માનવતાવાદી અને સખાવતી પ્રવૃત્તિઓ ફક્ત રાષ્ટ્ર નિર્માણ અને જાહેર કલ્યાણ માટે થાય છે. તેમને ધાર્મિક પરિવર્તનના પ્રયાસો તરીકે અર્થઘટન ન કરવું જોઈએ.
ખ્રિસ્તી સંગઠને એમ પણ કહ્યું હતું કે, બિલની પૂર્વવર્તી અને ખુલ્લી જોગવાઈઓ સખાવતી પ્રવૃત્તિઓ માટે કાયદેસર વિદેશી ભંડોળને નિરુત્સાહિત કરી શકે છે. આ ભારતના વિકાસ ક્ષેત્રને અસર કરશે અને તેનો બોજ સમાજના વંચિત વર્ગો પર પણ પડશે. તેમણે વિવિધ રાજ્યોમાં ધર્માંતરણ વિરોધી કાયદા હેઠળ ખ્રિસ્તીઓ પરના હુમલાઓ અને તેમની સામે દાખલ કરાયેલા કેસોનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો.
કેથોલિક બિશપ્સ કોન્ફરન્સે જણાવ્યું હતું કે, બંધારણ (અનુસૂચિત જાતિ) આદેશ, 1950 હેઠળ, ખ્રિસ્તી ધર્મ અપનાવનારા અનુસૂચિત જાતિ સમુદાયોના સભ્યો તેમનો અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવે છે. આ જોગવાઈને 2004થી સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી રહી છે. સંગઠને જણાવ્યું હતું કે, સરકારે આવા કેસની સુનાવણી અને નિર્ણય ઝડપથી થાય તે સુનિશ્ચિત કરવા માટે યોગ્ય પગલાં લેવા જોઈએ.