
ખજુરાહો એરપોર્ટ (HJR)… દેશનું એકમાત્ર એરપોર્ટ જ્યાં દરેક મુસાફર સંતુષ્ટ છે… કોઈ પણ મુસાફરને એરપોર્ટની સુવિધાઓ વિશે કોઈ ફરિયાદ નથી… ઓછામાં ઓછું એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા તો આવું જ કહે છે. હવે તમે કહેશો કે એમાં સમસ્યા શું છે?’ તો ભાઈ, સમસ્યા એ છે કે હાલમાં ખજુરાહો એરપોર્ટ પરથી કોઈ ફ્લાઇટ્સ ટેક ઓફ કે લેન્ડ થતી જ નથી. બીજા શબ્દોમાં કહીએ તો, હવાઈ ટ્રાફિક સંપૂર્ણપણે સ્થગિત છે.
કેમ તમે ચોંકી ગયા ને? એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (AAI)ના નવીનતમ ગ્રાહક સંતોષ સૂચકાંક (CSI)ના પરિણામોથી દરેક વ્યક્તિ આ જ પ્રકારે ચોંકી જાય છે. આ સર્વેને કારણે, ખજુરાહો એરપોર્ટ દેશનું પ્રથમ એરપોર્ટ બન્યું છે, જ્યાં શૂન્ય ફ્લાઇટ્સ અને મુસાફરો ન હોવા છતાં, ગ્રાહક સંતોષ 100 ટકા છે.

મીડિયા સૂત્રોના એક અહેવાલ મુજબ, ખજુરાહો એરપોર્ટ પર હવાઈ સેવાઓ 1 જુલાઈથી સંપૂર્ણપણે સ્થગિત કરવામાં આવી છે. આ ઓપરેશનલ કારણોસર છે. કોઈ પણ સંજોગોમાં ઓક્ટોબર 2026 પહેલાં ખજુરાહોથી ફ્લાઇટ્સ ફરી શરૂ થવાની શક્યતા નથી.
માત્ર આ જ નહીં, 1 જુલાઈના રોજ હવાઈ સેવાઓ સ્થગિત થયા પહેલા પણ, ખજુરાહોથી ફક્ત થોડી જ ફ્લાઇટ્સનું સંચાલન થતું હતું. મીડિયા સૂત્રો અનુસાર, દિલ્હી અને વારાણસીને જોડતી વર્ષમાં ફક્ત થોડી જ ફ્લાઇટ્સ હતી, અને હાલમાં તે પણ સ્થગિત છે.

અહેવાલમાં જણાવાયું છે કે, એરપોર્ટનું ટર્મિનલ બિલ્ડિંગ 1960ના દાયકાના અંતમાં બનાવવામાં આવ્યું હતું, જ્યારે પહેલી ફ્લાઇટ 1970ના દાયકામાં ઉડાન ભરી હતી. તેના ટૂંકા ઇતિહાસ હોવા છતાં, જ્યાં એરપોર્ટ પર ભીડભાડ રહે છે તે મહાનગરોને પાછળ છોડી દીધું છે, જ્યાં મુસાફરો પગથિયાં પર બેસવા મજબુર બને છે.
મીડિયા સૂત્રો સાથે વાત કરતા, ખજુરાહો એરપોર્ટ ડિરેક્ટર સંતોષ સિંહે આશા વ્યક્ત કરી હતી કે, ઓક્ટોબર સુધીમાં ફ્લાઇટ સેવાઓ સામાન્ય થઈ જશે. જોકે, તેમણે સસ્પેન્શન પાછળનું કારણ જણાવ્યું નથી.

આ બધું જાણ્યા પછી, તમે પૂછી શકો છો કે જ્યારે કોઈ વિમાન જ ન હોય ત્યારે ગ્રાહક સંતોષનો શું અર્થ છે? તો ભાઈ, વાસ્તવિક ખેલ એ 33 સર્વે પરિમાણોમાં રહેલો છે, જેના આધારે સ્વતંત્ર એજન્સીઓ વર્ષમાં બે વાર મુસાફરો પાસેથી ફીડબેક એકત્રિત કરે છે.
આમાં પાર્કિંગથી લઈને વાઇ-ફાઇ, સ્વચ્છતા અને ફૂડ સ્ટોલ સુધીની દરેક વસ્તુનો સમાવેશ થાય છે. જ્યાં ભીડ ન હોય અને એકદમ સારી સ્વચ્છતા હોય, ત્યાં લોકો સ્ટાફના વર્તનથી ચોક્કસ ખુશ થશે. એટલે વાત એ છે કે જ્યાં વિમાનનો અવાજ ન હોય, ત્યાં આરામ-શાંતિ વધારે નંબર લાવે છે.