

‘આદિપુરુષ’ને લગતા વિવાદના ત્રણ વર્ષ પછી ફિલ્મના સંવાદ લેખક, મનોજ મુંતશિરે પોતાની સૌથી મોટી ભૂલ સ્વીકારી છે. તેમણે કહ્યું કે ફિલ્મ માટે લખાયેલા કેટલાક સંવાદો માટે આજે તેઓ શરમ અનુભવે છે. ‘કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા…’ જેવા ડાયલોગને લઇને ભારે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
એક ઇન્ટર્વ્યૂ મનોજે સ્વીકાર્યું કે, ‘આદિપુરુષ’ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. ફિલ્મ રીલિઝ થયાના ત્રણ વર્ષ પછી તેમણે પહેલીવાર ખુલ્લેઆમ પોતાની ભૂલ સ્વીકારી છે. પ્રભાસ, કૃતિ સેનન અને સૈફ અલી ખાન અભિનીત ફિલ્મને લઇને થયેલા વિવાદ પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે ‘આદિપુરુષ’ તેમના જીવનની સૌથી મોટી ભૂલ હતી. આટલું જ નહીં, તેમણે સ્વીકાર્યું કે ફિલ્મનો બચાવ કરવો એ એક મોટી ભૂલ હતી.

તેમણે ટાઇમ્સ નાઉને આપેલા ઇન્ટર્વ્યૂમાં આ અંગે વાત કરી હતી. મનોજ મુન્તશિરે કહ્યું કે, શરૂઆતમાં, મેં આ વિવાદને ગંભીરતાથી લીધો નહોતો. મને બે દિવસ બાદ સમજ આવી કે શું થઇ ગયું. ‘આદિપુરુષ’ મારા જીવનની સૌથી મોટી ભૂલ હતી, અને તેનો બચાવ કરવો એ તેનાથી પણ મોટી ભૂલ હતી. આ ફિલ્મ સાથે જે કંઈ બન્યું તે બદલ મને ખૂબ શરમ આવે છે. હું હાથ જોડીને સમગ્ર દેશ પાસે માફી માંગુ છું. મનોજે ફિલ્મના ચર્ચિત સંવાદો વિશે પણ ખુલીને વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે, જ્યારે હું તે સંવાદો જોઉં છું, ત્યારે મને શરમ આવે છે કે મેં તે લખ્યા હતા. મને ખબર નથી કે ત્યારે હું કયા માનસિકતામાં હતો, જ્યારે તે લખ્યા હતા.
દિગ્દર્શક ઓમ રાઉતની ફિલ્મ ‘આદિપુરુષ’ જૂન 2023 માં રીલિઝ થઈ હતી. આ ફિલ્મ રામાયણથી પ્રેરિત હતી, પરંતુ રીલિઝ બાદ તેને દર્શકોનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ફિલ્મ પર ધાર્મિક મહાકાવ્યમાંથી તથ્યોને તોડી-મરોડીને રજૂ કરવા, ભગવાન હનુમાન અને રાવણ જેવા પાત્રોના ચિત્રણ અને સંવાદો અંગે ગંભીર વાંધા ઉઠાવવામાં આવ્યા હતા. ખાસ કરીને ‘કપડા તેરે બાપ કા…’ જેવા સંવાદો અંગે સોશિયલ મીડિયા પર ખૂબ ટીકા થઇ હતી. જોકે બાદમાં નિર્માતાઓએ કેટલાક સંવાદોમાં ફેરફાર કર્યા, પરંતુ વિવાદ શાંત થતો નજરે ન પડ્યો.

ફિલ્મ સામે સુપ્રીમ કોર્ટમાં CBFC દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્રને રદ કરવાની માંગ કરતી અરજી પણ દાખલ કરવામાં આવી હતી; જોકે, સુપ્રીમ કોર્ટે આ અરજીને ફગાવી દીધી હતી. આ અગાઉ, ફિલ્મમાં સીતાની ભૂમિકા ભજવનાર કૃતિ સેનને પણ આ વિવાદ પર પ્રતિક્રિયા આપી ચૂકી છે. તેણે કહ્યું હતું કે જ્યારે કોઈ ફિલ્મની આટલી ટીકા થાય છે ત્યારે કલાકારને ખૂબ દુઃખ થાય છે. જોકે, તેનું માનવું છે કે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે ફિલ્મ બનાવવાનો કોઇનો હેતુ હોતો નથી અને આવી ઘટનાઓમાંથી શીખવું જરૂરી છે.