18.jpg?w=1110&ssl=1)
‘આપણા તાલુકાની અલગ બેઠક બને તો ટિકિટ કોને મળે?’ ગુજરાતમાં બેઠકો વધવાની ચર્ચાનો રસ આ એક સવાલમાં સમાયેલો છે. વર્ષોથી પક્ષ માટે કામ કરનાર કાર્યકરને લાગે છે કે કદાચ આ વખતે તેનો વારો આવશે. હાલના ધારાસભ્યને પણ વિચાર આવે કે લોકસભાની નવી બેઠક બને તો સંસદ સુધી પહોંચવાની તક ઝડપી લવ. હજી કોઈ નવી બેઠકનું નામ નક્કી થયું નથી કે કોઈ ગામની હદ બદલાઈ નથી છતાં રાજકીય ગણતરી શરૂ થઈ ગઈ છે. રસપ્રદ વાત એ છે કે નેતા પોતાના માટે અનુકૂળ બેઠક શોધે છે અને મતદાર પોતાના વિસ્તાર માટે યોગ્ય નેતા શોધે છે. આ ચર્ચા પાછળનું કારણ સમજવા જેવું છે. કેન્દ્ર સરકારે લોકસભા અને વિધાનસભાની બેઠકો વધારવા તથા મહિલા અનામતનો અમલ કરવા માટે સુધારેલા પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેના પર 30 નવેમ્બરથી શરૂ થતા સંસદના સત્રમાં વિચાર થવાનો છે. ગુજરાતમાં અત્યારે લોકસભાની 26 અને વિધાનસભાની 182 બેઠકો છે. જો બેઠકોમાં પચાસ ટકાનો વધારો થાય તો ગુજરાતમાંથી 39 સાંસદ અને 273 ધારાસભ્યો ચૂંટાઈ શકે. એટલે 13 વધારાના સાંસદ અને 91 વધારાના ધારાસભ્યોની ચર્ચા ચાલે છે. હાલ આ પ્રસ્તાવ છે અને તેને સંસદની મંજૂરી મળવાની અને બેઠકોની નવી હદ નક્કી થવાની બાકી છે.

ગુજરાતમાં વિધાનસભાની હવે પછીની ચૂંટણી 2027માં થવાની હોવાથી ટિકિટ મેળવવા ઇચ્છતા લોકો માટે સમયનો સવાલ મહત્ત્વનો છે. અને ચૂંટણી નવી બેઠકો પ્રમાણે જ થશે એવું આજે નક્કી કહી શકાય નહીં. વળી બેઠકો વધે એટલે હાલની તમામ બેઠકો એવી જ રહે અને તેમની બાજુમાં નવી બેઠકો ઊભી થઈ જાય એવું પણ નથી. સીમાંકન એટલે કયા ગામો અને શહેરના કયા વિસ્તારો કઈ બેઠકમાં આવશે તે નક્કી કરવાની પ્રક્રિયા. આજે જે ગામના લોકો એક ધારાસભ્યને ચૂંટે છે તેઓ નવી હદ પ્રમાણે પડોશના તાલુકાનાં ગામો સાથે મળીને બીજો ધારાસભ્ય ચૂંટતા થઈ શકે. ધારો કે કોઈ ધારાસભ્યને છેલ્લી બે ચૂંટણીમાં ચાર મોટાં ગામોએ સરસાઈ અપાવી છે. નવી હદમાં એમાંથી બે ગામ બીજી બેઠકમાં જાય તો જૂની જીતનો દાખલો આપીને તેઓ ફરી જીતનો દાવો કેવી રીતે કરી શકે? બીજી તરફ એ જ બે ગામમાં વર્ષોથી લોકોનાં કામ કરાવતો જિલ્લા પંચાયતનો સભ્ય નવી બેઠકમાં મજબૂત દાવેદાર બની શકે. આમ એક જ ફેરફારથી કોઈને પોતાની બેઠક સાચવવાની ચિંતા થાય અને કોઈને પહેલી વાર વિધાનસભા સુધી પહોંચવાની આશા બંધાય. પક્ષોએ પણ ઉમેદવાર પસંદ કરતી વખતે જૂનાં પરિણામો સાથે નવા વિસ્તારની ઓળખ ધ્યાનમાં લેવી પડશે. સ્ડાઉન માટે અભ્યાસ મેજિલેટો વિષય રહશે.
ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી માટે આ સ્થિતિનો અર્થ જુદો હોઈ શકે. ભાજપ પાસે કોઈ તાલુકામાં બે મજબૂત દાવેદાર હોય તો બંનેને લાગશે કે હવે એકબીજાની સામે ટિકિટ માગવાનો વારો નહીં આવે. પણ બંનેનાં ગામ એક જ બેઠકમાં રહે તો હરીફાઈ પણ યથાવત્ રહેશે. કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીનો કોઈ સ્થાનિક આગેવાન આખા જિલ્લામાં ઓછો જાણીતો હોય પણ પોતાના પાંચસાત વોર્ડમાં તેણે સારું કામ કર્યું હોય તો નવી હદ તેને તક આપી શકે. આખરે પક્ષની ટિકિટ મળે તે પ્રથમ પગથિયું છે. ઉમેદવારને પોતાના વિસ્તારની બહારના લોકો પણ સ્વીકારે ત્યારે જીતની શક્યતા વધે છે. આ ગણતરીમાં મહિલા અનામતને ખાસ સમજવાની જરૂર છે. જો ગુજરાતમાં વિધાનસભાની 273 બેઠકો થાય અને એક તૃતીયાંશ મહિલા અનામત અમલમાં આવે તો 91 બેઠકો મહિલાઓ માટે અનામત થઈ શકે. અહીં બે આંકડા સરખા છે એટલે ગેરસમજ થઈ શકે. કુલ બેઠકોમાં સૂચિત વધારો 91નો છે અને મહિલાઓ માટે અનામત બેઠકોની સંખ્યા પણ 91 થાય છે પરંતુ અનામત કુલ 273 બેઠકોમાંથી ગણાશે. એટલે હાલના ધારાસભ્ય એવી ખાતરી રાખી શકે નહીં કે તેમની બેઠક ખુલ્લી જ રહેશે અને માત્ર વધારાની બેઠકો પરથી જ મહિલાઓ ચૂંટણી લડશે. એવા સમયે ગામની મહિલા સરપંચ કે શહેરની નગરસેવિકાના અનુભવનું મૂલ્ય પણ સમજાશે. કોઈ સરપંચે ઉનાળામાં ગામ માટે પાણીની વ્યવસ્થા કરી હોય, ગ્રામસભામાં ખર્ચનો હિસાબ આપ્યો હોય અને લોકોનો વિશ્વાસ જીતીને બીજી વાર ચૂંટાઈ આવી હોય તો વિધાનસભાની ટિકિટ માગવા માટે તેની પાસે પોતાનું કામ છે. પક્ષની બેઠકમાં તેની દાવેદારી પર ચર્ચા થાય ત્યારે એક સાદો સવાલ પૂછવા જેવો છે… જેને ગામના લોકો પોતાની મુશ્કેલી વખતે વર્ષોથી શોધતા આવ્યા છે તેને મોટા વિસ્તારની જવાબદારી આપવાનું પક્ષ કેટલું યોગ્ય માને છે?

ધારાસભ્ય કે સાંસદ બનવાની ઇચ્છા રાખવામાં કશું ખોટું નથી. વર્ષોથી લોકો વચ્ચે કામ કરતા કાર્યકરને આગળ વધવાની તક મળે એ લોકશાહી માટે સારું છે. પણ ટિકિટની રાહ જોનાર માટે આજથી જ એક કામ ચીંધવા જેવું છે. પોતાના વિસ્તારનો એક અગત્યનો અટકેલો પ્રશ્ન હાથ પર લે, લાગુ સંબંધિત અધિકારીઓને મળે અને જે પરિવારે એમને જે રજૂઆત કરી હોય તેને વળતો જવાબ આપવાનું શરૂ કરે. આવતી કાલે ગામ કે શહેરની સોસાયટી કઈ બેઠકમાં આવશે તે ચૂંટણીપંચનો નકશો નક્કી કરશે પણ મુશ્કેલી વખતે કોણ મળ્યું હતું અને કામ પૂરું થયું કે નહીં તે પૂછવા કોણ પાછું આવ્યું હતું, એટલું યાદ રાખવા મતદારને નકશાની જરૂર પડતી નથી એ બધા જ ટીકીટવાંછુંઓએ યાદ રાખવું જોઈએ.