
એસ્સેલ ગ્રુપ અને Zee એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રા અંગે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ સુભાષ ચંદ્રાને સંડોવતા મોટા દેવાના સમાધાનને મંજૂરી આપી છે. આ નિર્ણયથી સમગ્ર બેંકિંગ અને કોર્પોરેટ ક્ષેત્રને આઘાત લાગ્યો છે, કારણ કે ધિરાણકર્તાઓએ તેમનું લગભગ તમામ દેવાનું નુકસાન સહન કરવું પડ્યું છે.

આ કેસની સૌથી મોટી અને સૌથી આશ્ચર્યજનક બાબત તેની સંખ્યા છે. કુલ બાકી દેવું આશરે 22,006 કરોડ રૂપિયા હતું, અને સમાધાનની રકમ માત્ર 6.5 કરોડ રૂપિયા હતી. જ્યારે હેયરકટ 99.97 ટકા હતો (એટલે કે ધિરાણકર્તાઓએ તેમના 99.97 ટકા જેટલા નાણાંનું નુકસાન સહન કરવાનું).
સુભાષ ચંદ્રા અને તેમની એસ્સેલ ગ્રુપ કંપનીઓ છેલ્લા કેટલાક વર્ષોથી ભારે દેવાના બોજ હેઠળ દબાયેલી હતી. ચંદ્રા દેવું ચૂકવવામાં અસમર્થ હોવાથી, મામલો NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) સુધી પહોંચ્યો. અહેવાલો અનુસાર, NCLTએ હવે રૂ. 22,006 કરોડના જંગી દેવાના સમાધાન માટે ચંદ્રા દ્વારા રજૂ કરાયેલા માત્ર રૂ. 6.5 કરોડના ચુકવણી યોજનાને કાનૂની મંજૂરી આપી દીધી છે.

NCLTના ત્રીજા સભ્ય (ન્યાયિક) નીલેશ શર્માએ ચુકવણી યોજનાને મંજૂરી આપતા પોતાનો અંતિમ ચુકાદો આપ્યો. સપ્ટેમ્બર 2025માં બેન્ચના બે સભ્યો વચ્ચે વિભાજીત ચુકાદા પછી ફેબ્રુઆરી 2026માં કેસ તેમની પાસે મોકલવામાં આવ્યો હતો. શર્માએ યોજનાને અંતિમ મંજૂરી આપી હતી. આ અગાઉ, નવેમ્બર 2024માં, લેણદારોએ 80.814 ટકાની બહુમતી સાથે યોજનાને મંજૂરી આપી હતી, જે IBC નિયમો હેઠળ જરૂરી 75 ટકા કરતા વધુ હતી. LIC હાઉસિંગ, HDFC, એક્સિસ, કેનેરા અને યુનિયન બેંક સહિત કેટલાક અન્ય ધિરાણકર્તાઓએ તેનો વિરોધ કર્યો હતો, પરંતુ યોજનાને સરળતાથી અંતિમ મંજૂરી મળી ગઈ હતી, કારણ કે તેમનો મતદાન હિસ્સો 20 ટકા કરતા ઓછો હતો.
Zee એન્ટરટેઈનમેન્ટના સ્થાપક સુભાષ ચંદ્રાને તેમના રૂ. 22,006 કરોડના જંગી દેવાને માત્ર રૂ. 6.5 કરોડ (99.97 ટકા હેરકટ) માટે NCLT દ્વારા મંજૂરી આપવામાં આવ્યા પછી, દારૂના વેપારી વિજય માલ્યાએ હવે સુભાષ ચંદ્ર પર કટાક્ષ કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરતા માલ્યાએ સુભાષ ચંદ્ર પર નિશાન સાધતા લખ્યું, ‘જો આ સાચું હોય, તો મારા મિત્ર સુભાષને ખૂબ ખૂબ અભિનંદન… બેંકો અને સરકારે પોતે સ્વીકાર્યું છે કે તેમણે મારી રૂ. 6,203 કરોડની લોન સામે મારી પાસેથી રૂ. 14,100 કરોડ વસૂલ કર્યા છે, જ્યારે બીજા ઘણા અન્ય દેવાદારોએ નજીવી રકમ ચૂકવીને તેમના દેવાનું સમાધાન કર્યું છે.’

બેંકિંગ અને ફાઇનાન્સ ભાષામાં, ‘હેરકટ’એ રકમનો ઉલ્લેખ છે, જેને બેંક અથવા ધિરાણકર્તા ખરાબ દેવું ગણીને છોડી દેવા (માફ કરવા) સંમત થાય છે, જેથી તેઓ ઓછામાં ઓછા તેમના પૈસા પાછા મેળવી શકે.
આ કિસ્સામાં, 99.97 ટકાના હેરકટનો સીધો અર્થ એ થાય કે, જે નાણાકીય સંસ્થાઓ અથવા ધિરાણકર્તાઓએ સુભાષ ચંદ્રા/એસેલ ગ્રુપને પૈસા ઉછીના આપ્યા હતા તેમને તેમણે આપેલા દરેક 100 રૂપિયા માટે માત્ર 3 પૈસા (0.03 ટકા) પાછા મળ્યા છે, અને બાકીના 99.97 રૂપિયા પુરી રીતે ડૂબી ગયા છે.