
પ્રાંતિજ પંથકમાં વીજ કેબલ ચોરીના ત્રણ બનાવથી ખેડૂતોમાં ભયનો માહોલ
- ફતેપુર, ઘડકણ અને કતપુરની સીમમાંથી કુલ રૂ.૧.૧૮ લાખથી વધુના વીજ વાયર-કેબલની ચોરી
-અજાણ્યા ચોરો રાત્રિના સમયે બોરકૂવા અને બંધ વીજ લાઇનને નિશાન બનાવતા હોવાની ફરિયાદ
-પ્રાંતિજ પોલીસે ત્રણેય બનાવોમાં ગુનો નોંધી તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં વીજ કેબલ ચોરીના ત્રણ અલગ-અલગ બનાવો સામે આવતા ખેડૂતોમાં ચિંતા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે પ્રાંતિજ પોલીસે ત્રણેય બનાવોમાં અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે
પ્રાપ્ત વિગતો મુજબ, પ્રથમ બનાવમાં ફતેપુર ગામની સીમમાં યુજીવીસીએલની જૂની બંધ પડેલી વીજ લાઇનના ફીડર લોકેશન નં.૩૦/૯૮થી ૩૦/૧૪૪ વચ્ચેના વીજ થાંભલા ઉપર લગાવેલા વીજ વાયરોને અજાણ્યા ચોરોએ નિશાન બનાવ્યા હતા. ચોરોએ આશરે ૮૦૦ મીટરના ત્રણ વાયર એટલે કે કુલ ૨૪૦૦ મીટર વીજ વાયર કાપી ચોરી કરી ગયા હતા. આ ચોરાયેલા વીજ વાયરની અંદાજિત કિંમત રૂ.૭૨,૦૦૦ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ અંગે નાયબ ઇજનેર શૈલેષ મનુભાઈ યાદવે ફરિયાદ નોંધાવી છે બીજા બનાવમાં ઘડકણ ગામની સીમમાં આવેલા બોરકૂવા પરથી રાત્રિના સમયે આશરે ૧૦૦ ફૂટ જેટલો વીજ કેબલ કાપીને ચોરી કરવામાં આવી હતી. ચોરાયેલા કેબલની કિંમત આશરે રૂ.૨૮,૦૦૦ હોવાનું જણાવાયું છે. આ અંગે અનીલકુમાર અંબાલાલ પટેલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ત્રીજા બનાવમાં કતપુર ગામની સીમમાં બે બોરકૂવામાંથી વીજ કેબલની ચોરી થઈ હતી. ફરિયાદીના બોરકૂવા પરથી આશરે ૫૦ ફૂટનો વીજ કેબલ, જેની કિંમત રૂ.૮,૫૦૦ હતી, તેમજ સાહેદના બોરકૂવા પરથી આશરે ૩૦ ફૂટ બે પટ્ટીનો વીજ કેબલ, જેની કિંમત રૂ.૯,૫૦૦ હતી, મળી કુલ રૂ.૧૮,૦૦૦ના વીજ કેબલની ચોરી કરવામાં આવી હતી. આ અંગે વિનોદકુમાર અમીચંદભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે આ ત્રણેય બનાવોમાં ચોરી કરનાર ઇસમો અજાણ્યા હોવાનું સામે આવ્યું છે. અગાઉ પણ વીજ કેબલ ચોરીના બનાવો બનતા હોવાથી ફરિયાદીઓએ મોડેથી પોલીસ ફરિયાદ નોંધાવી હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. પ્રાંતિજ પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૩(૨) તથા એક બનાવમાં કલમ ૫૪ મુજબ ગુના નોંધી અજાણ્યા ચોરોને ઝડપી પાડવા તપાસ શરૂ કરી છે