fbpx

ગુજરાત સરકારની વ્યથા એ છે કે તે દારૂબંધી હટાવી શકે એમ નથી

Spread the love
ગુજરાત સરકારની વ્યથા એ છે કે તે દારૂબંધી હટાવી શકે એમ નથી

આપણા ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છ દાયકાથી વધુ સમયથી અમલમાં છે. મહાત્મા ગાંધીના આદર્શો અને સામાજિક વિચારધારાના આધારે આ નીતિ અપનાવવામાં આવી હતી. ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનો એક મહત્ત્વનો ભાગ બની ગયેલી આ વ્યવસ્થા આજે પણ કાયદાકીય રીતે અમલમાં છે છતાં વાસ્તવિકતા કંઈક જુદી છે. દારૂબંધી હોવા છતા રાજ્યમાં દારૂ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે. આ વિરોધાભાસી પરિસ્થિતિ સરકાર અને સમાજ માટે એક સમસ્યા બની છે. 

ઇતિહાસ પર નજર નાખીએ તો 1949ના ગુજરાત પ્રોહિબિશન એક્ટથી શરૂ થયેલી આ નીતિ સ્વતંત્રતા પછીના વર્ષોમાં વધુ કડક બની. તેનો મૂળ ઉદ્દેશ સમાજને દારૂની લતના માઠા પરિણામોથી બચાવવાનો હતો. આરોગ્ય, પરિવારની સ્થિરતા અને નૈતિક મૂલ્યોને જાળવવાનું લક્ષ્ય સામે રાખવામાં આવ્યું. પરંતુ સમય સાથે માંગ અને પુરવઠાનું સમીકરણ બદલાયું. પડોશી રાજ્યોમાં સરકારી દારૂની દુકાનો હોવાથી સરહદો પરથી બુટલેગિંગ સરળ બની. રાજ્યની ભૌગોલિક સ્થિતિ દરિયાઈ કિનારો અને અન્ય રાજ્યો સાથેની સરહદો દારૂની હેરાફેરીને વધુ સરળ બનાવે છે. પરિણામે ગેરકાયદેસર દારૂના વેચાણનું એક વિશાળ નેટવર્ક વિકસ્યું જેમાં નકલી અને ઝેરી દારૂનું પ્રમાણ પણ વધ્યું.

કાળાંતરે નકલી દારૂના કેસો અને લઠ્ઠાકાંડો સામે આવતા રહે છે. આ ઘટનાઓ માત્ર આંકડા સિમિત નથી પરંતુ તે પરિવારોની વેદના, સામાજિક અશાંતિ અને વહીવટી નિષ્ફળતાનું પ્રતીક છે. દારૂબંધીનો કડક કાયદો હોવા છતા અમલીકરણમાં છટકબારીઓ છે. પોલીસ અને વહીવટી તંત્ર પર દબાણ તો વધે છે પરંતુ માંગ ચાલુ રહે છે અને ત્યાં સુધી પુરવઠો કોઈ ને કોઈ માર્ગે પહોંચી જાય છે. આમાં ભ્રષ્ટાચારના આરોપો પણ વારંવાર સામે આવે છે, જે સરકાર અને લાગુ તંત્ર પ્રત્યે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરતા રહે છે. 

02

ગુજરાતમાં આ સ્થિતિનું એક બીજું પાસું આર્થિક પણ છે. કાયદાકીય વેચાણ પર પ્રતિબંધ હોવાથી રાજ્યને મોટા પ્રમાણમાં આબકારી આવકથી વંચિત રહેવું પડે છે. તેનું સ્થાન કાળાબજાર લઈ લે છે. બીજી એવી પણ દલીલ છે કે આવક કરતાં પ્રજાજનોનું આરોગ્ય અને સાંસ્કૃતિક મૂલ્યો વધુ મહત્વના છે. બંને દૃષ્ટિકોણમાં તાર્કિકતા છે પરંતુ વાસ્તવિકતા એ છે કે હાલની વ્યવસ્થા બધીજ રીતે નુકસાનદાયી છે. 

સામાજિક સ્તરે પણ પ્રશ્નો ઊભા થાય છે. દારૂના વેચાણ અને પીવા પર પ્રતિબંધ હોવા છતા યુવાનો અને મધ્યમ વર્ગમાં તેની માંગ ઘટતી નથી. દારૂ પીવાય છે, વેચાય છે અને ઇનામ પર કોઈ જ નિયંત્રણ નથી. કેટલાક કુટુંબોમાં આર્થિક નુકસાની દેવું અને આરોગ્યની સમસ્યાઓ વધે છે જ્યારે એક વર્ગ દારૂબંધી હટાવવાનું કહે છે. આ બધું મળીને એક એવી પરિસ્થિતિ નિર્માણ પામી છે કે જ્યાં સરકારી પ્રતિબંધ અને વ્યવહારિક વાસ્તવિકતા વચ્ચે અંતર વધતું જાય છે.

03

સરકારની વ્યથા સમજી શકાય તેવી છે. દારૂબંધી હટાવવી સરળ નથી કારણ કે તે રાજ્યની ઐતિહાસિક અને રાજકીય ઓળખ સાથે જોડાયેલી છે. તેને હટાવવાથી વિરોધ થઈ શકે જ્યારે તેને જાળવી રાખવાથી અમલવારીની નિષ્ફળતા ઉજાગર થાય છે. છ દાયકા પછી પણ સંપૂર્ણ અમલ શક્ય ન બન્યો હોવાથી પ્રશ્ન ઊભો થાય છે કે શું દારૂબંધી  વ્યવહારિક છે? 

વિવિધ મંતવ્યો અસ્તિત્વમાં છે. કેટલાક માને છે કે મૂલ્યો અને પરંપરાને જાળવવા માટે પ્રતિબંધ જરૂરી છે. અન્યો કહે છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને વાસ્તવિક નિયંત્રણ વધુ મહત્વના છે. બંને પક્ષોના તર્કમાં સાતત્યતા છે. મહત્વની વાત એ છે કે સમસ્યાનું નિરાકરણ માત્ર કાયદાકીય કડકાઈથી અથવા સંપૂર્ણ મુક્તિથી નહીં પરંતુ સમાજની માંગ, આરોગ્યની સંભાળના સંતુલનથી આવી શકે.

આ વિષય પર ચિંતન કરતાં એ સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં દારૂબંધી એક જટિલ સામાજિક પ્રયોગ બની ગયો છે. તેની સફળતા કે નિષ્ફળતા માત્ર સરકાર પર આધારિત નથી પણ સમાજની ભાગીદારી, જાગૃતિ અને વ્યવહારિક અભિગમ પણ જરૂરી છે. છ દાયકાના અનુભવ પછી પણ જ્યારે સમસ્યા અનિર્ણીત રહે છે ત્યારે વિચારવાની જરૂર છે કે શું વર્તમાન સ્થિતિજ યોગ્ય છે? અથવા નવા વિકલ્પો શોધવાની જરૂર છે? કોઈ સરળ ઉકેલ નથી પરંતુ તટસ્થ ચર્ચા અને વાસ્તવિક મૂલ્યાંકનથી આગળ વધી શકાય. આ વ્યથા માત્ર સરકારની નથી તે સમગ્ર સમાજની છે અને તેનો ઉકેલ પણ સામૂહિક વિચારથી જ શક્ય બની શકે.

Leave a Reply

error: Content is protected !!