

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય સોશિયલ મીડિયા સંયોજક (સોશિયલ મીડિયા હેડ) તરીકે નિયુક્ત થયા બાદ દીપક મ્હસ્કેએ પોતાનો પદભાર સંભાળી લીધો છે. આ મહત્ત્વની જવાબદારી મળ્યા બાદ તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને પક્ષના શીર્ષ નેતૃત્વ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ આઈટી સેલ પ્રમુખ અમિત માલવિયનો આભાર માન્યો હતો.

તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના સોશિયલ મીડિયાની જવાબદારી સોંપવામાં આવવા પર હું સંગઠનના શીર્ષ નેતૃત્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
તેમણે આગળ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ નિતીન નવીન, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ તથા પાર્ટીના વરિષ્ઠ નેતૃત્વએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે, તેના માટે હું હૃદયપૂર્વક કૃતજ્ઞ છું.


અમિત માલવિયના યોગદાનને બિરદાવતા તેમણે લખ્યું, વિશેષરૂપે અમિત માલવિયનો આભાર, જેમણે વર્ષોના અથાક પરિશ્રમ અને નેતૃત્વથી ભાજપની ડિજિટલ ઉપસ્થિતિને એક મજબૂત આધાર અને નવી ઓળખ આપી. તેમના અનુભવ અને માર્ગદર્શન સાથે આ મજબૂત વારસાને આગળ ધપાવવો મારા માટે સન્માન અને જવાબદારી બંને છે.
પોતાની ભવિષ્યની રણનીતિ અને સંકલ્પ અંગે વાત કરતા તેમણે કહ્યું, અમારો પ્રયાસ રહેશે કે નવી ટેકનોલોજી, નવા ડિજિટલ માધ્યમો અને નવી પેઢીની સંવાદ શૈલી સાથે પાર્ટીના વિચારો, સરકારના કાર્યો અને આદરણીય વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પને જન-જન સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવામાં આવે. સંગઠને જે વિશ્વાસ મૂક્યો છે, તેને પૂરી નિષ્ઠા, સમર્પણ અને પરિશ્રમથી નિભાવવાનો સંકલ્પ છે. આપ સૌના માર્ગદર્શન, સહયોગ અને અપેક્ષાઓની કામના કરું છું.

કોણ છે દીપક મ્હસ્કે?
દીપક મ્હસ્કે છત્તીસગઢના રાયપુરના વતની અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ તથા અનુભવી નેતા છે. રાજકારણમાં પૂર્ણ સમય સક્રિય થતાં પહેલાં તેઓ કેમિસ્ટ્રીના પ્રોફેસર રહી ચૂક્યા છે. તેઓ એમ.એસસી.ની ડિગ્રી ધરાવે છે અને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ તથા સિમેન્ટ ટેકનોલોજીનો અભ્યાસ પણ કરેલો છે. તેઓ ભાજપના આઈટી અને સોશિયલ મીડિયા સેલમાં છેલ્લા 15 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે અને છત્તીસગઢ ભાજપના પ્રદેશ પ્રવક્તા તેમજ છત્તીસગઢ મેડિકલ સર્વિસિસ કોર્પોરેશનના ચેરમેન તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. બિહાર, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળ જેવી મહત્ત્વની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપના ડિજિટલ કેમ્પેઈનનું સફળ સંચાલન કરવાનો તેમની પાસે બહોળો અનુભવ છે.