
18 માર્ચ 2023ના રોજ, 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર યુવાન સ્વ. શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એઈમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ડોકટરોએ બ્રેઈનડેડ જાહેર કર્યો. દુઃખની આ ઘડીમાં પણ પટેલ પરિવારે હિંમત દાખવી, ડોનેટ લાઈફના માધ્યમથી શૈશવના હૃદય, ફેફસાં, લિવર, કિડની અને ચક્ષુઓનું દાન કર્યું.
શૈશવનું હૃદય હાંસોટ તાલુકાના આસરમાજૂના ગામના 22 વર્ષીય યુવાન રવિરાજ વિક્રમસિંહ મહિડામાં સુરતની મહાવીર હોસ્પિટલમાં માર્ચ 2023માં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. રવિરાજના શરીરમાં આજે શૈશવનું હૃદય ધબકી રહ્યું છે.
“જ્યારે બહેન તેના ભાઈના ધબકારાને રાખડી બાંધવા પહોંચી…”
રક્ષાબંધનના પવિત્ર દિવસે એક એવું દ્રશ્ય સર્જાયું જેણે હાજર સૌની આંખો ભીની કરી દીધી. સ્વ. શૈશવની બહેન નિધિ પોતાના ગામ હાજતથી તેની માતા મનીષાબેન, પિતરાઈ ભાઈ મોહિત અને ડોનેટ લાઈફ ની ટીમ સાથે રવિરાજના ગામે પહોંચી. હાથમાં રાખડી અને હૃદયમાં ભાઈની અસંખ્ય યાદો લઈને જ્યારે નિધિએ રવિરાજને રાખડી બાંધી, ત્યારે ખુશી અને ગમના આંસુ એકસાથે વહી નીકળ્યા.
“એક રાખડી, બે પરિવારોનું અતૂટ બંધન”
ભાવુક થઈને રવિરાજે કહ્યું, “સ્વ. શૈશવનું હૃદય મારામાં ધબકી રહ્યું છે. નિધિએ બાંધેલી આ રાખડી ફક્ત મારા હાથ પર નહીં, બે પરિવારોના હૃદય પર બંધાઈ છે. શૈશવે મને માત્ર નવું જીવન નથી આપ્યું, નિધિના રૂપમાં બહેન પણ આપી છે. છેલ્લા ત્રણ વર્ષથી નિધિ મને રાખડી બાંધવા આવે છે.”
નિધિએ રડતા-રડતા કહ્યું, “મારો ભાઈ પ્રત્યક્ષ રીતે અમારી વચ્ચે નથી, પણ પરોક્ષ રીતે અમારી વચ્ચે જ છે. તેનું હૃદય રવિરાજમાં ધબકે છે. હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે મારો ભાઈ ખૂબ ખુશ રહે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે.”
“માનવતા એ જ સૌથી મોટો ધર્મ”
ડોનેટ લાઈફ ના સંસ્થાપક અને પદ્મશ્રી થી સમ્માનિત નીલેશ માંડલેવાલા એ જણાવ્યું, “આ માત્ર રક્ષાબંધન નથી, માનવતાના અતૂટ સંબંધની ઉજવણી છે. સ્વ. શૈશવના હૃદયે બે અજાણ્યા પરિવારોને પ્રેમના એવા પવિત્ર બંધનમાં બાંધી દીધા છે જે લોહીના સંબંધથી પણ વધુ ગાઢ છે. અંગદાન માત્ર જીવન નથી બચાવતું, તે સંબંધોને નવી ઓળખ આપે છે.”