
પ્રાંતિજમાં મંદિર ચોરીનો ભેદ ઉકેલાયો, રૂ.35,220નો મુદ્દામાલ કબજે
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દલપુર હાઇવે રોડ ઉપર આવેલા જોગણી માતાના મંદિર ખાતે આશરે દોઢ માસ અગાઉ થયેલી ચોરીનો લોકલ ક્રાઇમ બ્રાન્ચ ( એલ.સી.બી.એ) ભેદ ઉકેલી બે કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોને ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી મોબાઇલ ફોન, રોકડ રકમ અને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલ સહિત કુલ રૂ.૩૫,૨૨૦નો મુદ્દામાલ કબજે કર્યો છે
મિલકત સંબંધી ગુનાઓનો ભેદ ઉકેલવા માટે નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (IPS) તથા સાબરકાંઠા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ (IPS)ની સૂચના અને એલ.સી.બી. પો.ઇન્સ. ડી.સી. સાકરીયાના માર્ગદર્શન હેઠળ પો.સ.ઇ. આર.કે. જોષીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી ટીમે બનાવસ્થળની મુલાકાત લઈ આસપાસના વિસ્તારના તેમજ નેત્રમ કમાન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ, ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે તપાસ આગળ ધપાવી હતી દરમિયાન તા.૨૨ ઓગસ્ટના રોજ એલ.સી.બી.ની ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે સમયે એ.એસ.આઇ. હેમાંશુરાજ તથા પોલીસ કર્મચારીઓ કનકસિંહ અને રાજેન્દ્રકુમારને બાતમી મળી હતી કે, દલપુર ખાતે હાઇવે રોડ ઉપર આવેલા જોગણી માતાના મંદિરમાં ચોરી કરનાર ઇસમો જેવા બે વ્યક્તિ કાળા રંગની હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં. જીજે-૦૭-બીજી-૬૧૦૮ લઇ હિંમતનગરથી પ્રાંતિજ તરફ આવી રહ્યા છે બાતમીના આધારે પોલીસે સલાલ કરણી ઢાબા હોટલ નજીક હાઇવે રોડ ઉપર વાહન રોકી તપાસ કરતાં બંને વ્યક્તિ કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોર હોવાનું સામે આવ્યું હતું. તેમની અંગઝડતી દરમિયાન બે મોબાઇલ ફોન અને રૂ.૫,૨૨૦ રોકડા મળી આવ્યા હતા. સાથે હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ પણ કબજે કરવામાં આવી હતી પોલીસની પૂછપરછ દરમિયાન બંને બાળ કિશોરોએ આશરે દોઢ માસ અગાઉ ત્રીજા ઇસમ સાથે મળી દલપુરના જોગણી માતાના મંદિરમાં જાળી બહાર મૂકેલી દાનપેટી તોડી તેમાંથી આશરે રૂ.૭ હજારની ચોરી કરી હોવાની કબૂલાત આપી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું આ બનાવ અંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. ૧૧૨૦૯૦૪૧૨૬૦૯૬૮/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૩૦૫(ડી), ૫૪ મુજબ ગુનો નોંધાયેલો હોવાનું જાણવા મળ્યું છે. બંને બાળ કિશોરોને વધુ તપાસ માટે પ્રાંતિજ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે
કબજે કરાયેલ મુદ્દામાલ:
મોબાઇલ ફોન નંગ-૨, કિંમત રૂ.૧૦,૦૦૦
રોકડ રૂ.૫,૨૨૦
હીરો સ્પ્લેન્ડર મોટરસાઇકલ નં. જીજે-૦૭-બીજી-૬૧૦૮, કિંમત રૂ.૨૦,૦૦૦
કુલ મુદ્દામાલ: રૂ.૩૫,૨૨૦