
થોડા દિવસો પૂર્વે ગુજરાતના જસદણના એક સ્નેહમિલનમાં ગુજરાતના પાટીદાર આંદોલનના જેતે સમયના આગેવાન દિનેશ બાંભણિયાએ અનારબેન પટેલની હાજરીમાં પોતાના મનની એક વાત કહી એ વાત મુજબ અનામત આંદોલન પછી આનંદીબેન પટેલે મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું તેનો તેમને આજે પણ અફસોસ હતો. અનારબેને આ સંદર્ભે જવાબ આપ્યો હતો કે તેમનાં માતાના મનમાં કોઈના માટે કડવાશ નથી. તેમણે બાંભણિયાને આનંદીબેન સાથે મુલાકાત કરાવવાની પણ વાત કરી. જે ઘટનાને લઈને વર્ષો સુધી મતભેદ રહ્યા હોય ત્યાં સામેવાળી વ્યક્તિનું મન હળવું કરવું સહેલું નથી. અનારબેનની શાલીનતા સમજવા માટે આ એક પ્રસંગ પૂરતો છે.
આ પ્રસંગે ગુજરાતના રાજકારણમાં ચર્ચાતા એક સવાલને ફરી હવા આપી છે. ભાજપે પૂર્વ વિદેશમંત્રી સુષમા સ્વરાજનાં દીકરી બાંસુરી સ્વરાજને નવી દિલ્હીથી લોકસભાની ચૂંટણી લડવાની તક આપી હતી તો ગુજરાતનાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં દીકરી અનારબેનને આવી તક ક્યારે મળશે? આ સવાલ સ્વાભાવિક છે. જોકે તેનો જવાબ શોધતાં પહેલાં બે વાત જાણવી જરૂરી છે. એક એ કે અનારબેને પોતાની ઓળખ ઊભી કરવા માટે શું કામ કર્યું છે? અને બીજું કે તેઓ પોતે ચૂંટણી લડવા વિશે શું કહે છે?

પહેલાં બાંસુરી સ્વરાજની વાત કરીએ. વર્ષ 2024માં ભાજપે નવી દિલ્હી બેઠક પર સતત બે વખત જીતેલાં મીનાક્ષી લેખીની જગ્યાએ બાંસુરીને ટિકિટ આપી હતી. એ સમયે વિપક્ષે પરિવારવાદનો સવાલ ઉઠાવ્યો હતો. બાંસુરીનો જવાબ હતો કે તેમનાં માતા રાજકારણમાં હતાં એટલે તેમના માટે રાજકારણના દરવાજા બંધ થઈ જતા નથી. તેમણે વિદ્યાર્થી સંગઠનમાં કામ કર્યું હતું અને સુપ્રીમ કોર્ટમાં વકીલાતનો અનુભવ પણ મેળવ્યો હતો. વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરીના મતે ભાજપે આ પસંદગીમાં કોણ જીતી શકે તેને વધુ મહત્ત્વ આપ્યું હતું. પરિણામે બાંસુરીએ આમ આદમી પાર્ટીના સોમનાથ ભારતીને ૭૮,૩૭૦ મતોથી હરાવ્યા.
અનારબેનનો રસ્તો જુદો રહ્યો છે. તેમણે અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિતનો અભ્યાસ કર્યો અને પછી નિરમા યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યું. આશરે ત્રણ દાયકાથી તેઓ માનવ સાધના, ગ્રામશ્રી અને ક્રાફ્ટરૂટ્સ જેવી સંસ્થાઓ સાથે જુદી જુદી જવાબદારીઓમાં જોડાયેલાં રહ્યાં છે. શહેરની ગરીબ વસાહતોનાં બાળકોનું શિક્ષણ હોય કે ગામડાંની કારીગર મહિલાઓને તેમની કળા માટે બજાર મળે એ માટેના પ્રયત્નો હોય, તેમના કામનો મોટો ભાગ આ પરિવારો વચ્ચે પસાર થયો છે. એટલે તેમના નામની ચર્ચા થાય ત્યારે આ કામને પણ એટલી જ જગ્યા મળવી જોઈએ જેટલી તેમની અટકને મળે છે. અહીં એક દાખલો લઈએ. ગામડામાં ભરતકામ કરતી બહેનની વસ્તુ શહેરના પ્રદર્શનમાં વેચાય ત્યારે તેના ઘરમાં મહેનતની આવક આવે છે પણ પ્રદર્શન પૂરું થયા પછી શું? ગ્રાહકને ફરી એ જ વસ્તુ જોઈતી હોય તો એ ગામડાની બહેન સુધી કેવી રીતે પહોંચે? મોટો ઓર્ડર મળે તો કાચો માલ ખરીદવાના પૈસા ક્યાંથી આવે? વેપારીને સમયસર માલ મળે અને કારીગરને સમયસર મહેનતાણું મળે એવી વ્યવસ્થા કેવી રીતે ઊભી થાય? આ સવાલો ના જવાબ શોધીએ ત્યારે કામ કરનાર વ્યક્તિને નાના ધંધાની મુશ્કેલી સમજાય છે. જાહેર જીવનમાં અનારબેનના અનુભવની કિંમત અને યોગદાન અહીં દેખાય છે.

પાટીદાર સમાજમાં અનારબેનના વ્યક્તિત્વને નવી જવાબદારી મળી છે. જાન્યુઆરીમાં કાગવડ ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે અનારબેનને ખોડલધામ સંગઠનનાં પ્રમુખ જાહેર કર્યાં હતાં. અનારબેને ત્યારે પોતાની ભૂમિકા પણ સ્પષ્ટ કરી હતી. તેમણે કહ્યું હતું કે આ જવાબદારી સમાજની એકતા મજબૂત કરવા અને સંગઠનનો વિસ્તાર કરવા માટે છે, તેને ચૂંટણીની ટિકિટ સાથે જોડવી યોગ્ય નથી. એટલે રાજકીય વર્તુળોમાં તેમના નામની ચર્ચા ચાલે ત્યારે અનારબેનના શબ્દો યાદ રાખવા જોઈએ. સમાજની જવાબદારી સ્વીકારવી અને ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરવી એ બે અલગ નિર્ણયો છે. પાટીદાર સમાજનો જાણીતો ચહેરો હોવાનું સમીકરણ પણ સમજવા જેવું છે. જસદણમાં બાંભણિયાએ જે અફસોસ વ્યક્ત કર્યો તેની સાથે આંદોલનમાં જોડાયેલાં ગીતાબેન પટેલ સહમત ન હતા અને તેમના મતે આંદોલનકારીઓએ માફી માગવાનું કોઈ કારણ નહોતું. એક જ આંદોલન વિશે એક જ સમાજનાં આગેવાનોના મત જુદા હોઈ શકે છે. આવા સમયે અનારબેનના જવાબની ખૂબી એ હતી કે તેમણે પોતાની માતા વતી કોઈની પાસે ખુલાસો માગ્યો નહીં. તેમણે મુલાકાતની વાત કરીને ફરી વાતચીત થઈ શકે એવા અવકાશનું સમીકરણ રજૂ કર્યું. જાહેર જીવનમાં શાલીન સ્વભાવ કેવી રીતે અસરકારક બની શકે તેનું આ સારું ઉદાહરણ કહી શકાય.
એક ચર્ચા એ પણ છે કે આનંદીબેનનો વહીવટી વારસો અનારબેન કેટલો જાળવી શકે? આનંદીબેન શિક્ષિકા હતાં. પછી ગુજરાત સરકારમાં તેમણે શિક્ષણ, મહેસૂલ, માર્ગ અને મકાન તથા મહિલા અને બાળકલ્યાણ જેવા વિભાગો સંભાળ્યા. શિક્ષણ વિભાગનો નિર્ણય વર્ગખંડમાં બેઠેલા બાળક સુધી કેવી રીતે પહોંચે તેની સમજ તેમને પોતાના અનુભવમાંથી મળી હતી. અનારબેનને એવી જ નજીકથી ગુજરાતના છેવાડાના ગામડાઓના કારીગરોના ઘર અને બાળકોની જીવનની પરિસ્થિતિઓ જોવાની તક મળી છે. આવતીકાલે તેમને વહીવટી જવાબદારી મળે તો આ અનુભવ કામ આવી શકે. જોકે નિર્ણય લેવાની તેમની રીત, મુશ્કેલીમાં યોગ્ય માણસને સાંભળવાની તૈયારી અને હાથ પર લીધેલું કામ પૂરું કરવાની ક્ષમતા પરથી જ લોકો તેમનું મૂલ્યાંકન કરશે. ભાજપ અને ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ માટે અનારબેન અજાણ્યું નામ પણ નથી. તેઓ 2014માં પક્ષના અમદાવાદ જિલ્લા એકમમાં જોડાયાં હતાં. ખોડલધામની જવાબદારી મળ્યા પછી પક્ષના કેટલાક નેતાઓએ તેમના સક્રિય રાજકારણમાં આવવાની શક્યતાને સહજતાથી આવકારી પણ છે.

છેવટે મતદારની અપેક્ષા બહુ સીધી હોય છે. ગ્રામ્ય અને શહેરી જીવન જીવતા જરૂરિયાતમંદ લોકોની વાત સાંભળનાર જોઈએ છે. વાલીને બાળકના ભણતરની મુશ્કેલી સમજનાર જોઈએ છે. અને સામાન્ય પરિવારે કોઈ સરકારી કચેરીમાં વાજબી કામ માટે વારંવાર જવું પડે ત્યારે તેને એવો સમાજસેવક નેતા જોઈએ છે જે તેની વાત જવાબદાર અધિકારી સુધી પહોંચાડે અને પછી પૂછે પણ ખરો કે કામનું શું થયું. અનારબેનની દાવેદારી ક્યારેય સામે આવે તો તેમની સામાજિક કામગીરીને આવા રોજિંદા પ્રશ્નો સાથે જોડીને જોવામાં આવે એ તેમના અને મતદાર બંને માટે ન્યાયી રહેશે.
તો ચર્ચાનો મૂળ વિષય આનંદીબેન પટેલના દીકરી અનારબેનનો વારો ક્યારે? આજની તારીખે તેનો કોઈ નિશ્ચિત જવાબ નથી. પહેલો નિર્ણય અનારબેનનો રહશે અને જો તેઓ ચૂંટણી લડવા તૈયાર થાય તો તેમના નામ પર ગંભીરતાથી વિચારવા માટે ભાજપ પાસે પૂરતાં કારણો છે. મહિલાઓ સાથેનું કામ, પાટીદાર સમાજમાં સ્વીકાર અને મતભેદ વચ્ચે પણ સંવાદ જાળવવાની સમજ અને આવડત અનારબેને મેળવી છે. બાંસુરી સ્વરાજને તક આપ્યા પછી દિલ્હીના મતદારોને તેમની પસંદગી કરવાનો અવસર મળ્યો હતો. ગુજરાતમાં પણ અનારબેન માટે સૌથી અર્થપૂર્ણ તક એ જ હશે કે તેઓ પોતાનું કામ લોકો સમક્ષ મૂકે અને ગુજરાતના મતદારો પોતાનો નિર્ણય આપે.