

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ રવિવાર (23 ઓગસ્ટ)થી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં રમાઈ રહી છે. મેચના એક દિવસ અગાઉ, ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે પોતાની ટીકાઓ અને ભારતના ટેસ્ટ પ્રદર્શન પર ખુલીને વાત કરી. ગંભીરે સ્પષ્ટ કર્યું કે તેમનો ઉદ્દેશ્ય સોશિયલ મીડિયા પર લોકપ્રિયતા મેળવવાનો નથી, પરંતુ ભારતીય ટીમ માટે ટ્રોફી જીતવાનો છે.
છેલ્લા કેટલાક સમયથી ભારતના ટેસ્ટ રેકોર્ડ અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે, જેમાં ટીમના પ્રદર્શન અને ગંભીરના કોચિંગ અંગે ટીકા કરવામાં આવી રહી છે. જોકે, બીજી ટેસ્ટની પૂર્વસંધ્યાએ ગંભીરે સ્પષ્ટ રીતે જવાબ આપ્યો. ગૌતમ ગંભીરે કહ્યું કે તેઓ ટીકા કે સોશિયલ મીડિયાની લોકપ્રિયતા બાબતે વધુ વિચારતો નથી. તેમનું સંપૂર્ણ ધ્યાન ભારતીય ટીમને સફળ બનાવવા અને ટ્રોફી જીતવા પર છે. મારું કામ ટ્રોફી જીતવાનું છે. હું તેની ચિંતા કરું છું અને તેના પર વિશ્વાસ રાખું છું. મારું કામ લાઈક્સ અને વ્યૂઝ મેળવવાનું નથી.
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ગંભીર ભારતના ટેસ્ટ પ્રદર્શન અંગે સતત ચર્ચામાં રહ્યા છે. હેડ કોચે સ્પષ્ટ કર્યું કે, તેમના માટે બાહ્ય મંતવ્યો કરતા ટીમની સિદ્ધિઓ વધુ મહત્ત્વની છે. ગંભીરે ભારતની ટેસ્ટ રેન્કિંગ અને તાજેતરના પ્રદર્શન પર પણ પોતાના વિચારો રાખ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે રેન્કિંગને જરૂરિયાત કરતા વધારે મહત્ત્વ ન આપવું જોઈએ અને ટીમને સંઘર્ષશીલ બતાવવી યોગ્ય નથી. ગંભીરે કહ્યું કે, રેન્કિંગ મહત્વનું નથી. અમે સંઘર્ષ કરી રહ્યા નથી. અમે ઇંગ્લેન્ડ પ્રવાસ બાદ ઠીક-ઠીક ટેસ્ટ ક્રિકેટ રમ્યા છીએ.
ગૌતમ ગંભીરે સ્પષ્ટતા કરી હતી કે બીજી ટેસ્ટ માટે ટીમની પસંદગી એ બોલિંગ કોમ્બિનેશનના આધારે હશે, જે ભારત માટે 20 વિકેટ લેવા માટે સક્ષમ હોય. કુલદીપ યાદવ અંગે તેમણે કહ્યું કે તે એક સારો બોલર છે, પરંતુ અંતિમ નિર્ણય પરિસ્થિતિઓ અને કેપ્ટનના વિચાર પર નિર્ભર કરશે.

ગંભીરે કહ્યું કે, અમે શ્રેષ્ઠ બોલિંગ આક્રમણ મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરીશું જે અમને 20 વિકેટ અપાવી શકે. કુલદીપ એક સારો બોલર છે, અને ઘણીવાર નિર્ણય કેપ્ટન પર રહે છે. ગંભીરે ખેલાડીઓને સતત તકો આપવા અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમનું માનવું છે કે ઉતાર-ચઢાવ ક્રિકેટનો ભાગ છે અને ખેલાડીને ફક્ત એક કે બે ખરાબ મેચના આધારે ટીમમાંથી પડતો મૂકવો જોઈએ નહીં. ક્રિકેટમાં ઉતાર-ચઢાવ આવે છે. આપણે ખેલાડીઓનો સાથે આપવો પડશે અને લાંબી તક આપવી પડશે. નિર્ણયો ફક્ત એક કે બે મેચના આધારે ન લેવા જોઈએ.
ભારત હાલમાં તેની ટેસ્ટ ટીમમાં બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન જેવા અનુભવી ખેલાડીઓની જગ્યા ભરવી સરળ નથી. એવામાં, નવી પેઢીને ટેસ્ટ ક્રિકેટમાં ઢાળવા દરમિયાન ઉતાર-ચઢાવમાંથી પસાર થવું પડે છે.

ભારત અને શ્રીલંકા વચ્ચે હાલની સીરિઝમાં ફક્ત બે ટેસ્ટ મેચની છે, જેમાં ટીમ ઇન્ડિયા પહેલી મેચ જીત્યા બાદ 1-0 થી આગળ છે. આમ, કોલંબો ટેસ્ટ સીરિઝનું પરિણામ નક્કી કરશે. ગંભીર માને છે કે ટેસ્ટ સીરિઝમાં ઓછામાં ઓછી ત્રણ મેચ હોવી જોઈએ. તેમણે કહ્યું કે, મારા મતે, ત્રણ ટેસ્ટ મેચની સીરિઝ આદર્શ છે. ઓછા સમયમાં રિકવરી એ કોઈ સમસ્યા નથી; આપણે જાણીએ છીએ કે આપણા શરીરને મેનેજ કેવી રીતે કરવાનું છે. અમે ખેલાડીઓ માટે વૈકલ્પિક પ્રેક્ટિસ સત્રો રાખીએ છીએ અને બોલરોને આરામ પણ આપીએ છીએ.
ગંભીરે ત્રણ ટેસ્ટ મેચની સીરિઝને પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ પણ જણાવ્યું. તેમના મતે, જો કોઈ ટીમ બે ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચ હારી જાય છે, તો તેની પાસે વાપસીની તક બચતી નથી; તેઓ ફક્ત સીરિઝ ડ્રો કરવાનું લક્ષ્ય રાખી શકે છે. ગંભીર માને છે કે ત્રણ મેચની સીરિઝમાં જે ટીમ પહેલી ટેસ્ટ હારી જાય છે તેની પાસે વાપસી કરવા અને સીરિઝનું વલણ બદલવાની વધુ સારી તક મળે છે. ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગાલે ટેસ્ટની પીચથી સંતુષ્ટ દેખાયા. ગંભીરે કહ્યું કે, ગાલેની પીચ ટેસ્ટ ક્રિકેટ માટે સારી હતી. અમને ત્યાં રમવાનો આનંદ માણ્યો અને આશા છે કે અહીંની પીચ પણ આવી જ હશે. તે ‘પરફેક્ટ’ ટેસ્ટ મેચ નહોતી, પરંતુ ટેસ્ટ મેચ આ રીતે જ રમાય છે.
ભારતીય ટેસ્ટ ટીમ હાલમાં બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહી છે, અને ગંભીર સામે નવી ટીમ બનાવવાનો પડકાર છે. શુભમન ગિલ ધીમે-ધીમે તેની નેતૃત્વની ભૂમિકામાં ઢળી રહ્યો છે, જ્યારે દેવદત્ત પડિક્કલે ત્રીજા નંબર પર પોતાની ક્ષમતા દર્શાવી છે. તો, સ્પિન વિભાગમાં માનવ સુથાર એક નવા વિકલ્પ તરીકે ઉભરી આવ્યો છે.
ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાશે. આ મેચ સ્થાનિક સમય મુજબ સવારે 10:00 વાગ્યે શરૂ થવાની છે. આ રમત ભારત માટે મહત્ત્વપૂર્ણ રહેશે કારણ કે ટીમનો ઉદ્દેશ્ય મજબૂત પ્રદર્શન સાથે તેની ટેસ્ટ લય જાળવી રાખવાનો છે. બીજી ટેસ્ટ પહેલા, ગંભીરના નિવેદનથી સ્પષ્ટ થાય છે કે ટીમ મેનેજમેન્ટ ટીકા, રેન્કિંગ અથવા સોશિયલ મીડિયા પરના ઘોંઘાટથી પ્રભાવિત થવા માંગતું નથી. નોંધનીય છે કે ભારતે ગાલેમાં પ્રથમ ટેસ્ટ 165 રનથી જીતી હતી; હવે તેની નજર કોલંબોમાં જીત મેળવીને સીરિઝ 2-0 થી કબજે કરવા પર હશે.